ટાઈગરની જબરદસ્ત કમાણી કરી રહેલી ફિલ્મ `બાગી 2` ફસાઈ વિવાદમાં, જાણો કેમ
ફિલ્મે 150 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. રિલીઝના પહેલા દિવસે જ 25 કરોડની કમાણી કરનારી ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. જો કે ટાઈગરની આ હીટ ફિલ્મ વિવાદમાં ફસાઈ છે.
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ હાલ સતત ચર્ચામાં છે. 30 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ બાગી 2એ બોક્સ ઓફિસ પર બીજા અઠવાડિયે પણ કબ્જો જમાવેલો છે. મળેલા રિપોર્ટ્સ મુજબ ફિલ્મે 150 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. રિલીઝના પહેલા દિવસે જ 25 કરોડની કમાણી કરનારી ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. જો કે ટાઈગરની આ હીટ ફિલ્મ વિવાદમાં ફસાઈ છે. ફિલ્મમાં એક દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે જેમાં થોડા સમય પહેલા જ કાશ્મીરમાં થયેલા પથ્થરમારા અને ત્યારબાદ એક માણસને આર્મી જીપ પર બાંધીને ફેરવવામાં આવ્યો છે.
એક વેબસાઈટમાં છપાયેલા અહેવાલ મુજબ કાશ્મીરના ફારુક અહેમદ ડાર કે જેને હકીકતમાં આર્મીની જીપ આગળ બાંધવામાં આવ્યો હતો તેણે મેકર્સ સામે માનહાનિનો કેસ કરવાનો ફેસલો લીધો છે. અત્રે જણાવવાનું કે ફારુકને આર્મીએ કાશ્મીરના બડગામ જિલ્લામાં ગત વર્ષે પોતાની જીપ આગળ બાંધીને ફેરવ્યો હતો. સેનાએ ફારુક પથ્થરબાજી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ અહેવાલ આવ્યાં બાદ સોશિયલ મીડિયા પર તસવીરો વાઈરલ થઈ હતી.
કાશ્મીરના આ વ્યક્તિએ પોતાના પર લાગેલા પથ્થરબાજીના આરોપને ફગાવ્યાં છે. ફારુકનું કહેવું છે કે મેકર્સ વિરુદ્ધ તે બદનક્ષીનો દાવો માંડશે. આ ઘટના બાદ તેની જીંદગી તબાહ થઈ ગઈ. અત્રે જણાવવાનું કે આર્મીના આ કાર્યથી સોશિયલ મીડિયામાં ખુબ આલોચના થઈ હતી. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યના ચાહકોએ ખુબ વખાણ કર્યા છે. આ ફિલ્મે દીપિકા પાદૂકોણની ફિલ્મ પદ્માવતના ફર્સ્ટ ડે કલેક્શનનો રેકોર્ડ પણ તોડ્યો છે.