Valentine`s Day: બોલીવુડની આ ટોપ 10 રોમેન્ટિક ફિલ્મો...જેણે શીખવી પ્રેમની પરિભાષા
હિન્દી ફિલ્મોની લાંબી સફરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો બની જેને જુદી જુદી પેઢીને પ્રેમ કરવાની રીત શીખવી. દિલીપકુમારથી શાહરૂખ ખાન, રાજ કપૂરથી રણબીર કપૂર સુધી, તો મધુબાલાથી માધુરી સુધી..
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય ફિલ્મ જગતની સૌથી મોટી ખાસિયતની વાત કરવામાં આવે તો તે છે સદાબહાર પ્રેમ કહાની... હિન્દી ફિલ્મોની લાંબી સફરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો બની જેને જુદી જુદી પેઢીને પ્રેમ કરવાની રીત શીખવી. દિલીપકુમારથી શાહરૂખ ખાન, રાજ કપૂરથી રણબીર કપૂર સુધી, તો મધુબાલાથી માધુરી સુધી.. દરેક પેઢીના સિનેરસીકોને આ કલાકારોએ પ્રેમની ભાષા શીખવી. 14 ફેબ્રુઆરી એટલે 'પ્રેમનો દિવસ'. અહીં એવી કેટલીક સદાબહાર ફિલ્મોની વાત કરીએ જેને દરેક પેઢીના દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી. બોલિવુડની આ 10 રોમેન્ટિક એવરગ્રીન ફિલ્મો દર્શકોની રહી કાયમની પસંદગીની ફિલ્મો...
1. મુઘલ એ આઝમ
જો બોલિવુડની ક્લાસિક પ્રેમ કહાનીની વાત કરવામાં આવે તો મુઘલ એ આઝમને કઈ રીતે ભૂલાય?.... મુઘલ એ આઝમ વર્ષ 1960માં રિલિઝ થઈ... બ્લેક એન્ડ વ્હાઈટ એરામાં રિલીઝ થયેલી ફિલ્મ આજે 6 દાયકા બાદ પણ સિને રસિકોની પસંદગીની ફિલ્મોમાંથી એક છે. સલીમ અને અનારકલીનો એકબીજા પ્રત્યેનો અનહદ પ્રેમ અને બંનેને જુદા કરવા માટે સલીમના પિતા અકબર દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેના પર ફિલ્મની વાર્તા છે. ફિલ્મનું 'પ્યાર કિયા તો ડરના કિયા' ગીત આજે પણ પ્રેમમાં બળવો કરતા યુગલોમાં જોશ પુરનારું છે.
2. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
બોલિવુડની શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મોમાં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નું નામ સૌથી પહેલા આવે તેમ કહીએ તો જરાય અતિશ્યોશક્તિ નહીં કહેવાય. શાહરૂખ ખાનને 'કિંગ ઓફ રોમાન્સ'નું બિરુદ મળ્યું તેમાં સૌથી મોટો ફાળો 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'નો છે. વિદેશમાં અજાણતા ભેગા થઈ ગયેલ યુવક અને યુવતી પહેલા ઝઘડે છે, પછી બંને મિત્ર બને છે અને ત્યારબાદ તે પ્રેમમાં પડે છે. આ સ્ટોરી દર્શકોને આજે પણ તેટલી જ રોમાંચિત કરી દે છે. સિમરનને મેળવવા માટે રાજ (શાહરૂખ ખાન) તેના પરિવારને મનાવવા માટે જે મહેનત કરે છે અને અંતે નાયકને તેનો પ્રેમ મળી જાય છે. વર્ષ 1995માં રિલિઝ થયેલી ફિલ્મ બ્લોકબસ્ટર હતી અને તેના ગીતો પણ સદાબહાર રહ્યા. આ ફિલ્મથી શાહરૂખ ખાન- કાજોલની જોડી એવરગ્રીન બની ગઈ.
3.કભી કભી
બોલિવુડના એન્ગ્રી યંગમેનની છાપ ઉભી કરનાર અમિતાભ બચ્ચનનો કભી કભી ફિલ્મમાં રોમેન્ટિક અંદાજ જોવા મળ્યો. કભી કભી એક એવી સંપૂર્ણ ફિલ્મ છે જેમાં તમામ પ્રકારના મનોરંજનના વ્યંજન છે જેમ કે સરસ વાર્તા, ધારદાર ડાયલોગ્સ, શ્રેષ્ઠ ડિરેકશન અને કલાકારોનો અફલાતૂન અભિનય.. રોમેન્ટિક ફિલ્મોમાં જ્યારે ડિરેકટર આવે ત્યારે યશ ચોપરાનું નામ પહેલા લેવામાં આવે. કભી કભી ફિલ્મને યશ ચોપરાએ ડિરેકટ કરી જેમાં અમિતાભ બચ્ચન, રાખી, શશી કપૂર,વહીદા રહેમાન જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. ફિલમના ગીતો સદાબહાર સાબિત થયા.
4. વીર-ઝારાં
જે બે દેશો વચ્ચે સબંધ હંમેશા તણાવપૂર્ણ રહ્યા હોય, જ્યા લોકો એકબીજાના જીવના દુશમન રહ્યા હોય ત્યા એવી પ્રેમકહાની નિર્માણ પામી જેમાં મિલનના બદલે ફકત વિરહ હોય. પ્રેમને સરહદ પણ દૂર કરી શકતી નથી તે વાતને દર્શાવતી સુંદર ફિલ્મ વીરઝારાને દર્શકો ક્યારેય ન ભૂલી શકે. વર્ષ 2004માં યશ ચોપરા નિદર્શિત ફિલ્મ 'વીરઝારા' માં શાહરૂખ અને પ્રિતી ઝીન્ટાની જોડી જોવા મળી. ફિલ્મની વાર્તા, બંને કલાકારોના અભિનય અને તેના ગીતો ફિલ્મને અલગ જ ઉંચાઈએ લઈ ગયા. બેસ્ટ રોમેન્ટિક ફિલ્મોમાં દેશભક્તિની છાંટ સાથે વીરઝારા પ્રેમી યુગલોની પસંદગીની ફિલ્મોમાંની એક ફિલ્મ છે.
5.કયામત સે કયામત તક
બોલિવુડમાં જ્યારે એકશન ફિલ્મો દૌર હતો તે સમયે નવોદિત અભિનેતાને ચમકાવતી ફિલ્મ 'કયામત સે કયામત તક' ઈતિહાસ રચી દેશે તેવો વિચાર કોઈએ કર્યો નહીં હોય. વર્ષ 1988માં રિલીઝ થયેલી ફિલ્મથી આમીર ખાન અને જૂહી ચાવલા રાતોરાત સ્ટાર બની ગયા. ફિલ્મ યુવાહૈયાઓમાં ઘણી લોકપ્રિય થઈ. આ ફિલ્મના પ્રમોશન માટે આમીર ખાને તે સમયે રિક્ષાઓની પાછળ ફિલ્મના પોસ્ટર લગાવ્યા હતા.
6. મેનૈ પ્યાર કિયા
'દોસ્તી કા એક ઉસૂલ હૈ,નો સોરી નો થેંક યૂ' આ ડાયલોગ કોણ ભૂલી શકે...સલમાન ખાન આ ફિલ્મથી સુપરસ્ટાર બની ગયો. સલમાન અને ભાગ્યશ્રીની જોડીને ચમકવાતી ફિલ્મ આજે પણ દર્શકો ટીવી પર જુએ તો પ્રેમ-સુમનની વાર્તામાં ખોવાઈ જાય. ધનાઢ્ય ઘરનો યુવાન તેના પિતાના ફ્રેન્ડની દીકરીના પ્રેમમાં પડે છે.બંને વચ્ચે પ્રેમ પાંગરે છે પરંતું તેમાં પણ બંનેના પેરેન્ટસની દુશ્મની બંને પ્રેમીઓને અલગ કરી દે છે. ફિલ્મના નાયકની તેનો પ્રેમ મેળવવા માટેની મહેનત દર્શકોના દિલ જીતી લે છે. ફિલ્મ રિલિઝ થયાને 30 વર્ષ થઈ ગયા પરંતું ફિલ્મની વાર્તા તેટલી જ ફ્રેશ લાગે. ફિલ્મના ગીતો આજે પણ લોકોના પસંદગીના ગીતોમાંથી એક છે.
7. એક દૂજે કે લીયે
'એક દૂજે કે લીયે' ફિલ્મ એક એવી પ્રેમકહાની જેને લોકોના દિલને હચમચાવી દીધા હતા. વર્ષ 1981માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મનો પ્રભાવ તે સમયે યુવાઓમાં એ હદે પડ્યો કે ઘણા પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો હતો. ફિલ્મમાં કમલ હસન અને રતિ અગ્નિહોત્રીએ વાસુ અને સપનાના કિરદારમાં પ્રાણ રેડી દીધા હતા. ફિલ્મમાં વાસુ અને સપના પહાડી પરથી કૂદકો મારી દે છે. બોલિવૂડની શ્રેષ્ઠ પ્રેમ કહાનીનું જ્યારે નામ લખાય ત્યારે 'એક દૂજે કે લીયે' ફિલ્મ ચોક્કસથી લેવાય.
Valentine's Day 2021: બોલીવુડના એવા કલાકારો જેમણે કો-સ્ટાર્સની હમસફર તરીકે કરી પસંદગી
8.દિલ તો પાગલ હૈ
બોલિવૂડમાં સૌથી વધારે પ્રેમકહાનીની ફિલ્મોની વાત કરીએ તો યશ ચોપરાને યાદ કરવા પડે. 'દિલ તો પાગલ હૈ' ફિલ્મ યશ ચોપરાની વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ છે. શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અન કરિશમા કપૂર સ્ટારર ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. દિલ તો પાગલ હૈ ફિલ્મે જ હિન્દી દર્શકોને વેલેન્ટાઈન ડે અને દિલના શેપવાળા ફુગ્ગાઓને કન્સેપ્ટ આપ્યો. ફિલ્મમાં પ્રેમ અને દોસ્તીની વાત કરવામાં આવી છે.
9.સિલસિલા
અમિતાભ બચ્ચન અને રેખાની જોડી જ્યારે સિલ્વર સ્ક્રીન પર આવી ત્યારે સુપરહિટ સાબિત થઈ.. સિલસિલા પણ યશ ચોપરાની ફિલ્મ હતી. જાવેદ અખ્તર ફિલ્મના ગીતો લખ્યા હતા. ફિલ્મનું ગીત 'દેખા એક ખ્વાબ તો યે સિલસિલે હુએ' ખૂબ જ લોકપ્રિય થયુ હતું. મહત્વનું છે કે આ ફિલ્મ રિલિઝ થઈ ત્યારે ફ્લોપ નીવડી હતી. ફિલ્મ ભલે ફલોપ થઈ હોય પણ ધીમ ધીમે ફિલ્મે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી.
10. કુછ કુછ હોતા હૈ
કરણ જૌહરે ડિરેકટ કરેલી ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ' ફિલ્મની ટ્રાઈ એંગલ લવસ્ટોરી દર્શકોની કાયમથી ફેવરિટ રહી છે. શાહરૂખ ખાન, રાની મુખર્જી અને કાજૌલને ચમકાવતી ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ. ફિલ્મની કહાનીને દર્શકો પોતાની જાત સાથે રિલેટ કરી શક્યા હતા. ફિલ્મ એટલી હિટ રહી કે તે સમયે યુવકો પોતાની પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવા શાહરૂખ ખાનની સ્ટાઈલનો ઉપયોગ કરતા, કોલેજમાં ફિલ્મના ડાયલોગ લોકો પોતાની પ્રેમિકાને કહેતા હતા. કાજોલની હેર સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સ પણ યુવાઓએ અપનાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube