Valentine's Day 2021: બોલીવુડના એવા કલાકારો જેમણે કો-સ્ટાર્સની હમસફર તરીકે કરી પસંદગી

ઘણાં સ્ટાર્સ છે જેમણે પડદા પર જ નહીં પરંતુ અસલી જિંદગીમાં પોતાના કો-સ્ટાર્સની હમસફર તરીકે પસંદગી કરી. દિલીપકુમાર, રાજેશ ખન્ના અને અમિતાભ સહિતના બોલીવુડ સ્ટારની લવસ્ટોરી કઈ રીતે લગ્નમાં પરિણમી તે સ્ટોરી પણ જાણવા જેવી છે.

Valentine's Day 2021: બોલીવુડના એવા કલાકારો જેમણે કો-સ્ટાર્સની હમસફર તરીકે કરી પસંદગી

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડની ફિલ્મો લવ સ્ટોરી વગર અધૂરી લાગે છે. એવુ લાગે કે જાણે સ્ટોરીમાં કોઈ રંગ જ નથી. બોલીવુડમાં રિયલ લવ સ્ટોરી પર પણ કેટલીય ફિલ્મો બની ચૂકી છે. પરંતુ શું તમને ખબર છે ફિલ્મોમાં કિરદાર નિભાવતા કલાકારોની રિયલ લવસ્ટોરી પણ ખૂબ રસપ્રદ છે. એવા ઘણાં સ્ટાર્સ છે જેમણે પડદા પર જ નહીં પરંતુ અસલી જિંદગીમાં પોતાના કો-સ્ટાર્સની હમસફર તરીકે પસંદગી કરી. આજે અમે આપને એવા બોલીવુડના લવબર્ડ બતાવીશું જેના વિશે કદાચ ઘણાં ઓછા લોકો જાણતા હશે.

દિલીપકુમાર-શાયરા બાનુ
સાયરાબાનુ અને દિલીપ કુમાર...એક એવી જોડી જેણે લોકોને આદર્શ જોડી કેવી હોય તે બતાવ્યું છે. અનેક સુપરહિટ ફિલ્મ્સમાં કામ કરનાર સાયરા બાનુનું દિલ પોતાનાથી 22 વર્ષ મોટા દિલીપ કુમાર પર આવી ગયુ હતુ. તે દિલીપ કુમારને 12 વર્ષની ઉંમરથી જ પ્રેમ કરતા હતા. ભાગ્યે જ કોઈ જાણતુ હશે કે સાયરા બાનુની સાથે દિલીપ કુમારને ફિલ્મ ઓફર થઈ હતી જે કરવા માટે તેમણે ના પાડી દીધી હતી.  દિલીપ સાહેબને લાગ્યુ હતુ કે તેમની જોડી ફિલ્મમાં સારી નહી લાગે, બન્નેની ઉંમરમાં મોટુ અંતર છે એટલે તેમણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. ફિલ્મ ‘આન’ જોયા બાદ સાયરા બાનુને દિલીપ કુમાર સાથે પ્રેમ થઈ ગયો હતો.
દિલીપ કુમારને ઈમ્પ્રેસ કરવા માટે સાયરા બાનુ ઉર્દૂ અને પાર્શિયન ભાષા શીખવા લાગ્યા. એટલુ જ નહી તે તેમની પસંદ અને નાપસંદ વિષે પણ જાણકારી મેળવવામાં લાગી ગયા હતા. આ વાત દિલીપ સાહેબ પણ જાણતા હતા કે સાયરા તેમને પસંદ કરે છે, પરંતુ તેમણે આ વાતને હંમેશા ઈગ્નોર કરી હતી. કારણકે સાચો પ્રેમ શોધવાની ફિરાકમાં દિલીપકુમાર બેવાર નિષ્ફળ રહ્યા હતા. અંતે દિલીપકુમારને શાયરા બાનુની બેઈમ્તિહા મહોબ્બત સામે ઝુકવુ પડ્યું. 1966માં બંનેએ કોઈને પણ જણાવ્યા વગર લગ્ન કરી લીધા.

રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયા એક નાકામિયાબ લવસ્ટોરી
જેની એક ઝલક મેળવવા દેશની લાખો મહિલાપ્રશંસકો પાગલ બની જતી એવા હિન્દી ફિલ્મના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ૧૯૩૭માં ૨૭ માર્ચે અચાનક ૧૬ વર્ષની ડિમ્પલ કાપડિયા સાથે લગ્ન કરીને ઘણાને આંચકો આપ્યો હતો. એ વખતે રાજેશ ખન્નાની ઉંમર ૩૧ વર્ષની હતી. આ લગ્ન ‘બૉબી’ ફિલ્મ રિલીઝ થવાના છ મહિના પહેલાં થયાં હતાં. રાજેશ ખન્ના મોડી રાતે શૂટિંગ પૂરું કરીને ઘરે આવે ત્યારે લોકો તેમની સાથે ઘરે પણ આવતા. એને લીધે તેમની વચ્ચે ઘણા ઝઘડા થતા હતા. છેવટે ૧૯૮૪માં બન્નેએ છૂટાછેડા લીધા વગર જ છૂટા પડવાનો નિર્ણય લીધો. રાજેશ ખન્નાની વ્યસ્તતાને કારણે તેઓ ડિમ્પલની નજીક રહી શકતા નહોતા. એ જ કારણસર બન્ને વચ્ચે ઝઘડો પણ થતો. એથી ડિમ્પલે આ લગ્નજીવનનો અંત લાવવાનું નક્કી કર્યું અને પોતાની ફિલ્મ-કરીઅર ફરી શરૂ કરી. તેમને બે પુત્રીઓ ટ્વિન્કલ તથા રિન્કી છે. પિતા તરીકે રાજેશ ખન્ના ખૂબ પ્રેમાળ હતા એટલે બન્નેએ દીકરીઓ માટે પણ છૂટાછેડા ન લેવાનું નક્કી કર્યું હતું. ડિમ્પલ આમ ભલે કાકાથી છૂટી પડી ગઈ હોય, પણ તેઓ જ્યારે રાજકારણમાં પ્રવેશેલા ત્યારે તેમનો પ્રચાર પણ કરેલો. હમણાં તેઓ બીમાર પડ્યા ત્યારે પણ તે સાથે હતી અને છેક સુધી સાથે રહી હતી.

લગ્ન માટે ધર્મેન્દ્રની દરેક શરતોનો હેમા માલિનીએ કર્યો સ્વીકાર
ધર્મેન્દ્ર અને હેમા માલિનીને બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં બેસ્ટ કપલ તરીકે જોવામાં આવે છે. દેશ દુનિયામાં પણ બંનેની જોડીએ ખુબ પ્રસિદ્ધિ મેળવી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ધર્મેન્દ્રના ઘરમાં હેમા માલિની અને તેની બંને દીકરી ઈશા-અહાના માટે નો એન્ટ્રી હતી. પરંતુ આગળ જતાં આખો મામલો થાળે પડી ગયો. દરેક લોકો સારી રીતે જાણે છે કે ધર્મેન્દ્રનાં હેમા માલિની સાથે બીજા લગ્ન છે. 19 વર્ષની ઉંમરમાં ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રની હેમા માલિની સાથે પહેલી મુલાકાત અહમદ અબ્બાસની ફિલ્મ ‘આસમાન મહલ’નાં પ્રિમિયર દરમિયાન વર્ષ 1965માં થઈ હતી. આ સમયે ધર્મેન્દ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક સુપર સ્ટાર બની ચૂક્યા હતા.  ફિલ્મમાં હેમાએ એક જ ફિલ્મમાં રોલ પ્લે કર્યો હતો. ધીમે ધીમે બંને એકબીજા પ્રત્યે આકર્ષિત થવા લાગ્યા. હેમા અને ધર્મેન્દ્રએ એકબીજા પ્રત્યેના પ્રેમને ફિલ્મ ‘શોલે’ના શૂટિંગ દરમિયાન થયો હતો. આ દરમિયાન બંને એકબીજાની સાથે રહેતા. ધર્મેન્દ્ર હેમા માલિનીનાં પ્રેમમાં પાગલ હતા. તેમણે પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌરને છૂટાછેડા આપ્યા વગર મુસ્લિમ ધર્મ અપનાવી હેમા માલિની સાથે લગ્ન કર્યા. ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે 2મે, 1980માં લગ્ન કરી લીધા. ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવા માટે હેમા માલિનીએ ઘણી વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. હેમાએ ધર્મેન્દ્રની તે શરત પણ સ્વીકારી લીધી કે લગ્ન કરવા માટે ન તો પત્ની પ્રકાશ કૌરને છોડશે અને ન તો તેમના દીકરા અને પરિવારને. હેમા માલિનીએ પણ ધર્મેન્દ્રને તેમની દરેક કમી સાથે અપનાવી લીધા.

લંડન જવા માટે અમિતાભ-જયાએ કર્યા લગ્ન
બિગ બીએ જયા ભાદુરીને પહેલી જ વાર મેગેઝિનના કવર પેજ પર જોયા હતાં. મેગેઝિન પર જયાને જોતા જ અમિતાભ ઘણાં જ ઈમ્પ્રેસ થયા હતાં. અમિતાભે શોમાં કહ્યું હતું કે તેઓ હંમેશાથી એવી યુવતી ઈચ્છતા હતાં કે જે અંદરથી ટ્રેડિશનલ હોય અને બહારથી મોડર્ન. જયા એકદમ એવા જ હતાં. અમિતાભે એમ પણ કહ્યું હતું કે તેમને જયાની આંખો ઘણી જ ગમી હતી. ત્યારબાદ ઋષિકેશ મુખર્જી ‘ગુડ્ડી’ની સ્ક્રિપ્ટ લઈ અમિતાભ પાસે આવ્યા હતાં. ફિલ્મમાં જયા ભાદુરીને લેવામાં આવ્યા હતાં. અમિતાભ આ ફિલ્મમાં જયા સાથે કામ કરવા ઉત્સુક હતાં. જયા બચ્ચને કહ્યું હતું કે તેમની વચ્ચે પહેલી નજરનો પ્રેમ નહોતો. જયાએ 1970માં અમિતાભને પહેલી વાર પુના ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટમાં જોયા હતાં. તે ફિલ્મમેકર કે. અબ્બાસ તથા તેમના ગ્રૂપ સાથે ત્યાં આવ્યા હતાં. અમિતાભની પર્સનાલિટી જયા બચ્ચનને ઘણી જ પસંદ આવી હતી. ફિલ્મ ‘એક નજર’ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.ફિલ્મ ‘જંજીર’ના શૂટિંગ દરમિયાન અમિતાભ-જયાના કોમન ફ્રેન્ડે કહ્યું હતું કે જો આ ફિલ્મ હિટ થઈ જાય તો તેઓ બધા સાથે લંડન ફરવા જશે. આ ફિલ્મ હિટ ગઈ અને બધાએ લંડન ફરવા જવાનો પ્લાન પણ બનાવ્યો હતો. જોકે, અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે અમિતાભ-જયાને સાથે લંડન મોકલવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમિતાભ લગ્ન વગર કોઈ પણ યુવતી સાથે બહાર ફરવા જશે નહીં. ત્યારે અમિતાભે જયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને જયાએ પ્રપોઝલ સ્વીકારી લીધી હતી. બંનેના પરિવારે પણ આ સંબંધને મંજૂરી આપી હતી. ત્રણ જૂન, 1973માં બંનેએ લગ્ન કર્યાં હતાં.

નીતુ સિંહ અને ઋષિ કપૂર
બોલિવૂડના ક્યૂટ કપલ નીતુ સિંહ અને ઋષિ કપૂરની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. બંનેને નાની ઉંમરે પ્રેમ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે નીતુ જ્યારે ઋષિના પ્રેમમાં પડી ત્યારે તે માત્ર 14 વર્ષની હતી અને બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. બંનેએ એકસાથે પહેલી ફિલ્મ 'ઝહરિલા ઈન્સાન'માં કામ કર્યુ હતું. શૂટિંગ દરમિયાન ઋષિ નીતુને ખૂબ ચીડાવતો હતો. ક્યારેક તે નીતુના ચહેરા પર કાજલ ફેલાવી દેતો, તો ક્યારેક કોઈ પ્રેન્ક કરતો. નીતુને શરૂઆતમાં આવી મસ્તી મજાક પસંદ ન હતી. પરંતુ ધીમે ધીમે ઋષિની આવી હરકતો પસંદ આવવા લાગી. પછી બંનેએ લગ્ન કર્યા અને ગૃહસ્થી શરૂ કરી. જોકે લગ્ન કરવા બંને માટે સરળ ન હતુ. નીતુ સિંહની મમ્મીને ઋષિ કપૂરનો ફ્લર્ટી સ્વભાવ બિલકુલ પણ પસંદ ન હતો. જેના કારણે તેઓ બંનેના લગ્નની વિરુદ્ધ હતા. પરંતુ ધીમે ધીમે બંનેએ પરિવારને મનાવી લીધા અને લગ્ન કરી લીધા.

જાવેદ અખ્તર-શબાના આઝમી
જાવેદ અખ્તર અને બોલીવુડ એક્ટ્રેસ શબાના આઝમીના બીજા લગ્ન છે. બંનેની લવસ્ટોરી પણ રસપ્રદ છે. જાવેદ અખ્તરની શબાના સાથે મુલાકાત શબાનાનાં પિતાના ઘરે થઈ. જાવેદ મોટાભાગે કૈફી આઝમી પાસે કવિતાઓના સંદર્ભમાં મુલાકાત કરવા આવતા હતા. આ રીતે ધીમે ધીમે બંનેએ એકબીજા સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ વાતચીત ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ કોઈને ખબર ન પડી. શબાનાની માતાને બંનેનું બોલવા-ચાલવાનું પસંદ ન હતું. શબાના એક પરણિત પુરુષ સાથે લગ્ન કરે તે તેની માતાને મંજૂર ન હતુ. એટલા માટે તેઓ કૈફી આઝમીને વારંવાર શબાનાનાં લગ્ન માટે કોઈ સારો છોકરો જોવાનું દબાણ કરતા. પરંતુ 1978માં જાવેદ પોતાની પહેલી પત્નીને ડિવોર્સ આપીને શબાના સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયા. એ વાતને છ વર્ષ થયા બાદ 1984માં મુસ્લિમ રિતી-રિવાજ સાથે શબાના આઝમી અને જાવેદ અખ્તરના નિકાહ થયા.

અનુપમ ખેર-કિરણ ખેર
કિરણ ખેર અને અનુપમ ખેરની જોડીને બોલીવુડમાં આદર્શ માનવામાં આવે છે. બંને સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે. બંનેએ 1985માં લગ્ન કર્યા. અનુપમ ખેર અને કિરણ ખેરની પહેલી મુલાકાત ચંડીગઢમાં થઈ. બંને એક થિયેટરમાં સાથે કામ કરતા હતા. કામ દરમિયાન બંને સારા મિત્ર બન્યા અને પછી દોસ્તી પ્રેમમાં બદલાઈ હઈ. કિરણ ખેર વર્ષ 1980 દરમિયાન ફિલ્મોમાં કામની શોધ માટે મુંબઈ પહોંચી હતી. આ દરમિયાન કિરણને એક બિઝનેસમેન ગૌતમ બેરી સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા. ગૌતમ અને કિરણનો એક પુત્ર સિકંદર પણ થયો. પરંતુ બંનેની ગૃહસ્થી લાંબા સમય સુધી ન ચાલી.
બીજીબાજુ અનુપમ ખેરની પહેલી પત્ની મધુમાલતી સાથેના સંબંધો સારા ચાલતા ન હતા જેના પગલે બંને અલગ થઈ ગયા. જ્યારબાદ અનુપમ અને કિરણની બીજી મુલાકાત કોલકતાના નાદિરા બબ્બરનાં પ્લે દરમિયાન થઈ. પ્લે પૂરો થતાની સાથે બંનેને અહેસાસ થયો કે તેમની વચ્ચે કંઈક છે. આગળની મુલાકાતમાં અનુપમે કિરણને પ્રપોઝ કરી દીધુ અને 1985માં તેમણે લગ્ન કરી લીધા. લગ્નબાદ અનુપમે સિકંદરને પોતાની સરનેમ પણ આપી.

રિતેશ-જેનીલિયા
બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ અને અભિનેત્રી જેનીલિયા ડિસુઝાની મુલાકાત પ્રથમ ફિલ્મ 'તુઝે મેરી કસમ' ના સેટ પર થઈ હતી. આ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ પછી બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને 9 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન જેનીલિયાએ કહ્યું હતું કે, રિતેશ દેશમુખની માસુમિયત સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. અલગ અલગ ધર્મના હોવા છતાં, બંને સેલેબ્સના પરિવારોએ તેમના લગ્નને મંજૂરી આપી હતી અને રિતેશ-જેનીલિયાએ ફેબ્રુઆરી, 2012માં લગ્ન કરી લીધા. આજે બંનેના બે ક્યૂટ બાળકો છે. આ સિવાય અક્ષય કુમાર-ટ્વિન્કલ ખન્ના, અજય દેવગણ-કાજલ, રાની મુખર્જી-આદિત્ય ચોપડા, એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન, કરિના કપૂર અને સેફઅલી ખાન, આમિર ખાન અને કિરણ રાવ જેવા ઘણા બોલીવુડ કપલ છે, જેમણે પોતાના કો-સ્ટાર્સ સાથે લગ્ન કર્યા અને લાઈફમાં સેટલ થયા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news