Kutch: કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી સતત બીજા દિવસે ઝડપાયું ડ્રગ્સ, 10 પેકેટ ચરસ અને હેરોઈન જપ્ત
દેશમાં સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે ગુજરાત બીએસએફ કચ્છના દરિયામાં બાજ નજર રાખી રહ્યું છે. જખૌ દરિયાઈ વિસ્તારમાં સતત બીજા દિવસે ડ્રગ્સ મળી આવ્યું છે.
રાજેન્દ્ર ઠક્કર, કચ્છઃ કચ્છમાંથી ગેરકાયદેસર ડ્રગ્સ ગુજરાત તથા દેશમાં ઘુસાડવામાં આવે છે. કચ્છના દરિયાઈ પટ્ટામાંથી સતત બીજા દિવસે ચરસ અને હેરોઈનના પેકેટ મળી આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા જખૌના દરિયાઈ એરિયામાંથી ચરસના 10 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે હેરોઈનનું એક પેકેટ મળી આવ્યું છે. કચ્છના જખૌથી 11 કિલોમીટર દૂર નિર્જન કુંડી બેટ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે. કચ્છમાં દરિયાઈ વિસ્તારમાંથી ડ્રગ્સની ઘુષણખોરી કરવામાં આવી રહી છે. જેને જોતા બીએસએફ પણ એલર્ટ પર છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સે અખબારી યાદીમાં જણાવ્યું કે આજે જખૌમાંથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. બીએસએફના સર્ચ ઓપરેશનમાં જખૌ દરિયાથી 11 કિમી દૂર નિર્જન કુંડી બેટ વિસ્તારમાં આ શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યું છે. ચરસના એક પેકેટનું વજન 1 કિલોગ્રામ છે. બીએસએફે કહ્યું કે ચહરના 10 પેકેટો પર ડાર્ક સુપ્રીમો બ્લેક કોફીનું પેકેજિંગ છે અને તેને પીળા કલરની પ્લાસ્ટિંકની બેગમાં પેક કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડશે કે નહીં? જાણો હવામાન વિભાગની નવી આગાહી
બીએસએફે કહ્યું કે એપ્રિલ 2023થી અત્યાર સુધી જખૌ દરિયાઈ વિસ્તારમાંથી અત્યાર સુધી ચરસના 50 પેકેટ અને હેરોઈનના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે સ્વતંત્રતા દિવસના પર્વને લઈને ગુજરાત બીએસએફ હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા કચ્છના દરિયાઈ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube