Ind Vs WI: દેશમાં સૌ પ્રથમ ઈન્ટરનેશનલ વનડે મેચ પણ અમદાવાદમાં જ રમાઈ હતી
Ind Vs WI: ભારતીય ટીમ 6 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી વન-ડે મેચ રમવાની છે. ત્યારે આ ઐતિહાસિક ક્ષણ હશે. કેમ કે ટીમ ઈન્ડિયા 1000 વન-ડે મેચ રમનારી પહેલી ટીમ બની જશે
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદમાં આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે ક્રિકેટ મેચ રમાનારી છે. આજની મેચ ઐતિહાસિક એટલા માટે છે, કેમ કે આજે ભારતીય ટીમ તેની 1000મી મેચ રમવા માટે મેદાને ઉતરી રહી છે. ત્રણ મેચની સિરીઝમાં આજે પ્રથમ વનડે મેચ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દોઢ વાગ્યાથી મેચની શરૂઆત થશે. જો કે કોરોનાને લીધે આ વખતે પ્રેક્ષકો વિના મેચ રમાશે. અમદાવાદમાં 1000મી મેચ રમાઈ રહી છે, ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે, દેશમાં સૌ પ્રથમ ઈન્ટરનેશનલ વનડે મેચ પણ અમદાવાદમાં જ 1981માં રમાઈ હતી.
1981 માં મોટેરા સ્ટેડિયમ નહોતું
વનડે નો ઈતિહાસ અમદાવાદથી જ શરૂ થયો હતો. 1981ના તે વર્ષમાં મોટેરા સ્ટેડિયમ નહોતું અને નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તે સમયે મેચ રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડની જીત થઈ હતી. ક્રિકેટ વિશ્વમાં ભારત છેક 1983 સુધી વન ડે ક્રિકેટમાં ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ, આયાર્લેન્ડ જેવી એસોસિએટ પ્રકારની ટીમ જ મનાતી હતી અને ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈંડિઝ અને ઈંગ્લેન્ડનું જ મુખ્ય ક્રિકેટ દેશ જેવું વર્ચસ્વ હતું. પણ 1983માં કપિલદેવના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમે ક્રિકેટ વિશ્વનો મેજર અપસેટ સર્જી વેસ્ટ ઈંડિઝની અપરાજિત મનાતી ટીમને હરાવી અને જે બાદ ભારતીય ક્રિકેટમાં આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધા અને જોશની વસંત ખીલી હતી.
આ પણ વાંચો : દર્દનાક મોત : દોરા બનાવતા મશીનમાં કામદારનો પગ ફસાયો, લોહીલુહાણ હાલતમા દર્દથી કણસીને મોત થયું
1000 મી મેચ માટે કેક કપાશે, આતશબાજી થશે
સ્ટેડિયમના નવીનીકરણ બાદ અહીં ટી-20 અને ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. પરંતુ ભારતીય ટીમ 2014 બાદ પ્રથમવાર અમદાવાદમાં વન-ડે મેચ રમશે. અમદાવાદ ખાતે ભારતીય ટીમ 1000મી મેચ રમવા ઊતરશે. આ માઈલસ્ટોનની ઉજવણી માટે તૈયાર કરાવવામાં આવેલ ખાસ કેક કાપવામા આવશે. સૂત્રોએ જણાવ્યું કે, ઐતિહાસિક મેચને ધ્યાને રાખતા ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવી શકે છે.
ભારતીય ટીમ અહીં 1000મી ઈન્ટરનેશનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે. એટલું જ નહીં રસપ્રદ વાત તો એ છે કે અત્યાર સુધી વર્લ્ડની બીજી કોઈપણ ટીમ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી નથી. ભારત પછી સૌથી વધુ વનડે મેચ રમવાની યાદીમાં બીજુ નામ ઓસ્ટ્રેલિયન ટીમ અને ત્રીજા નંબરે પાકિસ્તાનની ટીમ આવે છે.