વડોદરા: વડોદરાની ગોત્રી પોલીસે બાતમીના આધારે અકોટામાં આવેલી ફેજુલ્લાની ચાલમાં બુટલેગરના ઘરે રેડ પાડી હતી. પોલીસે બુટલેગરના ઘરમાં રેડ પાડી ઘરની તપાસ કરતાં ઘરમાંથી 107 પાસપોર્ટ, એક પિસ્તોલ સહિત બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ વડોદરાની ગોત્રી પોલીસે બાતમીના આધારે અકોટામાં આવેલ ફેજુલ્લાની ચાલમાં બુટલેગર મુનાફ શેખના ઘરે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસને મુનાફના ઘરની તપાસ કરતાં ઘરમાંથી 107 પાસપોર્ટ મળી આવ્યા હતા. એટલું જ નહી એક પિસ્તોલ સહિત બે જીવતા કારતુસ પણ મળી આવ્યા. જેના કારણે ખુદ ગોત્રી પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ઘરમાં હાજર મુનાફની પત્ની સમીરા શેખની ધરપકડ કરી પિસ્તોલ, બે જીવતા કારતુસ અને 107 પાસપોર્ટ જપ્ત કર્યા હતા. 


પોલીસને બાતમી મળી હતી કે મુનાફના ઘરે વિદેશી દારૂ છે જેથી પોલીસે રેડ પાડી પરંતુ પોલીસને દારૂના બદલે પિસ્તોલ અને પાસપોર્ટ મળી આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપી મહિલા સમીરાએ કહ્યું કે પાસપોર્ટ અસલ છે અને તેનો બનેવી વિઝા કન્સલ્ટન્સીનો વેપાર કરે છે તેના બધા પાસપોર્ટ છે. હાલમાં પોલીસે મહિલાની ધરપકડ કરી આર્મ્સ એકટનો ગુનો નોધ્યો છે. તેમજ પાસપોર્ટની ખરાઈ કરવા પાસપોર્ટ કચેરી અને પાસપોર્ટ હોલ્ડરોનો સંપર્ક કર્યો છે. તેમજ પોલીસે ફરાર આરોપી મુનાફની પણ શોધખોળ શરૂ કરી છે.