ગીર જંગલમાં છેલ્લા 12 દિવસમાં 11 સિંહના મોત થતાં હાહાકાર
ધારીના ગીર જંગલના પૂર્વ વિભાગની દલખાણીયા રેન્જમાંથી તેમજ સારવાર દરમિયાન સિંહોના મોત થયા હોવાનો વન વિભાગનો ખુલાસો
અમરેલીઃ અમરેલી જિલ્લાના ધારી ગીર જંગલના પૂર્વ-પશ્ચિમ વાડીમાંથી છેલ્લા 48 કલાક દરમિયાન 3 સિંહના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 12 દિવસમાં કુલ 11 સિંહના મોત થયા છે. વન વિભાગે આ મૃત્યુ પાછળનું કારણ ઈનફાઈટ અને ફેફાસમાં સંક્રમણ જણાવ્યું છે.
ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક લાયન એવા ગીરના સિંહના આટલી મોટી સંખ્યામાં મોતનો મામલો સામે આવતાં તંત્ર ચોંકી ગયું છે. છેલ્લા 12 દિવસ દરમિયાન ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ તેમજ સારવાર દરમિયાન 6 સિંહબાળ, 3 માદા સિંહણ, 1 નર સિંહ અને 1 વણઓળખાયેલા સિંહનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
વન વિભાગને જ્યારે આટલી મોટી સંખ્યામાં સિંહોના મોત અંગે પુછવામાં આવતાં તેમણે આંકડાનો સ્વીકાર કર્યો હતો અને વધુ વિગત આપતા જણાવ્યું કે, જે 6 સિંહબાળના મોત થયા છે, તેમાંથી 3 સિંહબાળના મોત ઈનફાઈટમાં અને 3 સિંહબાળના મોત સારવાર દરમિયાન થયા છે. જે મોટા સિંહના મોત થયા છે તેમાંથી 2 સિંહનાં મોત બીમારીને કારણે થયાં છે અને 3 સિંહને ફેફસામાં સંક્રમણ થયું હતું.
બુધવારે સિંહનો કહોવાઈ ગયેલો એક મૃતદેહ દલખાણીયા રેન્જમાંથી અને એક રાજુલા પાસેથી મળી આવ્યો હતો. બે સિંહણ અને બે સિંહના મોત થતાં વનવિભાગ દ્વારા મોતનું કારણ જાણવા પેનલથી PM કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગના નિષ્ણાંત અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરો હાજર રહ્યા હતા.
આ બાજુ, રાજ્ય સરકારે પણ આટલી મોટી સંખ્યામાં ટૂંકા ગાળામાં સિંહના મોતની ઘટનાને ગંભીરતાથી લીધી છે. સરકાર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક અક્ષય કુમાર સકસેનાને સોંપવામાં આવી છે. સક્સેના ગુરૂવારે જ જૂનાગઢ જવા થયા રવાના છે.
સિંહોના મૃત્યુની આ ઘટના અંગે વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક અક્ષય કુમાર સક્સેનાએ આ અંગે જણાવ્યું કે, છેલ્લા બેથી ત્રણ વર્ષના ડાટાના અભ્યાસ પ્રમાણે ઈનફાઈટના કારણે ઘાયલ થયેલા સિંહમાં ઈન્ફેક્શન વધુ ફેલાય છે. આ કોઈ એક દિવસની ઘટના છે. અમારા વનમિત્રો અને સ્ટાફ ગામમાં ફરતા હોય છે. જ્યારે કોઈ ઘટના બને ત્યારે અમને સુચના મળતી હોય છે. તેમ છતાં વન વિભાગ સિંહોની સુરક્ષા માટે યોગ્ય કાર્યવાહી કરશે.
આ અંગે ધારી ગીર જંગલના પશ્ચિમ વિભાગના ઈન્ચાર્જ અધિકારી વી.એમ. ચૌધરીએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસના આ સમાચાર છે, તેમાં ત્રણ બચ્ચાનું ઈનફાઈટમાં મોત થયું છે, બાકીનાં ત્રણ બચ્ચાંનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. એક નર અને ત્રણ માદા છે અને છેલ્લે જે લાશ મળી છે તે ઓળખાઈ નથી. તેનાં સેમ્પલ લઈને દાંતિવાડા અને જૂનાગઢ ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, હજુ ગઈકાલે જ રાજ્ય સરકારે વિધાનસભામાં એક લેખિત જવાબમાં સ્વિકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં 97 પુખ્ત સિંહ અને 79 સિંહબાળનાં અકુદરતી મોત થયાં છે. આ સિંહો ખુલ્લા કુવામાં પડી જવાથી, ખેડૂતો દ્વારા ફેન્સિંગમાં વિજળીનો કરન્ટ પસાર કરવાથી, રેલવે ટ્રેક અને રસ્તા પર અકસ્માતનો ભોગ બનવાને કારણે થયા છે. આ આંકડાઓથી જ સ્પષ્ટ થઈ જાય છે કે, સરકાર સિંહોની સુરક્ષા બાબતે કેટલી નિષ્ક્રિય છે.