11 ઓક્ટોબર અજમેર બ્લાસ્ટનો મુખ્ય સૂત્રધાર ભરૂચમાંથી ઝડપાયો
11 ઓક્ટોબર, 2007માં અજમેર દરગાહમાં એક બોમ્બ મુકવામાં આવ્યો હતો જેના વિસ્ફોટ થતા 3 લોકોના મોત થયા હતા, તો 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં.
મૌલિક ધામેચા/ અમદાવાદ: 2007 અજમેર બ્લાસ્ટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. અજમેર બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. 2007માં અજમેર દરગાહમાં એક બોમ્બ મુકવામાં આવ્યો હતો જેના વિસ્ફોટ થતા 3 લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટના વોન્ટેડ આરોપી સુરેશ નાયરની ATS દ્વારા નર્મદા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.
મહત્વનું છે કે અગાઉ 11 ઓક્ટોબર, 2007એ બોમ્બબ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા હતા, તો 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. માર્ચ, 2017એ સ્પેશિયલ NIA કૉર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં દેવેન્દ્ર ગુપ્તા, ભાવેશ પટેલ સહિત ત્રણને દોષી કરાર અપાયો હતો. બન્ને દોષિતોને આજીવન કેદની સજા ફટકારાઇ હતી. ઉપરાંત સ્વામી અસીમાનંદ સહિત 7 લોકો નિર્દોષ મુક્ત થયા હતાં. સુરેશ નાયર સહિત 3 આરોપી ફરાર હતા. જેમાંથી સુરેશ નાયર હાલ ઝડપાયો છે.
ATS ગુજરાતના અધિકારીઓને બાતમી મળી હતી કે સુરેશ નાયર આગામી દિવસોમાં ભરૂચ પાસે શુક્લતીર્થની મુલાકાતે આવવાનો છે. આ બાતમીના આધારે તે જગ્યાએ લાંબા ગાળાની વોચ ગોઠવવામાં આવી હતી. ATSની એક ટીમ દ્વારા સુરેશ નાયને તેના આગમન સમયે જ ઓળખી કાઢી તેની ધરપકડ કરવામાં આવી હતી. સુરેશ નાયરને હાલ અમદાવાદ ખાતે આગળની પુછપરછ માટે લાવવામાં આવ્યો છે. તથા તેને આગામી દિવસોમાં એન.આઇ.એ.ને સોંપવામાં આવશે. તેની ધરપકડ પર એન.આઇ.એ. દ્વારા રૂપિયા 2 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
NIA દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુરેશ નાયરે કથિતરૂપે બોમ્બનો સામાન બીજા ષડ્યંત્રકારીઓને સપ્લાય કર્યો હતો અને તે પોતે પણ ગુનાની જગ્યા ઉપર કથિત રૂપે હાજર હતો. નામદાર ટ્રાયલ કોર્ટ દ્વારા આ કેસના કેટલાક આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.