સુરત: અગાઉ બહેને લીધી અને હવે ભાઈ, હીરાના વેપારીનો 12 વર્ષનો પુત્ર આજે લેશે દીક્ષા
12 વર્ષનો ભવ્ય શાહ આજે દીક્ષા લેવા જઈ રહ્યો છે. આચાર્ય રશ્મિરત્નસૂરી મહારાજના હાથે તેને દીક્ષા લેવડાવવામાં આવશે.
તેજસ મોદી, સુરત: 12 વર્ષનો ભવ્ય શાહ આજે દીક્ષા લેવા જઈ રહ્યો છે. આચાર્ય રશ્મિરત્નસૂરી મહારાજના હાથે તેને દીક્ષા લેવડાવવામાં આવશે. દીક્ષા લેતા પહેલા ગઈ કાલે તેની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને બાળકને વિદાય આપી હતી. દીક્ષા અંગે બાળકના મુખ ઉપર પણ ખુબ ઉત્સાહ જણાયો હતો. ભવ્ય હાલ દીક્ષા વિધિના સ્થળે પહોંચી ગયો છે. માતા પિતા, ભાઈ અને દાદા-દાદી પણ સાથે હાજર છે. દીક્ષા વિધિ પૂર્ણ થયા બાદ ભવ્યને નવું નામ આપવામાં આવશે.
Video : સુરતમાં હીરાના વેપારીનો 12 વર્ષનો દીકરો લેશે દિક્ષા
અત્રે જણાવવાનું કે ભવ્ય શાહ એ સુરતના હીરાના વેપારી દિપેશ શાહનો 12 વર્ષનો પુત્ર છે. જેણે તમામ જાહોજલાલી છોડીને ત્યાગ અને સંયમના માર્ગની પસંદગી કરી છે. ગઈ કાલે ભવ્ય શાહની જે શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં બાહુબલી ફિલ્મના સેટ આધારિત વિવિધ ટ્રકો પર તેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
પુત્ર દીક્ષા લેવાનો છે તે અંગે માતા પિતા દુ:ખની સાથે સાથે અનોખા આનંદની અનુભૂતિ પણ કરી રહ્યાં છે. ભવ્ય શાહને ગોગલ્સનો શોખ છે, લક્ઝુરિયસ કારનો પણ શોખ છે. થોડા દિવસ અગાઉ જ ફરારી કારમાં તેની મુહૂર્ત યાત્રા પણ કાઢવામાં આવી હતી. દિપેશ શાહના સંતાનો પૈકી ભવ્ય બીજો બાળક છે, જે દીક્ષા લઈ રહ્યો છે. અગાઉ દિપેશભાઈની પુત્રી પ્રિયાંશીએ પણ દીક્ષા લીધી હતી. જેના પરથી પ્રેરણા લઈને ભવ્ય પણ સંસારની મોહમાયામાંથી મુક્ત થઈ રહ્યો છે.