અમદાવાદ : 14 જુલાઇની શનિવારે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની 141મી પરંપરાગત રથયાત્રા નિકળશે. આ વખતની રથયાત્રાનું સૌથી મોટુ આકર્ષણ છે કે સૌપ્રથમ વાર ભારતીય અખાડા પરિષદના સંતો મહંતો અને કુંભમેળાના સાધુઓ અહીં હાજર રહેવાના છે. શનિવારે વહેલી સવારે અમદાવાદનાં જમાલપુર ખાતેના જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. જેમાં પરંપરા અનુસાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહિંદવિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 મુખ્યમંત્રી વિજયભાઇરૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે 141મી જગન્નાથ રથયાત્રાની પુર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતે આરતીમાં ભાગ લીધો હતો. તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રા અંગેની વિગતો મેળવી હતી. આ પ્રસંગે વિજય રૂપાણીએ મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે, અમે તો માત્ર પ્રતિક છીએ પરંતુ સાચો જગતનો નાથ નગરની યાત્રાએ નિકળશે. નાગરિકોનાં હાલચાલ પુછવા માટે નિકળે છે તેવી પરંપરા રહી છે. લોકો આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં જોડાય છે. 


મુખ્યમંત્રીએ કહ્યું કે, ભગવાનની કૃપાથી રાજ્યમાં સારો વરસાદ થઇ રહ્યો છે. ગુજરાતનાં તમામ વર્ગોના સુખ સમૃદ્ધી અને વિકાસથી ગુજરાત અડીખમ રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે. રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, દિલીપ ઠાકોર, પ્રદીપસિંહ જાડેજા અને મેયર બીજલ પટેલ  ઉપરાંત અન્ય ઘણા પદાધિકારીઓ આરતીમાં હાજર રહ્યા હતા. 


અત્રે ઉલ્લેખનીય છેકે ભારે વરસાદની આગાહીનાં પગલે સમગ્ર તંત્રને ખડેપગે રખાયું છે. એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડટુ રખાઇ છે. ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસનો ખડકલો કરી દેવાયો છે. ક્યાંય પણ અનીચ્છનીય બનાવ ન બને તે માટે સરકાર સતત પગલાઓ ભરી રહી છે.