જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની બેઠકમાં લેવાયો નિર્ણય, સાદગીપૂર્વક નિકળશે જગન્નાથ રથ યાત્રા
અમદાવાદમાં આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રીઓની બેઠક યોજાઇ હતી તેમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23મી જૂને યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અતુલ તિવારી, અમદાવાદ: અમદાવાદમાં આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રીઓની બેઠક યોજાઇ હતી તેમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23મી જૂને યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે રથયાત્રામાં ફક્ત 3 રથ હશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભગવાન નગરચર્યાએ નીકળશે. આ વખતે 5 જૂને જળયાત્રા મહોત્સવમાં માત્ર પૂજારી અને ટ્રસ્ટીઓ જ જોડાશે. જ્યારે 21 જૂને નેત્રોત્સવ વિધિ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણ હોવાથી આ વખતે નેત્રોત્સવ વિધિ બપોરે 4 વાગ્યા બાદ થશે. મહારાજની આજ્ઞા મુજબ એકદમ સાદગીથી રથયાત્રા યોજાશે.
આ વખતે રથયાત્રામાં ભજન મંડળીઓ, ઝાંખી જોવા મળશે નહી. તમામ લોકોને ચેનલોને મારફતે રથયાત્રા નિહાળવા માટે અપીલ કરવામાં આવી છે. રથયાત્રામાં રથ ખેંચનાર સિવાય લગભગ કોઈ નહી હોય. એક રથમાં 30 જેટલા ખલાસી ભાઇઓ રહેશે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મામેરામાં આ વખતે રણછોડ મંદિર તરફથી માત્ર એક કે બે લોકોને આમંત્રિત કરવામાં આવશે. રથયાત્રાને લઇ રથના સમારકામની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથના પૈડાં, રથ અને રંગ રોગાનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથના પૈડાંઓને ગ્રીસિંગ અને ફિટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા કેવી રીતે કેટલા લોકોની હાજરીમાં કઈ રીતે કાઢવી તે અંગે આજે જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. ટ્રસ્ટીઓની હાજરીમાં રથયાત્રા અંગે નિર્ણય લેવાઈ ગયો છે અને રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે. ત્યારબાદ રથયાત્રા અંગે સચોટ નિર્ણય લેવામાં આવશે.
લગભગ ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી. લોકવાયકાઓ અનુસાર ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નારિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા.
1876માં શરૂ થઇ હતી રથયાત્રાની શરૂઆત
આમ 1876થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. 141 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ઉત્તરોત્તર મોટી થતી ગઇ. શરૂઆતમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, ભક્તજનોની ભીડ વધતા સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરાય છે નરસિંહદાસજી મહારાજે પ્રથમવાર કાઢેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. ત્યારથી લઇને આજ સુધીમાં રથયાત્રા ઐતિહાસીકથી મોર્ડન બની ગઇ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube