ક્યાં ખબર હતી અહીં મોત પોકારતું હશે! અમદાવાદના 2 યુવકોનું ઝાંઝરી ધોધમાં ડૂબી જવાથી મોત
અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર પિકનિક માટે 6 વ્યક્તિઓ પહોંચ્યા હતા. જ્યાં ભોગીયા ધરામાં 6 વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યા હતા.
અમદાવાદ: રાજ્યમાં અનેક વખત પિકનિક વખતે મોટી દુર્ઘટના બની હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, ત્યારે અમદાવાદના બે યુવકો પિકનિક દરમિયાન બાયડ તાલુકામાં આવેલા ઝાંઝરી ધોધમાં ડૂબી જતાં બન્નેના મોત નિપજ્યા છે. બન્ને યુવકો અમદાવાદથી પિકનિક માટે ઝાંઝરી ફરવા માટે ગયા હતા, પરંતુ ક્યાં ખબર હતી કે અહીં તેમનું મોત પોકારતું હશે. ભોગીયા ધરામાં ફરી એકવાર ડૂબી જવાથી મોતની ઘટના બની છે. મૃતકો અમદાવાદના મેઘાણીનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર પિકનિક માટે 6 વ્યક્તિઓ પહોંચ્યા હતા. જ્યાં ભોગીયા ધરામાં 6 વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ જીતુ બગેલ અને અમન તોમર નામના બે વ્યક્તિઓ ડુબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોની તેમના પર નજર પડતાં બન્ને યુવકોને બચાવવાની પુરેપુરી કોશિશ કરી હતી, પરંતુ ઝાંઝરી ધોધમાં બન્ને યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા.
આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. બન્ને યુવકોના વતનમાં મોતના સમાચાર મળતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. મહત્વનું છે કે, અગાઉ અમદાવાદના યુવાનો ઝાંઝરીમાં ફરવા માટે આવ્યા હતા. જ્યાં ઝાંઝરીના ધોધમાં નહાવા પડેલા અમદાવાદના ત્રણ યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube