Jain Protest : પોતાના તીર્થસ્થાનોને બચાવવા જૈનો રસ્તા પર ઉતર્યા, સુરતમાં 3 કિમી લાંબી મહારેલી કાઢી
Jain Protest : આજે પણ જૈન સમાજનો વિરોધ યથાવત્....સુરતમાં સકલ જૈન સમાજે યોજી વિશાળ રેલી...સરગમ શોપિંગ સેન્ટરથી નીકળેલી રેલી કલેક્ટર કચેરીએ આપશે આવેદનપત્ર....સંમેત શિખર અને ગિરિરાજ તીર્થ ધામને પર્યટન સ્થળ જાહેર કરાતા છે વિરોધ...
Jain Protest ચેતન પટેલ/સુરત : સરકાર દ્વારા ઝારખંડ ખાતે સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત થતાની સાથે જૈન ધર્મમાં ભારે આક્રોશ દેખાઈ રહ્યો છે. જૈન ધર્મ માટે સમેતશિખર તીર્થ સ્થાન સમાન છે. દેશભરમાં જૈનો આક્રોશ વ્યક્ત કરીને રસ્તા પર ઉતરી રહ્યાં છે. ત્યારે સુરતમાં 3 કિલોમીટર લાંબી વિશાળ રેલી કાઢવામાં આવી છે. મહારેલીમાં જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમારા તીર્થસ્થાનો ઉપર જાણે અસામાજિક તત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે. અમારી લાગણી અને માગણી છે કે સરકાર આ બંને સ્થળોને તીર્થ સ્થાન તરીકે જાહેર કરે.
સકલ જૈન સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં ભવ્ય મૌન રેલી નીકળી છે. આ મહારેલી લગભગ 3 કિલોમીટર લાંબી છે, જેમાં મોટી સંખ્યામા જૈનો રસ્તા પર ઉતરી આવ્યા છે. સરગમ શોપિંગ સેન્ટરથી મૌન મહારેલી શરૂ કરવામાં આવી હતી, જે સુરત કલેક્ટર કચેરીએ પહોંચશે. સમગ્ર જૈન સમાજના ચાર ફરકા શ્વેતાંબર, દિંગંબર, તેરાપંથ અને સ્થાનકવાસીના અંદાજે 15,000 થી પણ વધારે લોકો આ મહારેલીમા જોડાયા છે. સાથે સમાજના સંતો, મહામુનીઓ અને મોટી સંખ્યામાં શ્રાવકો અને લોકો આ મૌન રેલીમાં જોડાયા છે. કલેક્ટર કચેરી સુધી રેલી પહોંચશે. સુરતના રસ્તા પર નીકળેલા આ રેલી ભવ્ય બની રહી છે. જેમાં જૈનોનો આક્રોશ જોવા મળ્યો છે.
આ પણ વાંચો :
પાલિતાણામાં પોલીસ ચોકી બનાવાશે
પાલીતાણામં શેત્રુંજય પર્વત પર તોડફોડ કેસમાં પોલીસ એક્શનમાં આવી છે. આ માટે પાલિતાણામાં શેત્રુંજય પર્વતની સુરક્ષા માટે પોલીસ ચોકી બનશે તેવો નિર્ણય લેવાયો છે. જેમાં 1 PSI, 2 ASI, 3 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલ ફરજ પર રહેશે. હાલ જૂની બંધ પડેલી પોલીસ ચોકી કાર્યરત કરાશે. તો સાથે જ પર્વત ઉપર પણ ચોકી બનાવવા પોલીસની વિચારણા ચાલી રહી છે. પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજયની સુરક્ષા માટે સ્પેશિયલ ટીમ બનાવાઈ છે. પર્વત પર ટ્રાફિક નિયમન માટે 5 ટ્રાફિક પોલીસ, 5 મહિલા હોમગાર્ડસ તૈનાત રહેશે. તો 8 TRBના જવાનો તહેનાત રહેશે. સ્પેશિયલ ટીમ DySP કક્ષાના અધિકારીની સીધી દેખરેખમાં રહેશે. પાલીતાણા પર્વતની સુરક્ષા સાથે તળેટી ખાતે દબાણ, માલસામાનની સલામતી અને ટ્રાફિકનું નિયમ કરશે.
પાલિતાણામા કેમ વિરોધ
જૈન સમાજની માંગ છે કે પાલિતાણામાં શેત્રુંજય પર્વત પર જૈન મંદિરોમાં અસામાજિક તત્વો દ્વારા થઈ રહેલા દબાણોને દૂર કરવામાં આવે. જૈન મુનિઓ સાથે થતું ગેરવર્તન રોકવામાં આવે. પર્વતની તળેટીમાં ધમધમતી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવવામાં આવે. શેત્રુંજય પહાડ અને પ્રાચીન મંદિરોને થતા નુકસાનને રોકવા ગેરકાયદેસર ખનન બંધ કરાવવાની પણ માગ કરાઈ છે.
ઝારખંડમાં વિરોધનું કારણ
ઝારખંડમાં આવેલું સમ્મેત શિખર જૈન સમુદાયનું સૌથી મોટું અને મહત્વનું તીર્થસ્થાન છે. અહીંના પર્વતો પર સદીઓ પહેલા બનાવેલા અનેક નાના મોટા જૈન દેરાસરો છે. જો કે ઝારખંડ સરકારે સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા જૈન સમાજ આકરા પાણીએ છે. જૈન સમાજનું કહેવું છે આમ કરવાથી સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. સમ્મેત શિખરને પર્યટન સ્થળ જાહેર કરાતા આ ધાર્મિક સ્થળને નુકસાન થવાનો પણ દાવો કરાયો છે. ઝારખંડ સરકારે સમ્મેત શિખર તીર્થમાં માછલી અને મરઘાના પાલનને પણ મંજૂરી આપી છે. એવામાં આ ધાર્મિક સ્થળ પર્યટન સ્થળ બની જશે તો અહીં માંસ અને દારૂનું સેવન સામાન્ય બાબત થઈ જશે..જેને જૈન સમાજ સાંખી લેવા તૈયાર નથી. આ અંગે ઝારખંડ સરકાર ઉપરાંત કેન્દ્રને પણ રજૂઆત કરવામાં આવી છે. જૈન સમુદાય રાષ્ટ્રપતિને પણ આવેદન આપવાની તૈયારી કરી રહ્યો છે.