ઝી બ્યુરો/સુરત: સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત સુરતમાં માત્ર પાંચ દિવસના જન્મજાત બાળકના અંગોનું દાન કરી અન્ય બાળકના જીવનમાં નવ ઉજાસ ભરવામાં આવ્યો છે. સુરતના સંઘાણી પરિવાર દ્વારા કઠિન સમયે લેવામાં આવેલા નિર્ણયને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બિરદાવ્યો છે. જે પ્રસંગે આજ રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા સંઘાણી પરિવારની મુલાકાત લઇ તેમના આ નિર્ણયની સરાહના કરવામાં આવી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા વાલક પાટીયા નજીક ગીતાંજલી રો -હાઉસમાં રહેતા હર્ષ સંઘાણીના ઘરે બાળકે જન્મ લેતા પરિવારમાં હર્ષની લાગણી જ વ્યાપી ગઈ હતી. 16મી ઓક્ટોબરના રોજ જન્મેલ આ બાળક કોઈ હલનચલન ન કરી શકતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જે બાદ સુરતના વરાછા ખાતે આવેલી પી. પી. સવાણી હોસ્પિટલમાં આ બાળકને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. બાળકના જન્મને લઈને શરૂઆતમાં પરિવારજનોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ, જ્યારે હોસ્પિટલના તબીબો દ્વારા બાળકના તમામ રિપોર્ટ કાઢી જાહેર કરાતાં પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. 



છ જેટલા બાળકોના જીવનમાં નવ ઉજાસ
બાળક આ ધરતી પર આવે તે પહેલા જ જાહેર કરાતા પરિવારજનોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હર્ષ સંઘાણીની પત્ની ચેતના સંઘાણીએ બાળકને જન્મ આપતા પરિવારની ખુશીનો પાર રહ્યો ન હતો. પરંતુ પાંચ જ દિવસની અંદર જ બાળકને બ્રેઇન્ડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંતે બાળકના અંગદાનનો નિર્ણય કર્યો હતો. બાળક પરિવાર વચ્ચે તો રહ્યું ન હતું પરંતુ બાળકના અંગોનું દાન કરી અન્યને નવજીવન આપી શકાય તે માટેનો કઠિન નિર્ણય આ પરિવારે કર્યો હતો. જે બાદ જન્મજાત બાળકના બે કિડની, લીવર બરોળ અને ચક્ષુઓનું દાન કરી અન્ય છ જેટલા બાળકોના જીવનમાં નવ ઉજાસ ભરવામાં આવ્યો હતો


હૃદય પર પથ્થર મૂકી સંઘાણી પરિવારે લીધો મોટો નિર્ણય 
સંઘાણી પરિવારે હૃદય પર પથ્થર મૂકી લીધેલા આ નિર્ણયની ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સરાહના કરી છે. પરિવારના સમાજ હિતના આ નિર્ણયને આવકારતા ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે આજરોજ સંઘાણી પરિવારના નિવાસસ્થાન ખાતે મુલાકાત કરી હતી. જ્યાં બ્રેઇન્ડેડ બાળકના માતા-પિતા અને પરિવારના સભ્યોની મુલાકાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કરી હતી. 


પૃથ્વી પર 6 લોકોને નવજીવન આપવા જન્મ્યું હતું!
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષને જણાવ્યું હતું કે, સંઘાણી પરિવાર એ માત્ર પાંચ દિવસના જન્મજાત બ્રેઇન્ડેડ બાળકના અંગોનું દાન ખૂબ જ મક્કમતાપૂર્વકનો નિર્ણય લઈ કર્યું છે. બાળક બ્રેઇન્ડેડ જાહેર થયું છતાં પૃથ્વી પર રહેલા બાળકના અંગોનું દાન કરવાનો નિર્ણય સંઘાણી પરિવારએ કર્યો હતો. બાળકના અંગોનું દાન કરી પરિવારે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બાળક આ પૃથ્વી પર માત્ર પાંચ લોકોને નવજીવન આપવા માટે જ આવ્યું હતું. બાળકનું અંગદાન કરી આજે પણ તેમનું બાળક તેમના વચ્ચે છે તેવી ભાવના પરિવારે વ્યક્ત કરી છે. આ પરિવારને મારા વંદન છે.