ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે. 1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચને 'સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ-1956'ના આધારે કરવામાં આવી હતી. ભારત દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગુજરાતના પોરબંદરના વતની હતા. આઝાદી પછી દેશી રજવાડાઓનો ગુજરાતમાં વિલય કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાતના હતા. અત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતના છે અને પ્રધાનમંત્રી બનતા પહેલાં તેઓ સતત ત્રણ કાર્યકાળ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ અને શ્રીમંત મુકેશ અંબાણી પણ ગુજરાતના છે. આજે વિશ્વભરમાં અનેક જગ્યાએ ગુજરાતીઓ પોતાનો ડંકો વગાડી રહ્યાં છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર દેશમાં ગુજરાતનું વિકાસ મોડલ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખૂણે-ખૂણે નહીં પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યાં જાવ, ત્યાં તમને ગુજરાતી જરૂર મળી જશે. 


મહાગુજરાત આંદોલન અને ખાંભી સત્યાગ્રહ 
ગુજરાત રાજ્યની સ્થાપનામાં મહાગુજરાત આંદોલનની મહત્તવની ભૂમિકા રહી છે. જોકે, ૧૯૫૬માં શરૂ થયેલા મહાગુજરાત આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. ૧૯૫૬માં નાના પાયે આંદોલનની શરૂઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૂઆત કરી પછી આંદોલને મોટું સ્વરૂપ ધારણ કર્યું અને 'મહાગુજરાત આંદોલન' તરીકે પ્રસિદ્ધિ પામ્યું.


૧૯૫૬ની ૭મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા ગયા હતા. વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકો હતા, પણ સામે થ્રી-નોટ-થ્રી રાઈફલ હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો. એ પછી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને મોરારજીની નેતાગીરીને તમાચો માર્યો. ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા. લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનના ઓટલા ઉપર જ શહીદ સ્મારક બનાવાની જાહેરાત કરી. ખંતિલા યુવાનોને સ્મારકની કામગીરી સોંપાઈ. 


કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યું. નક્કી થયા પ્રમાણે ૧૯૫૮ની ૭ ઓગસ્ટની રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલો ઓટલો તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે ૮ ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી દેવાયું અને ફરી આંદોલન શરૂ કરાયું. આ સત્યાગ્રહને 'ખાંભી સત્યાગ્રહ' નામ આપવામાં આવ્યું. ૨૨૬ દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી. 


છેવટે સરકારને આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું. બે વર્ષ સુધીના સંઘર્ષ પછી ૧૯૬૦માં કેન્દ્ર સરકારે 'રાજ્ય પુનર્રચના કાયદો-1956'ના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. ગુજરાતી ભાષા બોલતા લોકો માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મહારાષ્ટ્રની રચના કરાઈ.


આઝાદી પહેલાથી ગુજરાત રાજ્યનો વિચાર વહેતો થયો હતો 
ગુજરાતની રચના ભલે 1960માં થઈ હોય, પરંતુ તેનો વિચાર 'કુમાર' નામના એક સામયિકમાં 1928માં વહેતો થયો હતો. લેખક અને આઝાદીના લડવૈયા ક.મા.મુનશીએ 'મહાગુજરાત' વિચારને વહેતો મુક્યો હતો. 1937માં કરાચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય સભામાં આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. એ જ રીતે ગુજરાત રાજ્યનો પ્રથમ નકશો દેવશવજી પરમારે લખેલા 'ઉથરીષ્ટ જાગરત' નામની કવિતાના આગળના ભાગમાં જોવા મળ્યો હતો. 


પ્રાચીન ગ્રંથોમાં પણ છે ઉલ્લેખ
ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. કૃષ્ણએ જે નગરી વસાવી હતી તે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું કહેવાય છે, પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. ત્યાર પછી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. પ્રાચીનકાળમાં ગુજરાતને 'પશ્ચિમ ભારતનું ઘરેણું' પણ કહેવાતું હતું.  


વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અને સૌથી ઊંચી મુર્તિ
ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે. હાલમાં અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી ઊંચુ ક્રિકેટ સ્ટેડિયમ છે. તેમાં 1 લાખ 10 હજાર દર્શકોને બેસવાની ક્ષમતા છે. તો સરદાર વલ્લભભાઈ પટેલની નર્મદાના સાધુબેટ પર આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેની ઉંચાઈ 181 મીટર છે. 


ગુજરાત રાજ્યની વિશેષતાઓ 
રાજધાનીઃ
ગાંધીનગર
રાજ્યપાલઃ આચાર્ય દેવવ્રત
મુખ્યમંત્રીઃ વિજય રૂપાણી
નાયબ મુખ્યમંત્રીઃ નીતિન પટેલ
મુખ્ય શહેરોઃ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, મહેસાણા, આણંદ
જિલ્લાઃ 33, 18,000થી વધુ ગામડાં 
લોકસભા બેઠકઃ 26
રાજ્યસભા બેઠકઃ 11
વિધાનસભા બેઠકઃ 182 
વિસ્તારઃ 1.96 લાખ ચોરસ મીટર (ભારતના 6.19%)  
વસતીઃ 6 કરોડથી વધુ
સમુદ્ર કિનારોઃ 1600 કિમી લાંબો (ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો)
એરપોર્ટઃ 11 (દેશમાં સૌથી વધુ) (અમદાવાદ, સુરત અને વડોદરામાં ઈન્ટરનેશનલ એરપોર્ટ)
વિદેશમાં ગુજરાતી વસતીઃ  અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલીયા અને આફ્રિકા સહિતના દેશોમાં લગભગ 50 લાખ ગુજરાતીનો વસવાટ. 
ગુજરાતી ભાષાઃ 5.90 કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે. વિશ્વમાં 26મી સૌથી વધુ બોલાતી સ્થાનિક ભાષા. 
વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
વિશ્વની સૌથી ઊંચી મુર્તિઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા


ગુજરાતના ધાર્મિક સ્થળો
ગુજરાત એક અનોખું અને અદ્વિતીય અને બેજોડ રાજ્ય છે. અહીંયા સોમેશ્વર મહાદેવ અને નાગેશ્વર મહાદેવ સતત ભક્તોની રક્ષા કરે છે. દરિયાના કિનારે બેઠેલાં ભગવાન દ્વારિકાધીશ ગુજરાતીઓને સાચવે છે. તો ચોટીલાના ડુંગર પર ચામુંડા મા, ગબ્બર પર આદ્યશક્તિ મા અંબાજી, પાવાગઢમાં મા મહાકાળી, કોટડામાં મા ચામુંડા આ તમામ માતાજી ડુંગર પર બીરાજીની પોતાના બાળકોની રક્ષા કરે છે.તો આ સાથે જ મોગલમા, ખોડીયારમા, સધીમા, જોગણીમા, પરબના પીર, સત દેવીદાસ, જલારામ બાપા, ડાકોરના ઠાકોર, શામળાજીના શામળીયા ભગવાન, શિવશક્તિ આ તમામ ભગવાન માતાજીમાં આસ્થા ધરાવતાં ગુજરાતીઓની તાસીર બેજોડ છે.


ગુજરાતે આપ્યા આ ક્રિકેટરો
ક્રિકેટરોમાં જામ રણજીતસિંહજી, કરશન ઘાવરી, ચંદુ બોરડે, સલીમ દુરાની, અંશુમન ગાયકવાડ, વિકેટ કીપર તરીકે જાવેદ મિંયાદાદ જેવા બૅટ્સમેનને ચીડવનાર કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, અજય જાડેજા, પાર્થિવ પટેલ, ઈરફાન પઠાણ, યુસૂફ પઠાણ, અક્ષર પટેલ, ચેતેશ્વર પૂજારા, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલ…હજુ પણ કેટલાંક નામો રહી ગયા હોય તો નવાઈ નહીં.


આ રાજાઓએ પણ અપાવ્યું ગુજરાતને ગૌરવ
ગુજરાત જ્યારે રજવાડાંઓમાં વહેંચાયેલું હતું ત્યારે પ્રજાવત્સલ અને ગુજરાતી ભાષા-કલા માટે સદીઓ સુધી યાદ રહી જાય તેવાં કામો કરનારાં અને સમગ્ર ભારતમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય સમર્પિત કરી દેનારા રાજા પણ ગુજરાતી હતાં. ભગવતસિંહજીનો ભગવદ્ ગો મંડળ આજે પણ ગુજરાતી શબ્દકોશ તરીકે પ્રથમ સંદર્ભિત ગ્રંથ છે. તો મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પ્રજા વાત્સલ્યના અનેક દાખલા છે. પરંતુ તે કરતાંય શિરમોર તેમણે સર્વપ્રથમ ભાવનગર રાજ્યને અખિલ ભારતીય સંઘમાં ભેળવી દીધું હતું તે સમર્પણનો ઉત્કૃષ્ટ નમૂનો છે. મહારાજા સયાજીવાર ગાયકવાડે કલા-સંસ્કૃતિ માટે ખૂબ કરેલું પણ જે સમયે અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી તેવા સમયે ભીમરાવ આંબેડકરને શિષ્યવૃત્તિ આપી પરદેશ ભણવા મોકલ્યાં હતાં. ક્રાંતિકારી અને સાધુ મહર્ષિ અરવિંદ ઘોષને ક્રાંતિકારી પ્રવૃત્તિની જાણ છતાં તેમને નોકરીએ રાખેલાં.


ગુજરાતમાં વિકાસ
85 ટકા ગામડા સડક માર્ગે જોડાયેલા છે. 
100 ટકા ગામડાઓના ઘરોમાં 24 કલાક વિજળી પહોંચે છે. 
લગભગ તમામ ગામડા બ્રોડબેન્ડ ઈન્ટરનેટથી કનેક્ટેડ. 
સુરત શહેર વિશ્વમાં સૌથી તેજ ગતિએ વિકાસ પામતું શહેર બન્યું છે. 
ખનિજ ભંડારઃ કેલ્સાઈટ, જીપ્સમ, મેંગેનિઝ, લિગ્નાઈટ, બોક્સાઈટ, ચૂનો, ફેલ્ડસ્પાર, ક્વાર્ટ્ઝ માટી 
જામનગરઃ બ્રાસના સ્પેરપાર્ટનું હબ


“ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું…


હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું…


વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું…


હા… હું ગુજરાત છુ…!!!”


ગુજરાત સ્થાપના દિનની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…


જય જય ગરવી ગુજરાત…
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube