રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો, ઘરોમાં પાણી ઘૂસ્યા
રાજ્યમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમને લઈ આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. બનાસકાંઠા અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘમહેર થશે.
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યમાં સક્રિય થયેલી સાયક્લોનિક સિસ્ટમને લઈ આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. બનાસકાંઠા અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મેઘમહેર થશે. ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પડધરીમાં 4.5 ઈંચ અને લોધિકામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદથી રાજકોટ શહેર પાણી પાણી થઈ ગયું છે.
રાજકોટ શહેરમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ નોંધાયો છે. તો છેલ્લાં 24 કલાકમાં 8.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જંક્શન વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદને પગલે રૈયા ગામ નજીક એક કાર પાણીમાં તણાઈ ગઈ હતી. જેથી લોકોએ કારને ધક્કો મારી પાણીના પ્રવાહથી કારને બચાવી હતી. ભાર વરસાદને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. જેને પગલે શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
નાળામાં સ્કૂલ બસ ફસાઈ
રાજકોટના પોપટપરાના નાળામાં સ્કૂલ બસ ફસાઈ હતી. વરસાદી પાણીમાં સ્કૂલ બસ બંધ થઇ જતાં સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. ધોળકિયા સ્કૂલની બસ પોપટપરા નાળામાં ફસાતા સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બહાર હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ
- રાજકોટ શહેર 213 mm
- રાજકોટ તાલુકા 127 mm
- પડધરી 110 mm
- લોધિકા 89 mm
- ઉપલેટા 12 mm
- કોટડાસાંગાણી 81 mm
- જસદણ 34 mm
- ધોરાજી 5 mm
- વીંછીયા 10 mm