Covid 19: રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 33 જિલ્લામાં નોંધાયા કેસ, ચાર લોકોના મૃત્યુ
ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9941 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ચાર લોકોના મૃત્યુ થયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 9941 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 4 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3449 લોકોએ કોરોનાને માત આપી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 85 હજાર 718 થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10137 લોકોના મૃત્યુ થયા છે.
રાજ્યમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3843 કેસ સામે આવ્યા છે. તો સુરત શહેરમાં 2505, વડોદરા શહેરમાં 776, રાજકોટ શહેરમાં 319, સુરત ગ્રામ્ય 265, વલસાડ 218, ભરૂચ 217, ગાંધીનગર શહેર 150, નવસારી 147, ભાવનગર શહેર 130, કચ્છ 105 અને મોરબીમાં 102 કેસ સામે આવ્યા છે. આજે રાજ્યના 33 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે.
કોરોનાને લીધે ચાર લોકોના મૃત્યુ
ગુજરાતમાં આજે કોરોનાને લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે. સુરત શહેરમાં બે, રાજકોટ ગ્રામ્યમાં એક અને વલસાડમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાહતની વાત છે કે ગુજરાતમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ સામે આવ્યો નથી.
આ પણ વાંચોઃ યુવા દિવસના અવસરે CM ભૂપેન્દ્ર પટેલે લખ્યો બ્લોગ, કહ્યું- 'સંકટ સમયમાં સાથે રહે એ સરકાર'
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 43726 થઈ ગઈ છે. જેમાં 51 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10137 લોકોના નિધન થયા છે. કોરોનાની સારવાર બાદ 831855 લોકો સાજા થઈ ચુક્યા છે. રાજ્યનો રિકવરી રેટ 93.92 ટકા છે. રાજ્યમાં આજે 3 લાખ 2 હજાર 33 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 9 કરોડ 38 લાખ 31 હજાર 668 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube