યુવા દિવસના અવસરે CM ભૂપેન્દ્ર પટેલે લખ્યો બ્લોગ, કહ્યું- 'સંકટ સમયમાં સાથે રહે એ સરકાર'

આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. દર વર્ષે 12 જાન્યુઆરીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અસવરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્લોગ લખીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. 
 

યુવા દિવસના અવસરે CM ભૂપેન્દ્ર પટેલે લખ્યો બ્લોગ, કહ્યું- 'સંકટ સમયમાં સાથે રહે એ સરકાર'

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે ગુજરાતના નાગરિકો સાથે બ્લોગ સ્વરૂપે પોતાના વિચારો શૅર કર્યા છે. સાડા છ કરોડ ગુજરાતીઓના પરિવારના વડા તરીકેની ભૂમિકા પૂરી નિષ્ઠાથી નિભાવવાનો સંકલ્પ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે. 

મુખ્યમંત્રીનો બ્લોગ અક્ષરશ: નીચે મુજબ છે. 
હર એક કદમ આત્મનિર્ભરતાની દિશામાં...
નમસ્કાર.  

આપ સૌને રાષ્ટ્રીય યુવા દિવસની શુભકામનાઓ. જેમના પુણ્ય સ્મરણમાં આપણે ભારતમાં યુવા દિવસની ઉજવણી કરીએ છીએ એવા આધ્યાત્મિક ચેતનાના શિખર સ્વરુપ સ્વામી વિવેકાનંદજીને તેમની જન્મજયંતીએ  શત્‌ શત્‌ નમન. 

મિત્રો, આજના અવસરે સોશ્યલ મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રી તરીકેની મારી યાત્રાના કેટલાક અનુભવો અને વિચારો આપની સાથે શૅર કરી રહ્યો છું. 

વિવેકાનંદજીએ 1893 માં શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં પોતાના સંબોધનની શરૂઆત “લેડીઝ એન્ડ જેન્ટલમેન” શબ્દોથી કરવાના બદલે “સીસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા” એમ કહ્યું હતું. એક નરેન્દ્રનાથે એ સમયે ભારતના સનાતન મૂલ્યોથી સમગ્ર વિશ્વને અભિભૂત કરી દીધું હતું. 

આજે ફરી એકવાર એક નરેન્દ્ર ભારતની અસ્મિતાને વિશ્વમાં બુલંદ બનાવી રહ્યા છે. ફરી એકવાર દુનિયા એક નરેન્દ્રની આહલેકથી “યોગમય” બની છે. એક આગવી ઓળખ સાથે “નૂતન ભારત”નો ઉદય થઈ રહ્યો છે. 

મને ખુશી છે કે ભારતીયો માટે વિકાસનો એક અભૂતપૂર્વ અવસર આવ્યો છે, ત્યારે વિકાસના પર્યાય ગણાતા રાજ્યના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે. સાડા છ કરોડ ગુજરાતીઓના પરિવારના વડા તરીકેની ભૂમિકા પૂરી નિષ્ઠાથી નિભાવવા હું સંકલ્પબદ્ધ છું.     

14 સપ્ટેમ્બર 2021 ના દિવસે મારી મુખ્યમંત્રી તરીકેની નવી યાત્રાની શરૂઆત થઈ. આ યાત્રામાં સહપ્રવાસી તરીકે મને મળી એક યુવા, ઊર્જાવાન અને સતત જનહિતને ધ્યાનમાં રાખીને દિવસ-રાત કામ કરતી ટીમ. 

પદભાર સંભાળ્યો એ દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લીધે ખેડૂતો અને કાચા મકાનોમાં રહેતા લોકોને ભારે નુકસાન થયું હતું. અમે લોકો તરત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગયા અને તાત્કાલિક અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી. “સંકટ સમયમાં સાથે રહે એ સરકાર.”  

મારા સૌ નાગરિક ભાઈબહેનોને હું એ ખાતરી આપવા માંગું છું કે સંકટ કોઈપણ હોય ગુજરાત સરકાર સદાય આપની પડખે ઉભી રહેશે. આફતને અવસરમાં કેવી રીતે ફેરવવા એ માન. નરેન્દ્રભાઈએ આપણને સુપેરે શીખવ્યું છે. 

“આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”ના મંત્ર સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. અમારે મન વિકાસ એટલે જ સર્વસમાવેશી, સર્વસ્પર્શી, સર્વાંગીણ વિકાસ. એવો વિકાસ જેમાં “સર્વજન હિતાય, સર્વજન સુખાય” ની ભાવના હોય. એવો વિકાસ જેમાં વિદ્યાર્થીઓની વાત હોય... જેમાં કિસાનોની દરકાર હોય, જેમાં ઉદ્યોગજગત માટે અવસર પણ હોય અને જનસામાન્યના આરોગ્યની ચિંતા પણ હોય.

નાગરિકોની નાનામાં નાની તકલીફ પણ અમારા માટે અગત્યની છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે, શબ્દોની મારામારીના કારણે કે કાયદાના અર્થઘટનના કારણે નાગરિકોને જો મુશ્કેલી પડતી હશે તો અમે એમાં ફેરફાર કરવા પણ તૈયાર છીએ. 

અમે વર્ષો સુધી સામાન્ય નાગરિકની જેમ મંચની સામે બેઠા છીએ. એટલે જ, આજે જ્યારે મંચની ઉપર બેસવાનો અવસર આવ્યો છે ત્યારે અમે પ્રજાને પડતી મુશ્કેલી સમજીએ છીએ. સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓથી અમે પરિચિત છીએ અને તેમનું જીવન સુખમય બનાવવા સતત ચિંતીત છીએ. 

મુખ્યમંત્રી તરીકે છેલ્લા 3-4 મહિના દરમ્યાન ગુજરાતના અનેક વિસ્તારોમાં જવાનું થયું, અનેક લોકોને મળવાનું તેમના પ્રશ્નો સાંભળવા-સમજવાનું થયું. પ્રવાસ હોય કે મુલાકાત... અમારો હેતુ સરળ, સહજ પરંતુ મક્કમ અને લોકાભિમુખ વહીવટ આપવાનો છે. 

મિત્રો, આ અરસામાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારી આપણે પૂરજોશથી કરી. દેશ અને દુનિયાના વિવિધ સ્થળોએ સફળ રોડ-શૉ કરીને ગુજરાતમાં મૂડીરોકાણ માટે આપણે દુનિયાભરની કંપનીઓને આમંત્રણ આપ્યું. પ્રિ-સમિટ ઈવેન્ટ્સમાં વિકાસના વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞોએ મનોમંથન કર્યું. કમનસીબે, કોરોનાના કારણે જન આરોગ્યને ધ્યાને રાખીને આપણે વાઈબ્રન્ટ સમિટ તો મુલતવી રાખી, પણ ગુજરાતની વાઈબ્રન્સીને આપણે જરા પણ ઓછી થવા નહીં દઈએ. આપણા પ્રયાસો આવનાર સમયમાં અનેકગણું ફળ લઈને આવશે એવો મને વિશ્વાસ છે. 

મિત્રો, કોરોનાના આ કપરા કાળમાં આપણે સૌ સજાગ રહીને નાગરિક તરીકેની આપણી ફરજો નિભાવીએ. રાજ્યના લોકોને કોરોના સામે રક્ષણ આપવાના પ્રયાસોમાં ગુજરાત સરકાર પણ કોઈ કસર છોડશે નહિ. આપણે સૌ સાથે મળીને જાગૃતિ અને સાવચેતી સાથે કોરોનાને મ્હાત આપીયે એવો ખાસ આગ્રહ આપને કરવા માંગું છું.   

બે દિવસ બાદ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ઉત્સવો ઉત્સાહની સાથે જવાબદારી પણ લાવે છે. આપણી મજા બીજા કોઈની સજા ન બને એ પણ ધ્યાન રાખવું જોઈએ. ઉત્તરાયણના દિવસો દરમ્યાન ગુજરાત સરકારે અબોલ પક્ષીઓ માટે કરુણા અભિયાન શરૂ કર્યું છે. આ દિવસો દરમ્યાન ક્યાંય પણ ઘાયલ પક્ષી નજરે પડે તો 1962 હેલ્પલાઈન પર સંપર્ક કરશો. વોટ્સએપ નંબર 8320002000 ઉપર ‘Karuna´મેસેજ ટાઇપ કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મેળવી શકાશે.  
  
મિત્રો, આવનાર સમયમાં આવી જ રીતે મારા વિચારો આપની સાથે શૅર કરતો રહીશ. મળતા રહીશું. 
આપ સૌને ઉત્તરાયણ પર્વની ખૂબ શુભકામનાઓ. 

આપનો, 
ભૂપેન્દ્ર પટેલ 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news