રાજકોટના 61 વર્ષીય બ્રેઇનડેડ વૃધ્ધની કિડનીથી 21 વર્ષના યુવાનને નવજીવન મળ્યું
રાજકોટમાં એક સાથે શરીરના લગભગ તમામ અંગોનું દાન થયું હોય તેવો આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
રાજકોટઃ રાજકોટમાં ફરી એક વખત માનવતા મહેકી ઉઠી છે. રાજકોટના 61 વર્ષીય બ્રેઇનડેડ વૃધ્ધની કિડની થી 21 વર્ષના યુવાનને નવજીવન મળ્યું છે. એટલું જ નહિં રાજકોટમાં એક સાથે શરીરના લગભગ તમામ અંગોનું દાન થયું હોય તેવો આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના જાણીતા નેકોલોજિસ્ટ દિવ્યેશ વિરોજાએ જણાવ્યું હતું કે, રાજકોટનાં રૂગનાથ સંતોકી નામનાં વૃદ્ધને 29 ડિસેમ્બરના બ્રેઈનસ્ટ્રોક આવતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતા બ્રેઇન ડેડ થયું હતું. મૃતક રૂગનાથભાઇના પરિવારજનોને તબીબોએ અંગદાન વિશે સમજણ આપતા પરીવારે તમામ અંગનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
મૃતદેહને બી.ટી.સવાણી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમના જરૂરી રિપોર્ટ કરાયા બાદ તેમની કિડની, લિવર, આંખો તેમજ સ્કીનનું દાન કરવામાં આવ્યું હતું. મૃતક રૂગનાથભાઇની કિડની બી.ટી.સવાણીમાં જ ડાયાલીસીસ કરાવવા આવતા 21 વર્ષીય યુવક કે જે ગ્રેજ્યુએટ થયા બાદ આગળનો અભ્યાસ કરી રહ્યો છે તેને કિડનીનું દાન આપવામાં આવી હતી. જ્યારે અન્ય અંગો જેમાં એક કિડની અને લીવર અમદાવાદની ઝાયડસ કેડિલા હોસ્પિટલમાં ‘ગ્રીન કોરિડોર'' કરીને લઇ જવામાં આવી હતી. બન્ને આંખો અને સ્કીનને પણ આઇ બેન્ક અને સ્કીન બેન્કમાં જમા કરાવવામાં આવ્યા હતા. આજના આ એક વૃધ્ધના ઓર્ગન ડોનેટથી અનેક લોકોને નવજીવન મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube