ઝી બ્યુરો/ગુજરાત: ગાંધીધામ આદિપુર વચ્ચે ટાગોર રોડ ઉપર આખલાએ અડફેટે લેતા યુવાનનુ મૃત્યુ નિપજ્યું હતું. અવારનવાર બનતા આવા બનાવો છતાં નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીધામ નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આદીપુરના યુવાનનુ મૃત્યુ નિપજ્યું હતું. ટાગોર રોડ ઉપર પોતાના બુલેટ લઈ ઓફીસ જવા નીકળેલા આદિપુરના જીજ્ઞેશ જીતેન્દ્ર દોશીને આંખલાએ અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોચી હતી સારવાર માટે આદીપુરની રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. 



ગાંધીધામ અને આદીપુર શહેરી વિસ્તાર, જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેના કારણે અકસ્માતો રોજીંદા બન્યા છે અને રખડતા ઢોરોને કારણે સર્જાતા અકસ્માત મોતનું કારણ પણ બની રહ્યા છે તેમ છતાં નગરપાલિકાના નિંભર તંત્ર વાહકોની આંખ ઊઘડતી નથી અને આવા આશાસ્પદ યુવાન ભોગ બની રહ્યા છે. 


આ અંગે ભોગ બનનાર યુવાનના સબંધી હર્ષદભાઈ ભીંડેએ જણાવ્યું હતું કે સવારે અકસ્માત સર્જાયો હતો તેમા મૃત્યુ થયું હતું આવા બનાવો ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.



બે પુત્રોની પિતા સાથે જન્મદિવસ ઉજવવાની ઈચ્છા અધૂરી રહી
જિગ્નેશભાઈના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રો છે. જેમાં ટ્વિન્સ પુત્રો મિત અને મિહિરનો આજે જન્મદિવસ હતો. પુત્રોએ પોતાના પિતા સાથે સાંજે ઘર પર કેક કટિંગનું પણ આયોજન કરી રાખ્યું હતું. પરંતુ, સવારે પિતાનું અકસ્માતમાં મોત થતા બંને પુત્રોની ઈચ્છા અધૂરી રહી હતી.