ટ્રાવેલ્સ બસમાં મુસાફર લૂંટાયો; બાજુમાં બેઠેલા યુવકે નશાયુક્ત બિસ્કિટ ખવડાવી બેભાન કર્યા, સાડા ત્રણ લાખ લૂંટ્યા
પેસેન્જર તરીકે બેઠેલા સાથી પેસેન્જરે સોના ચાંદીના દાગીના સહિત ₹3.40 લાખની મત્તા લૂંટી ફરાર થઇ ગયો છે. ફરિયાદીને બિસ્કીટમાં નશા યુક્ત વસ્તુ ભેળવી આ દાગીના અને રોકડની લૂંટ થયાની નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના એક વેપારીને ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવાનો કડવો અનુભવ થયો છે. પેસેન્જર તરીકે બેઠેલા સાથી પેસેન્જરે સોના ચાંદીના દાગીના સહિત ₹3.40 લાખની મત્તા લૂંટી ફરાર થઇ ગયો છે. ફરિયાદીને બિસ્કીટમાં નશા યુક્ત વસ્તુ ભેળવી આ દાગીના અને રોકડની લૂંટ થયાની નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વેપારીને ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવાનું કડવો અનુભવ
જો આપ પણ ટ્રાવેલ્સ બસમાં પેસેન્જર તરીકે મુસાફરી કરો છો તો ધ્યાન રાખજો. નહીં તો, લૂંટાતા વાર નહીં લાગે. અમદાવાદના બાપુનગરના એક વેપારીને ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરવાનું કડવો અનુભવ થયો અને લાખો રૂપિયા લૂંટાયા. ઘટનાની હકીકત અંગે વાત કરીએ અશોક ઝડફીયા ગત 7 ડિસેમ્બરના રોજ રાત્રે દરમિયાન સુરત ખાતે ભત્રીજાના લગ્નમાં જવા માટે સીટીએમ થી ટ્રાવેલ્સ બસમાં બેઠા હતા. રામદેવ ટ્રાવેલ્સ બસમાં તેઓ એક સિંગલ સોફામાં ટિકિટ બુક કરાવી સુરત ખાતે જવાના હતા તે દરમિયાન બીજા ખાલી સોફામાં અન્ય પેસેન્જર આવીને બેઠેલા.
બેગમાંથી વેફર અને બિસ્કીટ કાઢીને ફરિયાદીને ખવડાવ્યા
આ મુસાફરી દરમ્યાન ટ્રાવેલ્સમાં મિત્ર બનેલા અન્ય પેસેન્જરે રસ્તામાં ચા નાસ્તા માટે ટ્રાવેલ્સ બસ ઊભી રહી ત્યારે પોતાની બેગમાંથી વેફર અને બિસ્કીટ કાઢીને ફરિયાદી અશોક ઝડફીયાને ખવડાવ્યા. જોકે આ બિસ્કીટ ખાધા બાદ પાણી પીતા ફરિયાદીને ભારે ઊંઘ આવતા તેઓ બેભાન અવસ્થામાં 24 કલાક સુધી રહ્યા હતા.
નિકોલ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી
ફરિયાદી અશોક ઝડફીયા જ્યારે નિકોલની સરદાર હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ હોવાનો ખ્યાલ આવતા લૂંટાયાનો અહેસાસ થયો. જોકે પરિવારને આ અંગે તેઓ હોસ્પિટલમાં પહોંચતા ખ્યાલ આવ્યો હતો કે તેઓ બેભાન અવસ્થામાં નિકોલ ખાતે આવેલી દીપક સ્કૂલની બાજુમાં રામદેવ ટ્રાવેલ્સની બસમાંથી મળ્યા હતા. તે દરમિયાન આ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા. ફરિયાદીને ભાન આવતા ખ્યાલ આવ્યો કે તેમને પહેરેલા સોનાના દાગીના અને બેગમાં રહેલા સોનાના દાગીના મળ્યા નથી. જે અંગે નિકોલ પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી હતી.
સાથે બેઠેલા પેસેન્જરની પણ વિગતો મંગાવાઈ
હાલમાં સોના ચાંદીના દાગીના અને રોકડ ₹3.40 લાખની લૂંટ થયા અંગેની ફરિયાદ નોંધાતા નિકોલ પોલીસે રામદેવ ટ્રાવેલ્સના બસ ડ્રાઇવર અને કંડકટર સહિત ફરિયાદીના સાથે બેઠેલા પેસેન્જરની પણ વિગતો મંગાવી છે. ત્યારે આરોપી ઝડપાયા બાદ ખ્યાલ આવશે કે લૂંટની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિએ કયો નશા યુક્ત પદાર્થ ફરિયાદીને ખવડાવતા 24 કલાક સુધી બેભાન અવસ્થામાં રહ્યા હતા. ચોંકાવનારી વાત એ પણ છે કે ફરિયાદી લગ્ન પ્રસંગમાં જ્યાં હાજરી આપવા જવાના હતા ત્યાં પણ આ બનાવને પગલે પહોંચી નહીં શકતા પરિવાર ગભરાઈ ગયો અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.