રવિ અગ્રવાલ/વડોદરા: ભાયલીમાં અનુસુચિત જાતિના યુવાનને સોશીયલ મીડિયા પર કરેલી કૉમેન્ટના કારણે માર મારવામાં આવ્યો છે, જે મામલામાં પોલીસે યુવકને સમજાવીને તેની ફરિયાદ દાખલ કરી છે અને આરોપીઓને પકડવા પોલીસ કામે લાગી છે. વડોદરામાં અનુસુચિત જાતિના યુવકે સોશીયલ મીડીયામાં પોસ્ટ કરતાં યુવકને 6 થી 7 લોકોએ માર મારી વીડિયો સોશીયલ મીડીયામાં વાયરલ કર્યો હતો. જેને લઈ અનુસુચિત જાતિના સમાજના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમગ્ર ઘટના ઘટયા બાદ યુવક ડરના લીધે ફરિયાદ કરાવવા તૈયાર ન હતો, પણ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ યુવકને શોધતા શોધતા ભાયલી ગામ પહોચી, જ્યાં યુવક અને તેના સમાજના આગેવાનોને સમજાવી પોલીસે ફરિયાદ નોંધાવી છે. યુવક અલ્પેશ પરમારે 6 થી 7 અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે વડોદરા ગ્રામ્યના ડી.વાય.એસપી એ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે અનુસુચિત જાતિના યુવક સિંધરોટ ફરવા જતો હતો તે સમયે તેની સુરભી પટેલના નામની યુવતી સાથે મિત્રતા થઈ હતી. બાદમાં યુવક અને યુવતી અવારનવાર મળતાં હતાં.


યુવક અને યુવતી ભાયલી સેવાસી રોડ પર બેઠા હતા તે સમયે કેટલાક લોકોએ પહોંચી અલ્પેશ પરમારને માર માર્યો, માર મારવાનું સાચું કારણ હજી બહાર આવ્યું નથી. મહત્વની બાબત છે કે પોલીસ સમગ્ર કેસમાં સીસીટીવી કેમેરાના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. જેમાં પોલીસને સફળતા પણ મળી છે. આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાની પણ માહિતી છે.


સમગ્ર કેસમાં યુવતીનો મામલો છે કે સોશીયલ મીડીયામાં કૉમેન્ટ કરતા વિવાદ થયો તે તો આરોપીઓ પકડાયા બાદ જ સ્પષ્ટ થશે તેવું પોલીસ અધિકારી કહી રહ્યા છે. સમગ્ર મામલાને કેટલાક લોકો જાતિવાદી પર લઈ જઈ બે સમાજ વચ્ચે ઝેર ઉભુ કરવાની કોશિશ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાનીએ પણ સમગ્ર મામલામાં ટ્વીટ કરી અનુસુચિત જાતિના યુવાનનું લિંચિંગ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. પણ પોલીસ ધારાસભ્યના આક્ષેપના ખંડન કરી રહી છે. ત્યારે આરોપીઓ પકડાયા બાદ શું હકીકત સામે આવે છે તેના પર સૌ કોઈની નજર છે.