રાજકોટઃ રાજકોટ જિલ્લાના તરઘડીયા ગામમાં વધુ એક ખેડૂતે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઝેરી દવા પીને આત્મ હત્યા કરી લીધી છે. તરઘડીયામાં રહેતા બટુકભાઈ મૈયડ ખેતી કરતા હતા. ત્યારે તેમની પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેમણે દવા પીને આપઘાત કરી લીધો હતો. હાલ તો કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


મહત્વનું છે કે, ચાલુ વર્ષે વરસાદ ઓછો છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. જેથી ખેડૂતો આર્થિક ભીંસમા છે. ત્યારે આ બે મહિનામા જ ઘણા ખેડૂતોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. 12 ઓક્ટોબરે પોરબંદરના રાણાવાવના મહીરા ગામે વિરમ ઓડેદરા નામના ખેડૂતે આપઘાત કર્યો. 26 ઓક્ટોબરે જામનગરના લાલપુરના વાવડીના રાણા ગાગીયા નામના ખેડૂતે આપઘાત કર્યો. 27 ઓક્ટોબર દ્વારકાના ધ્રાસણવેલના ખેડૂત સોમા રોશીયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 31 ઓક્ટોબર સુરેન્દ્રનગરના મુળીના સડલા ગામે પીતાંબર ઝાલા નામના ખેડૂતે આપઘાત કર્યો હતો. 2 નવેમ્બર પોરબંદરના કુતિયાણાના માંડવા ગામે લખમણ આહીર નામના ખેડૂતે આપઘાત કર્યો હતો. 2 નવેમ્બરના રોજ જામનગરના વાગડીયા ગામે જિતેશ દૂધાગરા નામના ખેડૂતે આપઘાત કર્યો હતો. 13 નવેમ્બરના રોજ દ્વારકાના કલ્યાણપુરના નગડીયા ગામે ખેડૂતે આપઘાત કર્યો હતો.  તો 14 નવેમ્બરે જસદણના ગીતાનગરમાં શિવરાજ માંજરિયા નામના ખેડૂતે આપઘાત કર્યો હતો.  આજે એટલે કે 25 નવેમ્બર રાજકોટના તરઘડીયાના બટુક મૈયડ નામના ખેડૂતે આપઘાત કરી લીધો છે. આમ બે મહિનામાં 7 જેટલા ખેડૂતોએ પાક નિષ્ફળ જવાથી આપઘાત કર્યાની ઘટના બની તો બે જેટલા ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે..