પુત્ર માટે પિતાએ શરીર પણ છોલાઈ જાય તેવી બાધા રાખી, રસ્તા પર આળોટીને વૈષ્ણોદેવી પહોંચશે
Mata Vaishno Devi : પુત્ર સાજા થતા બાધા પૂર્ણ કરવા નીકળ્યા પિતા... મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવી સુધી માર્ગ પર સુતા સુતા યાત્રા કરવા નીકળ્યા... દેવીદાસ 1020 કીમીનું અંતર કાપીને મહીસાગરના લુણાવાડા પહોંચ્યા...
Mahisagar News ભદ્રપાલસિંહ સોલંકી/મહીસાગર : કરંટ લાગવાથી ગંભીર રીતે દાઝી ગયેલા પોતાના દીકરાના સફળ ઓપરેશન બાદ એક પિતાની મહારાષ્ટ્ર થી વૈષ્ણોદેવી સુધીની દંડવત યાત્રા,મહારાષ્ટ્રના અમરાવતીના દેવીદાસ આળોટતા આળોટતા આશરે ૧૦૦૦ કિ.મી. નું અંતર કાપી લુણાવાડા ખાતે આવી પહોંચ્યા.દીકરો પાંચનો વર્ષનો હતો તે સમયે કરંટ લાગવાથી તે ગંભીર રીતે દાઝી જતાં ડૉક્ટરે પણ ના પાડી દીધી હતી,સાથે પરિવારજનોને પણ બચવાની કોઈ આશા ન હતી તેવામાં પિતા એ માનેલી માનતાને લઈ પ્લાસ્ટિક સર્જરી બાદ દીકરાનું સફળ ઓપરેશન થયું હતું.
માણસ જ્યારે બધી જગ્યાએથી હારી જાય છે ત્યારે એક આશા હંમેશા રાખતો હોય છેકે હવે તો ભગવાન જ બચાવી લે તો સારું અને શ્રદ્ધા માણસને કેટલી શક્તિ આપી શકે અને તેની તાકાત શ્રદ્ધા ઉપર રહેલો વિશ્વાસ હોય છે. ભગવાન પર ભરોસો રાખવાથી વ્યક્તિ પોતાની ક્ષમતા ઉપરાંત ઘણું બધું કામ કરી બતાવતો હોય છે. લોકો માનતાઓ માનતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, વ્રત કરતા હોય છે. આ તમામ પાછળ શ્રદ્ધા જ તેની પીઠબળ પૂરું પાડે છે.ત્યારે આવી જ એક ઘટના મહારાષ્ટ્રમાં બની હતી. જ્યાં પોતાના દીકરાને કરંટ લાગવાથી આખા શરીરે દાઝી ગયો હતો અને બચવાની કોઈ આશા ન હતી, જેથી એક પિતાએ પોતાના દીકરાના સફળ ઓપરેશન માટે મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવી સુધીની માનતા રાખી હતી.
વાત કરીએ તો મહારાષ્ટ્રના અમરાવતી ખાતે રહેતા દેવીદાસ શિરપાદ થોરાતને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, જેમાં પુત્ર દુર્ગેશ આશરે પાંચ વર્ષનો હતો ત્યારે ઉત્તરાયણના સમયે પતંગ ચગાવતો હતો તે વેળાએ દુર્ગેશને કરંટ લાગ્યો હતો. તે શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડૉક્ટરે તેના જીવવા ના પાડી દીધી હતી. સાથે જ પરિવારના સભ્યોને પોતાના દીકરાને બચવાની કોઈ આશા ન હતી, જેને લઈ પિતા સહિત પરિવારના સભ્યો પણ હતાશ થઈ ગયા હતા. પરંતુ પોતાના એકના એક દીકરાને બચાવવા માટે પિતા ગમે તે કરવા તૈયાર હતા. જેથી તેમણે પોતાના વતન મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવીની આશરે ૨૬ કિલોમીટર સુધી બે વખત દંડવત યાત્રા કરવાની માનતા રાખી અને માતા વૈષ્ણોદેવીની અપાર કૃપાથી પોતાના દીકરાનું ઓપરેશન કરવામાં આવ્યું. પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી ત્યારે તેઓનો દીકરો દુર્ગેશ બચી ગયો હતો.
પોતાના દીકરાનું સફળ ઓપરેશન થયાં બાદ પુત્ર જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારે પ્રથમ વખત તેઓએ પોતાના વતન મહારાષ્ટ્ર થી વૈષ્ણોદેવી સુધીની યાત્રા પૂર્ણ કરી હતી અને હવે જ્યારે દિકરાની ઉંમર ૧૪ થી ૧૫ વર્ષની છે ત્યારે બીજી વખતની યાત્રા પૂર્ણ કરવા માટે દેવીદાસ થોરાત આળોટવા આળોટતા પોતાના વતન અમરાવતી થી ચારેક માસ અગાઉ વૈષ્ણોદેવીની દંડવત યાત્રા એ નીકળ્યા હતા.જોકે તેમની સાથે તેમના પાડોશી રાજેન્દ્રભાઈ પણ સાયકલ લઈને ચાલી રહ્યા છે,આ લોકો જે સાયકલ લઈને નીકળ્યા છે તે સાયકલમાં ન તો પેંડલ કે ના તો ચેન છે. આ લોકો પૈડલ અને ચેન વગરની સાયકલનો ઉપયોગ માત્ર સામાન મુકવા માટે જ કરી રહ્યા છે.ત્યારે પોતાના દીકરાની માનતા પુરી કરવા માટે મહારાષ્ટ્ર ખાતે રહેતા દેવીદાસ પોતાના વતન મહારાષ્ટ્ર થી ચાર મહિના પહેલા દંડવત યાત્રા કરતા કરતા ૧૦૦૦ કિ.મી. નું અંતર કાપી મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવી પહોંચ્યા હતા, વૈષ્ણોદેવીની દંડવત યાત્રા કરવા આળોટતા આળોટતા જઈ રહેલા દેવીદાસ આગામી છ મહિના પછી વૈષ્ણોદેવી પહોંચશે,જ્યાં તેઓની માનતા પુરી તેમણે માનેલી દંડવત યાત્રા પૂર્ણ કરશે. ઉલ્લેખનીય છેકે કડકડતી ઠંડી હોવા છતાં પણ માતાજી ઉપર અપાર શ્રદ્ધા હોવાથી આજરોજ તેઓ લુણાવાડા ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ આગળ મોડાસા તરફ જવા નીકળ્યા હતા