અમદાવાદઃ જમીન વિવાદમાં બે ભાઈઓ વચ્ચે બબાલ, કોર્પોરેટર તસ્લીમ આલમના ભાઈએ કર્યું ફાયરિંગ
અમદાવાદમાં બેહરામપુરા વોર્ડના કોર્પોરેટર તસ્લીમ આલમ અને તેના ભાઈ વચ્ચે જમીન વિવાદને લઈને બબાલ થઈ છે. આ ઘટનામાં કોર્પોરેટરના ભાઈએ હવામાં ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદઃ અમદાવાદમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે. જમીન બાબતે શહેરના શાહ આલમ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે. શાહઆલમ દરગાહ પાછળ જમીનને લઈને બે ભાઈઓ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં કોર્પોરેટર તસ્લીમ આલમના ભાઈ લક્કી આલમે ફાયરિંગ કર્યું છે. બહેરામપુરાના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમીજી અને તેના પુત્રો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કોર્પોરેટર પર થયું ફાયરિંગ
અમદાવાદમાં બેગરામપુરા વોર્ડના કાઉન્સિલર તસ્લીમ આલમ અને તેમના પુત્ર પર તેના સગા ભાઈ લક્કી આલમે જમીન વિવાદમાં ફાયરિંગ કર્યું છે. જૂની પૈતૃક જમીન બાબતે બંને પક્ષે મારામારી થઈ હતી. આ ઘટના બાદ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોર્પોરેટર તસ્લીમ આલમના બે દીકરા તજમ્મુલ અને ફાઈક ઈજાગ્રસ્ત થયા છે. કોર્પોરેટરે આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે માહિતી આપતા મિલાપ પટેલ, ઇન્ચાર્જ ACP, J ડિવિઝન એ જણાવ્યું કે ફાયરિંગ થયું તે અંગે સીસીટીવી ફુટેજના આધારે તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે બંને પક્ષો વચ્ચે પૈતૃક જમીન બાબલે મારામારી થઈ હતી. આ ઘટનામાં શાહ આલમ વિસ્તારમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ હુમલામાં કોર્પોરેટર તસ્લીમ આલમના બે પુત્રો ઈજાગ્રસ્ત થયા છે.