ભરત ચૂડાસમા, ભરૂચ: ભરૂચમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચથી વધુ મકાનો આગની લપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આગની ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી તેથી કહી શકાય કે મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચના શુકલતીર્થ ગામમાં ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકસાથે લગોલગ રહેલા પાંચથી વધુ મકાનોને લપેટમાં લીધા હતા. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તો બીજી તરફ એકત્ર ટોળાએ આગ પર પાણીનો છંટકાવ કરી આગ કાબુમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ સહિત ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીની પાંચથી સાત ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી.


સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે, કયા કારણોસર આગ લાગી તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું હતું કે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જો કે, આ આગની ઘટનામાં પાંચથી વધુ મકાનોને મોટું નુકસાન થયું છે પરંતુ જાનહાનીના કોઈ સમાચાર સામે ન આવતા મોટી દુર્ઘટના ટળી હોવાનું કહી શકાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube