દિવ્યેશ જોષી/રાજકોટઃ અઢી અક્ષરનો પ્રેમ શબ્દ કે જેને પામવા માટે લોકો અનેક હદ વટાવી નાખતા હોય છે. તો ક્યારેક આ પ્રેમ શબ્દ ભારે પણ પડી જાય છે... રાજકોટની પણ એક યુવતીને એક યુવાન સાથે પ્રેમ થયો હતો. જેમાં બંને છેલ્લા દસ વર્ષથી લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. ત્યારે આ યુવતીએ જેનો હાથ પકડી દુનિયા જોવાનું વિચાર્યું હતું તે જ હાથે તેને મોત મળ્યું હતું. આ યુવતીને લગ્ન માટે ચોટીલા ખાતે બોલાવવામાં આવી હતી ત્યાં જ તેની હત્યા કઈ રીતે નિપજાવી તે માટેનો સમગ્ર પ્લાન છે તે અગાઉ જ ઘડાઈ ચૂક્યો હતો. તો ચાલો જાણીએ કે આ યુવતીની હત્યા કોણે કરી તેમજ તેની પાછળનું કારણ શું હતું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત તારીખના 6ના રોજ રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા ગુંદાળા ગામની સીમમાંથી 30 થી 35 વર્ષીય અજાણી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યાની ઘટનામાં સામેલ મૃતક ભાવના નિમાવત (ઉવ.33)ના પ્રેમી નરેશ પરમાર (ઉવ 24) તેમજ તેના પિતા રમેશ પરમાર (ઉવ.47) અને માતા ભાનુ પરમાર (ઉવ.44) તેમજ મિત્ર જયેશ રાઠોડ (ઉવ.19) અને એક સગીરને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃત્યુ પામનાર ભાવના નિમાવત નરેશ પરમાર નામના વ્યક્તિ સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હતી. તેમજ તે નરેશ પરમારને લગ્ન કરવા બાબતે અવારનવાર દબાણ કરી ઝઘડો કરતી હતી. જે ઝઘડાથી કંટાળી જઈ નરેશ પરમારે પોતાના પિતા અને મિત્ર સહિતના સાથે મળી ભાવના નિમાવતને જાનથી મારી નાખવાનું નક્કી કર્યું હતું. 


આ પણ વાંચોઃ વાઇબ્રન્ટ સમિટમાં જોવા મળશે ગુજરાતના આવકાર, ભોજન અને સંસ્કૃતિની ઝલક, જાણો વિગત


ગોંડલથી મળેલી લીડ અને ઉકેલાયો હત્યાનો ભેદ
એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલ અજાણી યુવતીની લાશ મામલે પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેના ફોટા વાયરલ કરીને તે અંગે કોઈ વ્યક્તિ જાણતા હોય તો પોલીસ ન સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને લીડ મળી હતી કે, મરણ જનાર ભાવના નિમાવત છે અને અગાઉ તેને 181માં ફરિયાદ કરી હતી. જે લીડના માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા 181નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં ભાવના નિમાવત દ્વારા ગોંડલ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2023ના 10માં મહિનામાં નરેશ પરમાર વિરુદ્ધ અરજી પણ દાખલ કરી હતી. જે અરજીમાં તેને પોલીસને જણાવ્યું હતું કે, નરેશ પરમાર દ્વારા તેને લગ્ન કરવાનો વચન આપવામાં આવ્યું હોવા છતાં તે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો છે. નરેશ પરમાર માર્કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જ્યારે કે મરણ જનાર ભાવના નિમાવત પ્રાઇવેટ નોકરી કરતી હતી. ભાવના નિમાવતની હત્યા કર્યા બાદ તેનું પર્સ તેનો મોબાઈલ ફોન સહિતની લૂંટ આરોપીઓ દ્વારા ચલાવવામાં આવી હતી. જે તમામ લૂંટનો સામાન નરેશ પરમારની માતા દ્વારા ડિસ્પોઝ કરવામાં આવ્યો હતો. તેમજ બનાવનાર સ્થળે નરેશ પરમાર સહિત હાજર ચાર વ્યક્તિઓ દ્વારા છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ મોરબી બાદ જૂનાગઢમાં પણ ટોલમાં મોટો ઝોલ, નકલી ટોલનાકા બાદ બોગસ બાયપાસનો ખેલ


કેવી રીતે ઘડવામાં આવ્યો હત્યાનો પ્લાન?
4 જાન્યુઆરી 2024ના રોજ નરેશ પરમાર તેમજ તેનો મિત્ર જયેશ રાઠોડ બંને ચોટીલા ખાતે મોટર સાયકલ લઈને દર્શન કરવા ગયા હતા. ચોટીલા ખાતેથી ભાવના નિમાવતને મારી નાખવા માટે બે છરીની ખરીદી પણ ત્યાંથી કરવામાં આવી હતી. તો સાથે જ કઈ જગ્યાએ ભાવનાને લાવીને મારી નાખવી છે તે બાબતે જગ્યા પણ નક્કી કરવામાં આવી હતી. બંને આરોપીઓ ચોટીલાથી રાજકોટ પરત ફરી રહ્યા હતા ત્યારે રાજકોટથી અમદાવાદ તરફ જતા માલધારી હોટલ એન્ડ રેસ્ટોરન્ટની પાછળના ભાગે કાચા રસ્તા તરફ ભાવનાને મારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દરમિયાન 5 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે રાજકોટના રૈયાધાર વિસ્તાર ખાતે આવેલા નરેશ પરમારના ઘરે નરેશ પરમાર તેમજ તેના પિતા રમેશ પરમાર માતા ભાનુ પરમાર મિત્ર જયેશ રાઠોડ અને સગીર પાંચેય ભેગા થયા હતા. તમામ વ્યક્તિઓએ સાથે મળીને ભાવના નિમાવતની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. જે પ્લાન અંતર્ગત છેલ્લા કેટલાય સમયથી ભાવના નિમાવત નરેશ પરમાર સાથે લગ્ન કરવા માગતી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે ચોટીલા ખાતે ફૂલહાર કરીને આપણે પતિ પત્ની તરીકે સાથે રહીશું. ત્યારે પ્લાન મુજબ બે અલગ અલગ મોટરસાયકલમાં નીકળ્યા હતા. તેમજ ભાવના નિમાવતને નિર્ધારિત સ્થળ ખાતે લઈ જઈ છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube