વાઇબ્રન્ટ સમિટમાં જોવા મળશે ગુજરાતના આવકાર, ભોજન અને સંસ્કૃતિની ઝલક, જાણો કેવી છે તૈયારીઓ

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાત માટે સૌથી મોટો આર્થિક અવસર છે. પરંતુ સાથે સાથે દુનિયાના મોટા દેશોને આત્મનિર્ભર ગુજરાતની તાકાત બતાવવાની તક લઈને આવે છે. ત્યારે ગુજરાતનો આવકાર, ગુજરાતી ભાણું, ગરવા ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર વિદેશી મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

વાઇબ્રન્ટ સમિટમાં જોવા મળશે ગુજરાતના આવકાર, ભોજન અને સંસ્કૃતિની ઝલક, જાણો કેવી છે તૈયારીઓ

ગાંધીનગરઃ  સૌથી મોટા આર્થિક અવસર માટે ગુજરાત સજ્જ થઈ ગયું છે. પાટનગર ગાંધીનગર અને ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 ન માત્ર ગુજરાત પણ દેશ અને દુનિયા પર અલગ જ છાપ છોડવાની છે. ત્યારે આવો જોઈએ કે આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં શું જોવા મળશે નવા નજરાણાં

10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી સમગ્ર દુનિયાની નજર ગુજરાત પર રહેલી છે..જેનું કારણ છે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દુનિયાના અનેક દેશોના મહાનુભાવો ગુજરાતના મહેમાન બન્યા છે. ત્યારે આ મહાનુભાવોના ભવ્ય સ્વાગત માટે સમગ્ર ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. મહાત્મા મંદિર, દાંડી કુટીર, હોટલ લીલા, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગિફ્ટ સીટી, ફ્લાયઓવર, ઉદ્યોગ ભવન અને સરકારી કચેરીઓ રંગ-બેરંગી મૂન લાઈટ અને થીમ બેઝ્ડ રોશની-લેઝર લાઈટથી ઝળહળી ઉઠ્યા છે.

વાઈબ્રન્ટ સમિટ 2024 માટે ત્રણ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મહેમાન બન્યા છે...જેમાં પ્રધાનમંત્રીની દેશ-વિદેશના રાષ્ટ્રાધ્યક્ષો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક થશે. જેના માટે મહાત્મા મંદિરમાં તમામ સુવિધાથી સજ્જ આખું PMO કાર્યાલય ઉભું કરવામાં આવ્યું. જેમાં બે દિવસ પ્રધાનમંત્રી દુનિયાના મોટા નેતાઓ અને ઉદ્યોગપતિ સાથે બેઠકો યોજશે.

વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોએ પણ વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. ટ્રેડ શોમાં 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં એક્ઝિબિશન થશે. જેમાં 20 દેશોનો 1 હજારથી વધુ પ્રદર્શકો, 100 દેશ વિઝિટિગ પાર્ટનર અને 33 દેશ પાર્ટનર તરીકે ભાગ લેવાના છે. જેમાં મેક ઈન ગુજરાત અને આત્મનિર્ભર ભારતના 13 જેટલા ખાસ સ્ટોલ હશે. તો ગુજરાતી કંપનીએ તૈયાર કરેલ AI આધારિત રોબોટનું ગુજરાત પેવેલિયનમાં નિદર્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગર અને અમદાવાદના લોકો માટે નવું નજરાણું લઈને આવી છે. વાઈબ્રન્ટ સમિટ માટે ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર રૂટ પર ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસની શરૂઆત કરવામાં આવી છે. જો કે વાઈબ્રન્ટ સમિટ બાદ આવી 5 ડબલ ડેકર બસની મુસાફરીની સરખેજથી ગાંધીનગર અને ગિફ્ટ સિટી સુધીના રોડ પર લોકો મજા માણી શકશે.

દેશ-વિદેશથી આવનારા મહેમાનો ગુજરાતની સંસ્કૃતિ અને વારસાથી અવગત થશે..સાથે સાથે ગુજરાતના ખાસ ભોજનનો સ્વાદ પણ માણસે...વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનારા મહેમાનોને ખાસ ડીશ પીરસવામાં આવનાર છે....જેમાં પાતરા, ગાંઠિયા, ફાફડા, સેવ-ખમણી, ખાખરા, વાટીદાળ ખમણ, બાસમતી રાઈસ, રાજભોગ શ્રીખંડ, મહારાજા સ્પેશિયલ ડ્રીંક, શેહતૂત લેમન ડ્રીંક સહિતની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news