બોગસ ડિગ્રીધારી વડા પ્રધાનનું સુરતમાં પ્રોફેશનલ ડિગ્રીધારકોને સંબોધનઃ હાર્દિક પટેલ
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ગોધરામાં જણાવ્યું કે, દરેક ચૂંટણીમાં વડા પ્રધાનની ડિગ્રી બદલાઈ જાય છે, આગામી સમયમાં ખેડૂતો અને યુવાનોનાં પ્રશ્ને નવી લડત શરૂ કરાશે
ગોધરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતમાં આજે કરાયલા યુથ કોન્ક્લેવ સંવાદ કાર્યક્રમ અંગે ટિપ્પણી કરતા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, એક બોગસ ડિગ્રીધારી વડા પ્રધાન સુરતમાં પ્રોફેશનલ ડિગ્રીધારકોને સંબોધ્યા એ અત્યંત
દુઃખની વાત છે. કેમ કે, આપણા વડા પ્રધાનની દરેક ચૂંટણીમાં ડિગ્રી બદલાઈ જાય છે.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, ૧૦% અનામત નો સ્વીકાર કરીએ છીએ પરંતુ, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બધો આધાર રહેલો છે. આગામી સમયમાં ખેડૂતો અને યુવાનોના પ્રશ્નોને લઈને નવી લડતની શરૂઆત કરવામાં આવશે.
મારું રિમોટ કન્ટ્રોલ સવાસો કરોડ દેશવાસી છે, હું રોકાવાનો નથી, અટકવાનો નથીઃ પીએમ મોદી
હાર્દિકે વધુમાં જણાવ્યું કે, એક ખાનગી હોસ્પિટલના ઉદ્ઘાટનના સમારોહમાં પણ વડા પ્રધાન આવે એ બાબત દર્શાવે છે કે, વડા પ્રધાનને લોકસભાની ચૂંટણીમાં પરાજયનો ડર લાગી રહ્યો છે. એટલા માટે જ તેઓ દોડી-દોડીને ગુજરાત આવી રહ્યા છે.
દેશ બદલાઈ રહ્યો છે, નેગેટિવિટીમાંથી પોઝિટિવિટીનો પવન ફૂંકાયો છેઃ પીએમ મોદી
છેલ્લા કેટલાક સમયથી મીડિયમાં ખેડૂતો માટેની યોજનાઓ અંગે આવી રહેલા સમાચારો બાબતે હાર્દિકે જણાવ્યું કે, વડા પ્રધાન ખેડૂતો માટે આવા પ્રકારની યોજના જાહેર કરશે તેવું કેટલાક મીડિયા ખોટું બતાવી રહ્યા છે. આવી રીતે લોકોને ગુમરાહ ન કરવા જોઈએ.
હાર્દિક પટેલ મધ્યપ્રદેશમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે ગોધરા ખાતે રાત્રી રોકાણ દરમિયાન આ વાત જણાવી હતી.