મારું રિમોટ કન્ટ્રોલ સવાસો કરોડ દેશવાસી છે, હું રોકાવાનો નથી, અટકવાનો નથીઃ પીએમ મોદી

NEW INDIA YOUTH CONCLAVE નામથી સુરતના ઈનડોર સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15000 થી વધુ પ્રોફેશનલ સાથે સંવાદ કર્યો હતો. મેડીસન સ્ક્વેર ગાર્ડનની થીમ પર હાલ રિવોલ્વિંગ સ્ટેજ તૈયાર કરાયો હતો. અહીં પીએમ મોદીએ યુવાનોએ પુછેલા વિવિધ સવાલોનો મુદ્દાસર જવાબ આપ્યો હતો. જેમાં પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈકથી માંડીને નોટબંધી, જીએસટી સહિતના તમામ મુદ્દાઓને આવરી લીધા હતા.

મારું રિમોટ કન્ટ્રોલ સવાસો કરોડ દેશવાસી છે, હું રોકાવાનો નથી, અટકવાનો નથીઃ પીએમ મોદી

તેજશ મોદી/સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી શહેરના ઈન્ડોર સ્ટેડિયમમાં 'ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ' અંતર્ગત 15,000 વધુ પ્રોફેશનલ્સ સાથે સંવાદ સાધવાના છે. અત્યારે અહીં જરૂર કરતાં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા છે. સ્ટેડિયમ તો આખું જ ભરાઈ ગયું છે પરંતુ બહાર પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ છે અને તેઓ વડા પ્રધાનને સાંભળવા માટે ઈન્ડોર સ્ટેડિયમમાં જવા માટે ધક્કા મુક્કી કરી રહ્યા છે. અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર સુરતના ઈનડોર સ્ટેડિયમમાં પીએમ મોદી માટે રિવોલ્વિંગ સ્ટેજ બનાવાયું છે, જે 6 મિનિટમાં એક રાઉન્ડ ફરશે.

વડા પ્રધાનનું ઈન્ડોર સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાને સ્ટેજ પર આવીને તેમનું આટલું ભવ્ય સ્વાગત કરવા બદલ આભાર માન્યો હતો. આટલી મોટી મેદની જોઈને વડા પ્રધાન મોદી ખુશ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, સુરતમાં આજે ચાર કાર્યક્રમ કર્યા છે અને હું ક્યારેય થાકતો નથી.

  • હું તમને વિશ્વાસ અપાવું છુ ંકે, મોદી રોકાવાનો નથી, થાકતો નથી કે ઝુકતો નથી. મોદીનું માથું માત્ર સવાસો કરોડ હિન્દુસ્તાની સામે ઝુકે છે. સવાસો કરોડ દેશવાસી મારું રિમોટ કન્ટ્રોલ છે. 
  • આજની નવી પેઢી કટોકટી શું છે એ જાણતી નથી. નવી પેઢી એ જાણતી નથી કે દેશને 70 વર્ષમાં કેવી રીતે લૂંટવામાં આવ્યો છે. તેમને એ જણાવાનું છે કે, દેશને લુંટતો બચાવવા માટે પાંચ વર્ષમાં કેવું કામ કર્યું છે. 
  • પ્રથમ વખત વોટ નાખનારા યુવાનોએ એ જોવાનું છે કે, વંશવાદ, પરિવારવાદ વગેરેને તિલાંજલી આપવાની છે. 
  • આજની યુવાન પેઢી તો ગુગલ ગુરૂને જાણે છે. તેઓ ગુગલમાં એક મિનિટમાં ચકાસી લેશે કે કયા સમાચાર સાચા છે અને કયા સમાચાર ખોટા છે. 
  • તમે જોશો કે એક સમાચાર ત્રણ જુદા-જુદા અખબારોમાં અલગ-અલગ જગ્યાએ લખેલા હશે. સમાચાર ચેનલમાં પણ એક જ સમાચાર અલગ-અલગ રીતે ચલાવાતા હશે.
  • આજે પરિસ્થિતી બદલાઈ ગઈ છે. અગાઉ ટીવી-અખબાર જે પીરસે તેજ તમારે સ્વીકારવાનું રહેતું હતું. હવે તમારા હાથમાં મોબાઈલ છે. તમે દરેક સમાચારને ચકાસી શકો છો. 
  • આથી, વિરોધ પક્ષમાં રહેલા લોકો અને જવાબદાર પક્ષો મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર હોતા નથી. તેમનો એકમાત્ર મુદ્દો છે, મોદી. તેઓ સવારે ઉઠતાની સાથે જ મોદી-મોદી કરે છે, તેમના માટે મુદ્દો મોદી છે, અમારા માટે મુદ્દો સવાસો કરોડ દેશવાસીઓના સ્વપ્નો છે. 
  • પીએમ મોદીએ સવાલનો જવાબ આપતા કહ્યું કે,આપણા દેશના રાજકીય પક્ષોની માનસિક્તા હજુ પણ જુની-પુરાણી છે. ટીવી પર જે ચર્ચાઓ થાય છે તેમાં વિકાસ પર થવી જોઈએ, પરંતુ કમનસીબે વિરોધમાં રહેલા લોકો પાસે મુદ્દા પર ચર્ચા કરવાની તાકાત નથી. 
  • અંતિમ સલવા આરજે વિશ્રૃતિએ પુછ્યો હતો. રેડ એફએમમાં મોર્નિંગ શો કરી રહેલી વિશ્રૃતિએ જણાવ્યું કે, તમે દેશના એક એવા વડા પ્રધાન છો જેને સૌથી વધુ યુવાનો ફોલો કરી રહ્યા છે. પ્રથમ વખત વોટ આપનાર યુવાનો મુંઝવણમાં છે. આવા પ્રથમ વખત વોટ આપનારા યુવાનોને તમે શું કહેવા માગો છો. 

 

  • આજે ભારત પાસે દુનિયાનું સૌથી મોટું યુવાધન છે. આજ ભારતની શક્તી છે. કૃષિ પર ભારતની આત્મનિર્ભરતા, વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવું, દુનિયામાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવું એ ભારત માટે ગર્વની વાત છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારત ક્યાંય આગળ આવી ગયું છે.
  • આજે ભારતનું વિશ્વમાં એક આગવું સ્થાન બન્યું છે. દુનિયાના તમામ દેશો ભારત સાથે મૈત્રી ઈચ્છી રહ્યા છે. 
  • અમે તો ભારતવાસીનો જે અધિકાર હતો એ તેને આપ્યો છે. કોઈ કલ્પના કરી શકે છે કે, આપણે કહીએ કે,  આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવો. આજે, સમગ્ર દુનિયા નાક પકડીને બેસી જાય છે.  
  • પીએમ મોદીએ જણાવ્યું કે, હું ભારતનું ઉજ્જવળ ભવિષ્ય જોઉં છું. આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. દુનિયામાં બધા જ દેશમાં ગૌરવગાન થઈ રહ્યા છે.
  • પાંચમો સવાલ શીખા નારંગે કર્યો હતો. શીખા પોતે આર્ટિસ્ટ છે. તેમણે સવાલ પુછ્યો કે, તમે આટલી બધી જે દેશ માટે યોજનાઓ બનાવી છે, આ યોજનાઓના ફળસ્વરૂપે તમે ભારતનું ભવિષ્ય કેવું જૂઓ છો.  
  • અમારી સરકાર બની ત્યારે દેશમાં અડધા લોકો પાસે બેન્ક એકાઉન્ટ હતું. આજે દેશના મોટાભાગના લોકોના બેન્ક એકાઉન્ટ ખુલી ગયા છે. 
  • અમારી સરકાર આવી ત્યારે દેશમાં શૌચાલયની વ્યવસ્થા 38 ટકા હતી, આજે સાડા ચાર વર્ષમાં 98 ટકા થઈ ગઈ છે. 
  • આજે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કોની પાસે છે. દેશનો સૌથી લાંબો રેલ-રોડ બ્રિજ અમારી સરકારના કાર્યકાળમાં બનીને તૈયાર થયો. 
  • પીએમ મોદીએ જણાવ્યું કે, આ સવાલનો સીધો જ જવાબ છે કે, અમે દેશવાસીઓ માટે કામ કરીએ છીએ. અમારી સરકાર જ્યારે બની ત્યારે દેશનું અર્થતંત્ર 10મા ક્રમે હતું. આજે ચાર વર્ષમાં ભારત દેશનું અર્થતંત્ર છઠ્ઠા ક્રમનું બની ગયું છે. 
  • ચોથો સવાલ વિરાજ દિવાને પુછ્યો હતો. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમણે પુછ્યું કે, તમે અમારા જેવા યુવાનો માટે પ્રેરણાસ્રોત રહ્યા છો. તમે એવા અઢળક કામ કર્યા છે, તેને આગામી પેઢી તેની પ્રશંસા કરશે. નોટબંધી હોય કે જીએસટી, તમે આ બધું વોટબેન્કની ચિંતા કર્યા વગર આ બધું કેવી રીતે કરી શકો છો. 
  • 90 હજાર કરોડ રૂપિયા જે લોકોના પેટમાં જતા હતા, તેમની આ દુકાન મોદીએ બંધ કરી દીધી. આ લોકો મોદીને ક્યાંથી પસંદ કરવાના છે. હું તો દેશના હિતમાં કામ કરી રહ્યો છું. મેં દેશહિતમાં સંપૂર્ણ પવિત્રતા સાથે કામ કર્યું છે. 
  • દેશમાં 6 કરોડ નકલી રેશનિંગ કાર્ડ બનેલા હતા. અમે આ ભૂતિયા રેશનકાર્ડ બંધ કરી દીધા. જેમને સબસિડી મળતી હતી તેમને સીધી ખાતામાં મળવા લાગી. આથી વચેટિયાઓની દુકાન બંધ થઈ ગઈ.
  • આપણે નેગેટિવિટીનો વિચાર કરવાનો નથી. આપણે પોઝિટિવિટીનો વિચાર કરવાનો છે. આપણે સાચી વાતને આપણે 10 જગ્યાએ ફેલાવાની છે. 
  • પીએમ મોદીએ જણાવ્યું કે, વર્ષ 2013-14માં જ્યારે ચૂંટણીનો માહોલ હતો ત્યારે એક ટોળું હતું, જે સતત કહેતું હતું કે, ભાજપને ભાંડતા હતા. ત્યાર બાદ તેમણે મોદીનો અપપ્રચાર શરૂ કર્યો હતો. પછી તેમણે કહ્યું કે, મોદીને કોણ ઓળખે છે, મોદીને માત્ર ગુજરાત જાણે છે. ભાજપને બહુમત મળી શકશે નહીં. 
  • ત્રીજો સવાલ, ઉર્મિલા બારોટે પુછ્યો હતો. તેઓ કાયદા ક્ષેત્રમાંથી આવે છે. તેમણે જણાવ્યું કે, મેં જોયું છે કે 2014માં જે લોકો તમને પરાજિત થતા જોવા માગતા હતા, એ જ લોકો આજે પ્રચાર માધ્યમ દ્વારા દેશમાં નેગેટિવિટી ફેલાવી રહ્યા છે. આપણો દેશ આજે મહસત્તા બનવા જઈ રહ્યો છે ત્યારે આવા સમયમાં દેશના વિકાસમાં નાગરિકોનો ફાળો રહે. દેશના નાગરિકો માટે તમારો કેવો સંદેશો છે. 
  • જનતા જનાર્દન એ લોકોનો અવાજ છે. અમારી સામે એક બીજો પડકાર છે. કોંગ્રેસ હારી જાય તેનાથી ચાલશે નહીં. છેલ્લા 70 વર્ષમાં દેશમાં જે પરિવારવાદ, વંશવાદ, મારું-તારું ચાલ્યું છે, દેશને તેમાંથી બહાર કાઢવો પડશે. એટલે જ અમારો મંત્ર છે 'સબ કા સાથ, સબકા વિકાસ.'
  • અમે દેશના ભાગેડુઓને પકડી લાવવા અને તેમની સંપત્તિને જપ્ત કરવા માટે વિશેષ કાયદો બનાવ્યો છે. 
  • જેણે દેશને લૂંટ્યો છે તેણે એક દિવસ તો જેલમાં જવું જ પડશે. 
  • મને વિશ્વાસ છે અને સવાસો કરોડ દેશવાસીઓને વિશ્વાસ છે કે, એક દિવસ તમારે જેલમાં જવું જ પડશે. 
  • દેશમાં જેની ચાર-ચાર પેઢીએ રાજ કર્યું છે, તેને એક ચાવાળો પડકાર ફેંકી રહ્યો છે. તમે જાણતા હશો કે તેઓ જામીન પર છુટેલા છે. તમે જાણતા જ હશો કે તેમના અન્ય દરબારીઓ પણ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે.  
  • ભ્રષ્ટાચાર દેશને અંદરથી કોતરી રહ્યો છે. ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે. જો હું ઈચ્છતો તો તેને છોડી શક્તો હતો. 
  • પીએમ મોદીએ જણાવ્યું કે, હું આ અભિયાન એટલા માટે જ ચલાવી શક્યો છું કે હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું. આ હિંમતને કારણે જ હું આ કામ કરી શક્યો છું. હું કોઈ મોટા પરિવારનો નથી. છેલ્લા 13-14 વર્ષથી કામ કરી રહ્યો છું. વિરોધીએ પણ ક્યારેય મારી સામે આંગળી ઉઠાવી નથી.
  • બીજો સવાલ નિશિલ શાહે પુછ્યો હતો. તેમણે જણાવ્યું કે, તમે સામાન્ય ઘરમાંથી આવ્યા છો અને તમે દેશના ભ્રષ્ટ નાગરિકોને પડકાર ફેંકી રહ્યા છો. તેની સામે મહાગઠબંધન બન્યું છે. 2019માં દેશના નાગરિકો કોંગ્રેસ મુક્ત ભારતની રાહ જોઈ રહ્યા છો. 
  • દેશના વરિષ્ટ નાગરિકોને રેલવેની ટિકિટ પર સબસિડી મળતી હતી. મેં ક્યાંય ભાષણ ન આપ્યું, પરંતુ રેલવેને કહ્યું કે, ફોર્મમાં એટલું લખી નાખો કે, જે લોકો સબસિડી છોડવા માગે છે તે આ વિકલ્પ પસંદ કરી શકે છે. અને મારી આ એક અપીલ પર અનેક વરિષ્ઠ નાગરિકોએ સબસિડી છોડી દીધી હતી. 
  • દેશના વડા પ્રધાને જ્યારે લાલ કિલ્લા પરથી એક અપીલ કરી કે, તમે જો શ્રીમંત છો તો તમારી સબસિડી છોડી દો. બસ, માત્ર એક અપીલમાં જ સવાકરોડ લોકોએ સબસિડી છોડી દીધી. આને કહેવાય છે પરિવર્તન.
  • સવાસો કરોડ દેશવાસીઓએ નક્કી કરી લીધું છે કે, પરિવર્તન લાવવું છે. એટલે જ દેશ બદલાઈ રહ્યો છે. 
  • આજે દેશમાં મુદ્રા યોજના શરૂ કરી છે. તમે માત્ર કેટલીક મિનિટોમાં લોન લઈને કારોબાર કરી શકો છે. આ પરિવર્તન નથી.
  • આજે સાડા ચાર વર્ષ થઈ ગયા, દેશમાં ક્યાંય હુમલાના સમાચાર આવ્યા નથી. વિસ્ફોટના સમાચાર આવ્યા નથી. આ જ પરિવર્તન છે. 
  • પહેલા દરરોજ સમાચાર આવતા હતા કે, મુંબઈમાં વિસ્ફોટ, કાશ્મીરમાં વિસ્ફોટ, અયોધ્યામાં વિસ્ફોટ. 
  • આજે દરરોજ સમાચાર આવે છે કે, સેનાએ આટલા આતંકી મારી નાખ્યા. 
  • આ નેતા કોઈને ઊંઘવા દેતો નથી અને પોતે પણ ઊંઘતો નથી.  આને કહેવાય છે પરિવર્તન. નોટબંધીબાદ અમે 3 લાખ કંપનીઓને તાળા લગાવ્યા. કોઈને પણ અવાજ આવ્યો નહીં.
  • તેનું પરિણામ એ આવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક. 
  • અમારી સરકારમાં ઉરી હુમલો થયો. અમારી સરકારે તેનો બદલો લીધો. જવાનના લોહીનું એક ટીપું વેડફાય એ પોસાય નહીં. એક જવાનના દિલમાં જે આગ હતી, એ જ આગ આ વડા પ્રધાનના મનમાં પણ હતી. 
  • તમે જોયું હશે કે, એ સમયે 26/11ના રોજ દેશમાં મોટો આતંકવાદી હુમલો થયો હતો. એ સમયે માત્ર ફૂલચડાવાયા, શ્રદ્ધાંજલિ આપવામાં આવી. બીજું કંઈ થયું નહીં.
  • અમે એ માનસિક્તા જ બદલી નાખી. વર્ષ 2013 સુધી સમાચાર પત્રોની હેડલાઈન બનતી હતી કે ફલાણો ગોટાળો, આ ગોટાળો, જી ગોટાળો. 
  • વડાપ્રધાને જણાવ્યું કે, તમને પરિવર્તનનો અહેસાસ કર્યો તેના માટે હું તમારો આભારી છું. મારા આગમનથી પહેલાના 10 વર્ષ સુધી રિમોટ કન્ટ્રોલવાળી સરકાર ચાલતી હતી. એ સમયે લોકોએ માની લીધું હતું કે, કંઈ થવાનું નથી. લોકોના મનમાં એક માનસિક્તા પ્રવેશી ગઈ હતી કે, હવે કશું જ થઈ શકે એમ નથી. 
  • પ્રથમ સવાલ ફેનિલ પરીખને પુછવા જણાવાયું. ફેનિલ પરીખે સવાલ પુછ્યો. તેમણે જણાવ્યું કે, હું એક કમ્પ્યુટર એન્જિનયર છું. અગાઉ દેશમાં એવી માનસિક્તા હતી કે દેશમાં કંઈ થઈ શકશે નહીં. મારો સવાલ છે કે દેશમાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું?
  • માત્ર બે શબ્દો લોકોના મનમાં હતા. આમાં મારું શું? મને શો ફરક પડે છે? અમે આ બંને શબ્દો સામે લડાઈ લડી છે. જેનું પરિણામ છે 'સબકા સાથ, સબકા વિકાસ'.
  • તમે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે તેનો મને આનંદ થયો છે. મને તમારામાંથી જે મિત્રો સવાલ પુછવા માગે છે તેનો હું જવાબ આપવા માગું છું.
  • કોઈ કલ્પના કરી શકે છે સ્વચ્છતા જેવા તુચ્છ વિષયને દેશવાસીઓ પોતાનો બનાવી લીધો છે. 
  • આજે દેશ ચાલી નિકળ્યો છે. નિરાશાને બદલે આશા પેદા થવી સારું છે કે ખરાબ. લોકોમાં નવી આકાંક્ષાઓ આવે તે ઘણી જ સારી બાબત છે. દેશમાં એક એવી સરકાર બની છે, જેણે સવાસો કરોડ દેશવાસીઓનાં સ્વપ્નોને જગાડી દીધા છે. 
  • કેટલાક લોકો હંમેશાં રડતા રહેતા હોય છે. આ તેમનો સ્વભાવ હોય છે. હું રડવામાં વિશ્વાસ રાખતો નથી કે રડાવામાં પણ વિશ્વાસ ધરાવતો નથી. હું તો આગળ વધવામાં માનું છું. 
  • 2014માં દેશ નિરાશામાં ડૂબેલો હતો. જોત-જોતામાં જ નિરાશા આશામાં પરિવર્તિત થઈ અને પછી આત્મવિશ્વાસ પ્રબળ થયો છે. આ સ્વપ્નો હિન્દુસ્તાનને આગળ લઈ જવાની તાકાત છે. 
  • તમે જોતા હશો કે તમે 2014માં જે ઈન્વેસ્ટ કર્યું હતું તેનું પૂરેપુરું ફળ પ્રાપ્ત થયું હતું, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળ્યું હશે. 
  • દેશે જે રીતે પ્રગતિ કરી છે અને દુનિયામાં ભારતનું જે રીતે નામ રોશન થયું છે તેનું કારણ તમારો એક વોટ છે. તમારો એક વોટ મને દિવસ-રાત જાગવાની પ્રેરણા આપે છે. મને દોડતો રહેવાની પ્રેરણા આપે છે.
  • 2014માં દેશે જે રીતે મારા પર વિશ્વાસ મુક્યો તેના માટે હું તમારા સૌનો આભારી છું. દેશમાં આજે અનેક સ્થળે ચર્ચા થતી હશે કે આ કામ થયું પેલું કામ થયું. દુનિયામાં ભારતનો ડંકો વાગી ગયો છે. 

શહેરના ડોકટર્સ, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ, ટેકનોક્રેટ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આવી પહોંચ્યા છે. ઈનડોર સ્ટેડિયમની કેપેસીટી કરતા વધુ સંખ્યામાં રજીસ્ટ્રેશન થઇ ગયું છે. આથી, સ્ટેડીયમની બહાર પણ એક ડોમ બનાવાયો છે, જ્યાં લોકોના બેસવાની વ્યવસ્થા કરાઈ છે. 

મેડિસન સ્ક્વેરની જેમ આપશે ભાષણ
સુરતના ઈનડોર સ્ટેડિયમમાં પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાના મેડિસન સ્કવેર ગાર્ડનની થીમ પર સંબોધન કરશે. પીએમ મોદી રિવોલ્વિંગ સ્ટેજ પર બેસીને ભાષણ આપશે. ઉલ્લેખનીય છે કે, 2014માં અમેરિકાના પ્રવાસ વખતે મેડિસન સ્કવેર ગાર્ડનમાં હાજર મેદનીને આ રીતે જ સંબોધન કર્યુ હતું. 

6 મિનિટમાં એક રાઉન્ડ ફરશે રિવોલ્વિંગ સ્ટેજ
સુરતમાં તેમના આ કાર્યક્રમ માટે ઈન્ડોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજ બનાવાયું છે. સ્ટેજને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. સ્ટેજનો બહારજનો ભાગ સ્થિર રહેશે, જ્યારે અંદરનાં ભાગનું સર્કલ ગોળ ફરશે. રિવોલ્વિંગ સ્ટેજ સાડા પાંચ થી છ મીનીટમાં એક રાઉન્ડ પૂરો કરશે. આ ઝડપ એટલા માટે રાખવામાં આવી છે, કારણ કે જો વધુ સ્પીડમાં સ્ટેજ ફરે તો ચક્કર આવી શકે છે. રિવોલ્વિંગ સ્ટેજ માટે જે ઇલેક્ટ્રિક મોટર મુકવામાં આવી છે, તે સુરતની SVNITના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયું છે. 

રજિસ્ટ્રેશન કરાવેલા લોકો પીએમને પુછશે સવાલ 
ન્યૂ ઈન્ડિયા યૂથ કોન્કલેવમાં જેમણે NEWINDIAYOUTHCONCLAVE.COM પર રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ પીએમ મોદીને સવાલ પૂછી શકશે. દરેક વ્યક્તિના સવાલોના જવાબ આપવું શક્ય નથી. એક કલાકના કાર્યક્રમમાં થોડા સવાલોના જવાબ પીએમ મોદી આપશે અને સાથે જ થોડું સંબોધન પણ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news