બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થિનીની તબીયત લથડી, 108ની ટીમે પરીક્ષાખંડમાં સારવાર આપી પેપર પૂરુ કરાવ્યું
108ની ટીમે એવું કામ કર્યું કે તેની ખુબ પ્રશંસા થઈ રહી છે. ભેંસાણમાં બોર્ડની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિનીને ચક્કર આવી ગયા હતા. ત્યારબાદ 108ની ટીમે પરીક્ષાખંડમાં સારવાર આપી તેનું પેપર પૂરુ કરાવ્યું હતું.
જૂનાગઢઃ રાજ્યભરમાં ધોરણ-12 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા દરમિયાન તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની મદદના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. આવી એક ઘટના જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં બની છે. જ્યાં 108ની ટીમે એક વિદ્યાર્થિનીની એવી મદદ કરી જેની પ્રશંસા લોકો પણ કરી રહ્યાં છે. તમે પણ આ સમાચાર વાંચીને 108ની ટીમે કરેલી કામગીરી બદલ તેને સલામ કરશો.
શું છે સમગ્ર ઘટના
ધોરણ 10માં સંસ્કૃત વિષયની પરીક્ષા ચાલી રહી હતી. આ દરમિયાન આજરોજ ભેંસાણ તાલુકાની ભગવતી સ્કૂલમાં એક વિદ્યાર્થિનીને ચાલું પરીક્ષા દરમિયાન ચક્કર આવી ગયા હતા. ત્યારબાદ 108ની ટીમને કોલ કરવામાં આવ્યો હતો. 108ની ટીમ આ કોલ આવતા સ્થળ પર પહોંચી હતી. 108ની ટીમમાં હાજર મહિલાએ આ વિદ્યાર્થિનીને પરીક્ષા ખંડમાં જ સારવાર આપી હતી.
આ પણ વાંચોઃ દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીંઃ મુખ્યમંત્રી
વિદ્યાર્થિનીને ચાલું પરીક્ષામાં ચક્કર આવી જતાં શિક્ષકો પણ ચિંતામાં મુકાયા હતા. પરંતુ 108ની ટીમે પરીક્ષાખંડમાં વિદ્યાર્થિનીને સારવાર આપી તેનું પેપર પૂર્ણ કરાવ્યું હતું. 108ની ટીમની મદદને કારણે આ વિદ્યાર્થિનીનું વર્ષ બગડતા બચી ગયું હતું. વિદ્યાર્થિનીની સારવાર મળ્યા બાદ તેની તબીયતમાં સુધારો થયો હતો. શિક્ષકોએ પણ આ 108ની ટીમની કામગીરીની પ્રશંસા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube