ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદીઓ ચાની ચૂસકી વિના જાણે તમામ કામ અધૂરાં રહે છે. અમદાવાદના કોઈ પણ વિસ્તારમાં જશો તમને ચાની ટપરી અવશ્ય મળી આવશે અને તેમાં પણ કેટલીક ટપરીની ચા તો ખૂબ જ પ્રખ્યાત પણ હોય છે ત્યારે અમદાવાદના સરદારનગરમાં આવેલો એક ટી સ્ટોલ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આજકાલ ફુડ ઝોન તથા રેસ્ટોરન્ટવાળા ગ્રાહકોને આકર્ષવા કરવા માટે મેનુથી લઈને એમ્બીયન્સમાં કંઈક હટકે કરતા હોય છે. જેથી ગ્રાહકો લલચાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પણ અમદાવાદના એક ટી સ્ટોલ એવુ છે જેનુ નામ સાંભળીને લોકો ડરી જાય છે. નામ અને મેનુ સાંભળીને જ લોકોના શરીરમાંથી ડરનુ લખલખુ પસાર થઈ જાય છે. આ ટી સ્ટોલનું નામ છે ભયાનક ટી સ્ટોલ. અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં આ ભયાનક ટી સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભયાનક મેનુ તથા ટેગલાઈન સાથે અનિલ બજરંગી નામનો યુવક અહીં ચા પિરસે છે. પણ આ ટી સ્ટોલની હજી એક રસપ્રદ બાબત એ છે કે, આ ભયાનક ટી સ્ટોલ પણ સ્મશાન ગૃહને અડીને આવેલો છે.



ભદ્રેશ્વર વિસ્તારમાં છારા સમાજનું સ્મશાન ગૃહ છે. અહીં છારા સમાજના કોઈનુ નિધન થાય તો સમાધિ બનાવવામાં આવે છે. નવાઈની વાત એ છે કે આ ટી સ્ટોલ આ સ્મશાનગૃહની બહાર આવેલું છે. અનિલ બજરંગી કોઈ પણ ડર વગર અહીં આખો દિવસ લોકોને ચા બનાવીને પીવડાવે છે. આવુ નામ રાખવા પાછળનો તેનો એકમાત્ર હેતુ લોકોના મનમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાનો છે. ટી સ્ટોલનું નામ જેટલું ભયાનક છે, તેના કરતા પણ વધુ ભયાનક છે તેનું મેનુ. કારણ કે, અહીં મેનુમાં મળે છે ચૂડેલ ચા, ભૂત કોફી, વિરાના દૂધ, અસ્થિ ખારી, કંકાલ બિસ્કીટ, મુર્દા પાપડી, પિશાચી ચવાણું, ભૂતડી પરોઠા, તાંત્રિક પોપર્કોન. જોકે, અહીં મોટી સંખ્યામાં લોકો ચા-નાસ્તો કરતા જોવા મળે છે. 



શુ વિચારીને આવું ભયાનક નામ ટી સ્ટોલને આપ્યું તે વિશે અનિલ બજરંગી કહે છે કે, હું 25 વર્ષથી અહી આવવા જવાનું છે. હું છારા નગરથી આવું છું. હું પોતે છારા છું, મને લોકો ડોન નામથી ઓળખે છે. 25 વર્ષોથી મારું અહીં આવવા-જવાનું છે. કારણ કે, હું અહી બેસીને ઓશો રજનીશના પુસ્તકો વાંચતો હતો. ત્યાંથી જ મને આઈડિયા મળ્યો કે મારે કંઈક નવુ કરવું છે. વાંચતા સમયે આ વિચાર આવ્યો કે, અહીં ટી સ્ટોલ બનાવવો જોઈએ. ટી સ્ટોલના નામ વિશે અનેક નામ મગજમાં હતા. પણ આ નામ જગ્યાના હિસાબે યોગ્ય લાગ્યું. આ નામથી લોકોનો ડર પણ નીકળી જશે. 



સ્મશાન ગૃહ પાસે હોવાથી લોકો આવે છે કે નહિ તે વિશે ટી સ્ટોલના માલિક કહે છે કે, સ્મશાન ભૂમિથી લોકો ડરે છે તેવી તેમની અંધશ્રદ્ધા છે. પણ, મેં વિચાર્યું કે આ નામથી હું તેમનો ડર કાઢી શકું છું. શરૂઆતમાં એક કપ પણ વેચાતી ન હતી. પણ, મને વિશ્વાસ હતો કે લોકો એક દિવસ જરૂર આવશે અને હું લોકોનો ડર કાઢી શકશે. હવે દિવસમાં 100થી વધુ લોકો આવે છે. હવે તો લોકોનો ડર પણ નીકળી ગયો છે. મને લોકોની અંધશ્રદ્ધા તોડવામાં સફળતા મળી છે. સ્માશન ગૃહ પાસે ટી સ્ટોલ હોવા છતાં અહીં મહિલાઓ પણ હવે ચા પીવા આવે છે. એક ગ્રાહકે કહ્યું કે, અહીં નામ જોઈને જ અમે ગભરાઈ ગયા હતા. પણ બાદમાં અમારો ડર નીકળી ગયો છે.