નવસારીઃ ધોળા દિવસે ફકત 25 મિનિટમાં જ ચોરી કરવાના એક્સપર્ટ આંતરરાજ્ય ચોરને ઝડપી પાડી નવસારી LCB પોલીસે 4 રાજ્યોની 51 ચોરીઓનો ભેદ ઉકેલી કાઢયો છે. આરોપી ચોર જુગાર રમવાનો શોખીન હોવાથી ચોરી કરીને રૂપિયા મુંબઈ, દિલ્હી, ગોવા જેવા શહેરોમાં જલસા કરવા પહોંચી જતો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધતા પોલીસ ચોરટાઓને પકડવા મથી રહી હતી. ત્યારે ગત રોજ નવસારી LCB પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી કે, જલાલપોરના અબ્રામા તરફના રસ્તેથી એક ચોર નવસારી તરફ આવનાર છે. જેને આધારે પોલીસે ગાંધી રેલવે ફાટક ઓવર બ્રિજના અબ્રામા છેડે ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળો શખ્સ આવતા જ પોલીસે તેને પકડી પાડયો હતો. 


આ પણ વાંચોઃ તમારી પાસે 15 વર્ષ જૂના વાહન છે તો સ્ક્રેપ કરવા માટે કરી શકશો ઓનલાઈન અરજી, જાણો વિગત


પોલીસ પૂછપરછમાં તેણે પોતાની ઓળખ જીમી ઉર્ફે દીપક બિપીન શર્મા જણાવી, સાથે જ ગત દિવસોમાં શહેરના રંગૂન નગરમાં આવેલ ઇમરાન મીઠાવાળાના બંધ ઘરને નિશાન બનાવી દાગીના અને રોકડા મળી કુલ 9.52 લાખની ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપી ચોર જીમી શર્માની ધરપકડ કરી 6.53 લાખના દાગીના, 3500 રૂપિયા રોકડા, બે મોબાઈલ અને 50 હજાર રૂપિયાની બાઈક મળી કુલ 7.12 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જીમી પકડાતા નવસારીની બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. જ્યારે આગળની તપાસ અર્થે જલાલપોર પોલીસને સોંપ્યો છે.


મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના ગુરુકુળ નગરનો રહેવાસી અને હાલ નવસારીના વિજલપોરમાં રહેતા ચોર જીમીની મોડસ ઓપરેન્ડી અનોખી છે. જીમી દિવસ દરમિયાન ચોરી કરવામાં મહારથ કેળવી ચૂક્યો છે. જે મોટા ભાગે બપોરના સમયે સોસાયટી, મોહલ્લા કે ગામડામાં આવેલા કોર્નરના બંધ મકાનોને ટાર્ગેટ કરતો હતો. બાઈક પર ચોરી કરવા નીકળતો જીમી સાથે ફકત નાનું ડીસમીસ રાખતો હતો અને દરવાજાને મારેલ તાળુ તોડી ઘરમાં પ્રવેશીને દાગીના રોકડ ચોરી કરીને ફકત 20 થી 25 મિનીટમાં જ રફુચક્કર થઈ જતો હતો. જીમી અત્યાર સુધીમાં 51 ઘરફોડ ચોરી કરી ચૂક્યો છે. જેમાં 25 મહારાષ્ટ્રમાં, 20 હરિયાણામાં, 4 રાજસ્થાનમાં અને 2 ચોરી ગુજરાતના નવસારીમાં કરી હતી.


આ પણ વાંચોઃ ફોન સ્વીચ ઓન થયો અને ઝડપાયો 13 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર આરોપી


દિવસના જ ચોરી કરતો જીમી જુગાર રમવાનો શોખીન છે. જે મોટા શહેરોમાં આવેલા ક્લબ અને ઓનલાઇન જુગાર રમાડતી એપ્સમાં જુગાર રમે છે. ચોરી કર્યા બાદ ધીરે ધીરે દાગીના પોતાની મજબૂરી બતાવી વેચી દેતો અને રૂપિયા હાથમાં આવતા જ મુંબઈ, દિલ્હી અને ગોવા જઈને જુગાર સાથે ઐયાશીમાં રૂપિયા ઉડાવી દેતો હતો. રૂપિયા પૂરા થતા પાછો ચોરી કરવા નીકળી પડતો હતો. ત્યારે નવસારી પોલીસને જીમી પકડાતા મોટી સફળતા મળી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube