ઈસુદાન ગઢવીનો વધુ એક દાવો, PM મોદી જ્યારે CM હતા, ત્યારે પણ ભાજપને 150 બેઠક નહોતી મળી
Gujarat Election Exit Poll News : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની એક્ઝિટ પોલ પર ઈસુદાન ગઢવીએ ખૂલીને વાત કરી... કહ્યું કે, 1 બેઠક આવે અથવા 100 બેઠક આવે પણ પ્રજાની સુખાકારી માટે અમારી લડત ચાલુ રહેશે...
Gujarat Election Exit Poll News અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક્ટિઝ પોલ આવી ગયા છે. જેમાં દરેકમા એક જ વાત છે કે, આપ પાર્ટી ગુજરાતમાં સરકાર નહિ બનાવે. તેમજ આપને ગણીગાંઠી બેઠકો મળશે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર અને જામખંભાળિયા બેઠકના આપના ઉમેદવારી ઈસુદાન ગઢવીએ 24 કલાક સાથે વાતચીત કરી. જેમાં તેમણે કહ્યું કે, પ્રથમ તબક્કામાં અમે 51 બેઠક જીતી રહ્યા છીએ અને બીજા તબક્કાની ચૂંટણીમાં અમે 52 બેઠકો જીતીશું, અમારા આંકલન મુજબ અમે 103 બેઠક સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. પાર્ટી બન્યાને દસ વર્ષની અંદર આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પાર્ટી બની રહી છે. તેમજ 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા જઈ રહી હોવાનો ઈસુદાન ગઢવીનો દાવો કર્યો છે.
ગમે ત્યાં હોઈશું કામ કરતા રહીશું
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, અમે સર્વસ્વ છોડીને જનતા માટે આવ્યા છીએ, 8 ડિસેમ્બરે જે પણ પરિણામ આવશે એ અમને શિરોમાન્ય રહેશે. 1 બેઠક આવે અથવા 100 બેઠક આવે પણ પ્રજાની સુખાકારી માટે અમારી લડત ચાલુ રહેશે. 9 ડિસેમ્બરથી આગામી પાંચ વર્ષ સુધી અમે ફરી પ્રજાના કામ માટે નીકળીશું. સરકારમાં હોઈશું કે ગમે ત્યાં હોઈએ પ્રજાના કામ એ અમારી પ્રાથમિકતા રહેશે.
એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનવાની છે
આ અંગે વાત કરતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, જે પણ એક્ઝિટ પોલ આવ્યા છે એ આખરી તારણ નથી. એક્ઝિટ પોલમાં ત્રીજી પાર્ટીને વોટ કટીંગ પાર્ટી તરીકે જોવામાં આવતી હોય છે એટલે જે એનાલિસિસ થાય છે એ ખોટું સાબિત થતું હોય છે. ભૂતકાળમાં દિલ્હી અને પંજાબના રીઝલ્ટ પણ આપણે જોયા છે, બંને રાજ્યોમાં આપની સરકાર એક્ઝિટ પોલમાં નહોતી બનતી પણ અમે સરકાર બનાવી છે. 8 ડિસેમ્બરે પરિણામ આવશે એટલે સાચી સ્થિતિનો ખ્યાલ આવશે
આપના રાજીનામા લેવાઈ ગયા છે....
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આપના તમામ નેતાઓના રાજીનામા લેવાઈ ગયા છે, એ અંગે પ્રતિક્રિયા આપતા ઈશુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપના નેતાઓએ પોતાની ચિંતા કરવી જોઈએ. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ચૂંટણીમાં તનતોડ મેહનત કરી છે. હું પોતે 1,20,000 કિલોમીટરનો પ્રવાસ માત્ર 15 મહિનામાં કરી ચૂક્યો છું. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ખૂબ જ પ્રેમ મળ્યો છે. અમે રાજનીતિમાં સત્તા માટે નથી આવ્યા. રાજનેતા પાસે પાવર હોય છે, અમારે એ પાવર પ્રજાનું ભલું કરવા માટે જોઈએ છે. પૂર્ણ બહુમતની સરકાર બનાવવાની અમે સ્થિતિમાં હોઈએ એવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કંઈ પણ ગુમાવવાનું નથી અમે જે મહેનત કરી એનું ફળ ઈશ્વર આપશે. એક બેઠક મળે અથવા સો બેઠક મળે પણ જેવી સ્થિતિ અમારી હશે હારેલા કે જીતેલા તમામ ઉમેદવારો ફરી એકવાર પ્રજાની વચ્ચે જશે અને પ્રજા માટે કામ કરશે. 2027 ની તૈયારીઓ અમે 9 ડિસેમ્બરથી શરૂ કરી દઈશું એ પહેલા વર્ષ 2024 ની લોકસભાની ચૂંટણીમાં પણ અમે તમામ 26 બેઠકો ઉપર ચૂંટણી લડીશું. 8 ડિસેમ્બરે અમે અમારી જીતને લઈ આશ્વસ્થ છીએ અને ફટાકડા તેમજ ગુલાલની તૈયારીઓ કરી લીધી છે. 8 ડિસેમ્બરે અમે રાષ્ટ્રીય પાર્ટી બની જઈશું.
એક્ઝિ પોલ પર કેટલો ભરોસો...
ઈસુદાન ગઢવીએ કહ્યું કે એકઝીટ પોલ ખોટા સાબિત થશે. પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે પણ ભાજપ 150 બેઠક નહોતી મેળવી શકી તો હવે કેવી રીતે મેળવી શકે? ભાજપ સરકારે એવું તો શું કામ કર્યું કે પ્રજા 150 બેઠક તેમને જીતાડશે. ભાજપ 150 બેઠકો જીતે એવી કોઈ શક્યતા નથી આ તમામ એક્ઝિટ પોલ ખોટા પડશે.
આપ ભાજપની બી ટીમ વિશે...
કોંગ્રેસ સતત આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહેતું રહ્યું છે, ચૂંટણી પછી આપના નેતાઓ ગાયબ થઈ જશે એ આક્ષેપ પર ઈસુદાન ગઢવીએ કહ્યું કે અમારે ગુજરાતમાં કંઈ પણ ગુમાવવાનું છે જ નહીં. ગુજરાતની જનતાનાં જે પણ આશીર્વાદ મળશે અમને એ બળ આપશે. જેને જે કહેવું હોય એ કહે 9 ડિસેમ્બરથી જ અમે અમારા કામમાં ફરી જોડાઈ જઈશું. ભાજપને પરસેવો પડી ગયો નાની યાદ આવી ચૂકી છે, ડુપ્લીકેટ સ્કૂલો ભાજપે બનાવવી પડી, સ્કૂલ બની અને બીજા દિવસે ત્યાં સ્કૂલના હોય એવું પણ આપણને જોવા મળ્યુ. સરકારી કર્મચારીઓએ આંદોલનો કર્યા તેમની સેલેરી પણ વધી છે, પ્રજાના તમામ કામ થઈ રહ્યા છે એ જ અમારી સફળતા છે. બેરોજગાર યુવાનો, ખેડૂત, ગરીબ, વંચિત અને શોષિત લોકો માટે સરકારે નિર્ણય કરવા પડ્યા છે એ જ બતાવે છે કે અમે રાજનીતિ કરવા નહીં પણ રાજનીતિમાં બદલાવ કરવા માટે આવ્યા છીએ