ઝી બ્યુરો: આખરે લાંબી ચર્ચા વિચારણા બાદ સરકારે પોલીસકર્મીઓના ગ્રેડ પેમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગ માટે વાર્ષિક 550 કરોડ રૂપિયાનો ભંડોળ મંજૂર કરવામાં આવ્યો છે. ત્યારે, સરકારની આ જાહેરાત બાદ પોલીસ બેડા તેમજ પોલીસ પરિવારમાં ખુશી વ્યાપી ગઈ છે. તમને જણાવી દઈએ કે LRD અને ASIને હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયાનો, પોલીસ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 16 હજાર 400 રૂપિયા કરાયો તો પોલીસ હેડકોન્સ્ટેબલનો પગાર 4 લાખ 95 હજાર 394 રૂપિયા કરવામાં આવ્યો છે. હવે ગુજરાત પોલીસન અધિકારીનો પગાર વધતા ફરી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પોલીસના પગાર વધારા મુદ્દે ગોપાલ ઈટાલિયાએ એક મોટું નિવેદન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોપાલ ઈટાલિયાનું નિવેદન
ગુજરાત પોલીસના પગાર વધારા મુદ્દે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસને વિનંતી છે કે જે આપ્યું છે તે લઈ લઈએ. રાજ્ય સરકારે જે વધારો આપ્યો છે તે હસી ખુશીથી લઈ લઈએ. ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે. ગ્રેડ પે આમ આદમી પાર્ટીની સરકાર આપશે. પોલીસના અધિકારીઓ મફતમાં માંગતા નથી. 


ગોપાલ ઇટલીયાએ ભાજપને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, અગાઉ તમે પોલીસ ગ્રેડ પે મામલે નીલમ મકવાણા અને અન્ય સામે ફરિયાદ કરી, જિલ્લા બદલી કરી તેનું શું? જો પોલીસ કર્મચારીઓની માંગણી સાચી હતી તો કાર્યવાહી કેમ કરી? શું હવે નિર્ણય બદલાશે? કેમ દરવખતે પોલીસ સાથે ભેદભાવ થાય છે. તેમ છતાં ગોપાલ ઈટાલિયાએ પોલીસ મિત્રોને વિનંતી કરી હતી કે જે આપ્યું તે લઈ લો, ગ્રેડ પે અરવિંદ કેજરીવાલ આપશે. 


550 કરોડના ભંડોળ અંગે કોંગ્રેસનું નિવેદન
ગુજરાત પોલીસ વિભાગ માટે 550 કરોડના ભંડોળ અંગે કોંગ્રેસનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે. વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું છે કે, રાજ્યની રક્ષા કરનાર પોલીસકર્મીઓને સરકારે રવડીની ભેટ આપી છે. 11 માસથી પોલીસ કર્મીઓની માંગ ગ્રેડ પેની હતી. પરંતુ સરકારે આવી હાસ્યાસ્પદ જાહેરાત કરી છે. વિધાનસભામાં કોંગ્રેસે પોલીસકર્મીઓને ગ્રેડ પે આપવા માંગ કરી હતી. પરંતુ હાલ રાજ્ય સરકારે ગ્રેડ પે ને બદલે માત્ર એલાઉન્સ આપવામાં આવ્યું છે. સરકારે પોલીસકર્મીઓ અને પરિવારજનો સાથે મજાક કરી છે.


તેમણે ઉમેર્યું હતું કે, એક વર્ષમાં પોલીસ કોન્સ્ટેબલના પગારમાં મહિને 4398 નો વધારો થશે. જ્યારે હેડ કોન્સ્ટેબલનો મહિને માત્ર 4895 નો વધારો થશે. એવી રીતે એએસઆઈનો મહિને 5395 નો વધારો મળશે. પરંતુ જો કોંગ્રેસની સરકાર બનશે તો પહેલી કેબિનેટમાં ગ્રેડ પે ની માંગણી પૂર્ણ કરશે. કોન્સ્ટેબલની 1800થી 2800 કરવાની માંગ હતી. હેડ કોન્સ્ટેબલની 2400 થી 3600 કરવાની માંગ હતી, અને એએસઆઈની 2800 થી 4200 ગ્રેડ પે કરવાની માંગ હતી.


ઉલ્લેખનીય છે કે, હાલ તો ગુજરાત પોલીસનો પગાર વધતાં તેમના પરિવારજનોમાં ખુશીની લહેર ફરી વળી છે. જેના કારણે સુરતમાં પરિવારજનો ગરબે ઘુમ્યા તો વડોદરા અને અમદાવાદમાં મીઠાઈ ખાઈને મોં મીઠું કર્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube