બ્યૂરો રિપોર્ટ, મહેસાણા: મહેસાણા જિલ્લાની ઊંઝા વિધાનસભા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ડો. આશા પટેલ હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ડેન્ગ્યુને કારણે તેમના શરીરના અન્ય અંગોને પણ નુકસાન પહોંચ્યુ હતું. અમદાવાદની ઝાડયસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન આશાબેન પટેલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છેકે, આજે સવારે 10 વાગ્યા સુધી સારવાર દરમિયાન એક તબક્કે આશાબેનની તબિયત સુધારા પર હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ડેન્ગ્યૂના કારણે તેમના પ્લેટ્સ કાઉન્ટ ખુબ ઘટી ગયા હતાં. એજ કારણોસર તેમના લીવર અને કિડનીને માઠી અસર પહોંચી હતી. આજે અમદાવાદની ઝાડયસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બપોરે 1 વાગ્યાની આસપાસ આશાબેન પટેલનું મલ્ટી ઓર્ગન ડેમેજને કારણે નિધન થયું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના અન્ય મંત્રીઓ અને ભાજપના નેતાઓએ ડો.આશાબેન પટેલના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ડો.આશા પટેલ વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ ઊંઝા બેઠક પરથી જંગી મતોથી જીત હાંસલ કરીને ધારાસભ્ય બન્યા હતા. વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર નારણકાક જીતતા આવ્યાં હતાં. ત્યારે ભાજપના ગઢમાં ગાબડું પાડીને ભાજપના દિગ્ગજ નેતાને હરાવીને તેઓ પહેલીવાર વિધાનસભાના સભ્ય બન્યા હતાં. જોકે, ત્યાર બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે નારાજ થઈને આશાબહેન પટેલ ભાજપમાં જોડાયા હતા. વર્ષ 2019માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેમને ઊંઝા બેઠક પરથી ટિકિટ આપી અને આશા પટેલ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ઊંઝા APMCમાં આશા પટેલનું સારું એવું પ્રભુત્વ રહ્યુ હતું. 

 



 


જાણો કોણ છે ડો. આશા પટેલ?
આશા પટેલનો જન્મ 6 સપ્ટેમ્બર 1977ના રોજ થયો હતો. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાંથી તેઓ અનુસ્નાતક થયા હતાં. કેમેસ્ટ્રી વિષયમાં આશાબહેને ડોકટરેટની પદવી મેળવી હતી. એટલું જ નહીં તઓ ખેતીવાડીના વ્યવસાય સાથે પણ જોડાયેલાં હતાં. 2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનીને ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂંટણી લડીને જીતેલા આશા પટેલે આ મત વિસ્તારમાં એક ખાસ સ્થાન બનાવી લીધું હતી. વિપક્ષમાં રહીને પણ તેમણે પોતાના મતવિસ્તારના લોકોના કામો માટે ખુબ અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ તેઓ સત્તાપક્ષના ધારાસભ્ય બન્યા અને પોતાના મતવિસ્તારના અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું. રાજનેતાની સાથો-સાથ આશાબેન એક સામાજિક કાર્યકર તરીકે પણ ખુબ જાણીતા હતાં. તેમણે અનેકવિધ સામાજિક કાર્યો કરીને સંખ્યાબંધ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યુંછે.