આત્મનિર્ભર ગુજરાતઃ પ્રોપર્ટી ટેક્ષ, વીજ બીલ અને વાહન કરમાં માફી સહિત અનેક રાહતો, જાણો તમને શું મળ્યું
માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. ૬૫૦ કરોડ ના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે ૯૨ લાખ વીજ ગ્રાહકોને મળશે.
ગાંધીનગરઃ ગુજરાતને ફરી વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 14 હજાર કરોડ રૂપિયાના આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. સરકારે આ જાહેરાતમાં તમામ વર્ગના લોકોને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. કોરોના વાયરસ અને લૉકડાઉનને કારણે ગુજરાતને થયેલા નુકસાન બાદ અર્થતંત્રને ધબકતું કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
વાણિજ્યિક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેક્સના ચુકવણામાં ૨૦%ની માફી આપવામાં આવશે. રૂપિયા ૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજ્યના અંદાજિત ૨૩ લાખ વાણિજ્યિક એકમોને મળશે. જેમાં શહેરી વિસ્તારના તમામ રહેણાંક મિલકતોના વર્ષ ૨૦૨૦-૨૧ના ભરવાના થતા પ્રોપર્ટી ટેક્સજો ૩૧ જુલાઈ ૨૦૨૦ સુધી ચુકવવામાં આવશે તો ૧૦%ની માફી આપવામાં આવશે. જેનો લાભ અંદાજીત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. ૧૪૪ કરોડની રાહત મળશે.
માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. આથી રૂ. ૬૫૦ કરોડ ના વીજ બીલ માફીનો લાભ રાજ્યના આશરે ૯૨ લાખ વીજ ગ્રાહકોને મળશે.
અંદાજે ૩૩ લાખ વાણિજ્યિક વીજ ગ્રાહકો અને ઉદ્યોગો માટે LT વીજ કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને વીજ બિલમાં મે-૨૦૨૦નો ફિક્સ્ડ ચાર્જ માફ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી કુલ રૂ. ૨૦૦ કરોડનો ચાર્જ માફ કરવામાં આવશે.
આ ઉપરાંત વીજળીનું HT(ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે ૨૦૨૦ના ફિકસ ચાર્જિસનું રૂ. ૪૦૦ કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિક્સ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવે છે.
વિવિધ નાની દુકાનો જેવી કે કરીયાણા, કાપડ, રેડીમેઇડ કપડા, મેડીકલ સ્ટોર, હાર્ડવેર, કલરકામ, પ્રોવિઝનલ સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઇલ શોપ્સ, ગેરેજ, શોપીંગ સેન્ટરો અને મોલમાં આવેલી દુકાનો તેમજ વિવિધ સેવાઓ જેવી કે વકીલો, ચાર્ટેડ એકાઉન્ટ, ટ્રાવેલ એજન્સીઓ, ટાન્સપોર્ટની ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડીઓ, બ્યુટી પાર્લર, સલુન ચલાવતા દુકાનદારોને કોરોના મહામારીના સમયમાં લોકડાઉનના કારણે આવક થઇ ન હતી.
આથી તેમને આર્થિક રાહત આપવાના હેતુથી જુન, જુલાઇ અને ઓગષ્ટના એમ ત્રણ મહિના માટે લાગતો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે. આનો લાભ રાજયના ૩૦ લાખ જેટલા દુકાનદારો / વેપારીઓ / કારીગરોને મળશે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૮૦ કરોડની આર્થિક રાહત આપવામાં આવશે.
લોક ડાઉનના કારણે નાગરિકોને પરિવહન માટે નિયંત્રણ હોવાથી ખાનગી લક્ઝરી બસો (કોન્ટ્રાકટ કેરેજ બસો) તથા જીપ, ટેક્ષી (મેક્સી કેબ)ના વગેરેના ધંધાને ઘણી મોટી અસર થઇ છે. આવા સંજોગોમાં તેમને ૧લી એપ્રિલ-૨૦૨૦ થી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીના ૬ મહિનાના રોડ ટેક્ષ ભરવામાં સંપૂર્ણ માફી આપવામાં આવશે. જે અંતર્ગત ૬૩ હજાર વાહન ધારકોને રૂ. ૨૨૧ કરોડની રોડ ટેક્ષ માફી મળશે.
આ ઉપરાંત રાજ્યના માર્ગ અને મકાન, સિંચાઇ, પાણી પુરવઠા અને નર્મદા જેવા વિભાગોના સરકારી કામો માટે કોન્ટાક્ટરોને હંગામી ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન પ્રોજેક્ટનું કામ બંધ હોવાથી આ દરમિયાન ચાર્જ કરવામાં આવેલ ફિક્સ્ડ વીજ બિલને માફ કરીને રૂ.૫ કરોડની સહાય આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર