ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ અમલમાં છે. જેમાં શાળાઓનું ધો.10 અને 12નું પરિણામ ઓછું આવે તો તેમને ગ્રાન્ટ ઓછી મળે છે. જ્યારે સારૂં પરિણામ આવે તો પૂરેપૂરી ગ્રાન્ટ મળતી હોય છે. આ ગ્રાન્ટ નીતિ સામે સંચાલકોમાં ભારે નારાજગી છે અને તેને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે આ મામલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક જાહેરાત કરી છે. જેમાં પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી દીધી છે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે અગાઉ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની બેઠક મળી હતી. જેમાં પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ ચર્ચા કરવામાં આવ્યા બાદ આ ગ્રાન્ટ અંગે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ બોર્ડના પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવા સંચાલક મંડળની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નહોતો. 


પરંતુ હાલ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે એક મોટી જાહેરાત કરી છે. જેમાં પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ કરી નાંખી છે. જેના કારણે હવે ગ્રાન્ટેડ શાળાઓને 100 ટકા ગ્રાન્ટ મળશે. માધ્યમિક અને ઉ. મા. શાળાઓને પૂરી ગ્રાન્ટ મળશે. અત્યાર સુધી શાળાઓને પરિણામ મુજબ ગ્રાન્ટ મળતી હતી. ધોરણ 10 અને 12ના પરિણામ પ્રમાણે ગ્રાન્ટ મળતી હતી.