જયંતિ સોલંકી, વડોદરા: સામાન્ય રીતે તમે સિનેમા ગૃહમાં પડદા પર હીરો અને વિલન વચ્ચે એક્શન દ્રશ્યો જોયા હશે પરંતુ વડોદરાના એક સિનેમા ગૃહમાં થયું કંઇક એવું કે એક્શન દ્રશ્યો પડદા પર નહીં પરંતુ પડદાની બહાર જોવા મળ્યા હતા. પડદાની બહારના કેટલાક વિલનોએ એવા એક્શન દ્રશ્યો ભજવ્યા કે સિનેમા ગૃહનો જ પડદો ફાટી ગયો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરમાં અસામાજિક તાત્વિને જાણે પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર જ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે તો આવા તત્વોના આતંકથી સિનેમા ગૃહો પણ સુરક્ષિત રહ્યા નથી. કલા નગરી કહેવાતા વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા અલ્પના સિનેમા ગૃહમાં ગઈકાલે મોડી રાત્રે મોટી સંખ્યામ નાગરિકો એક્શનથી ભરપૂર KGF ચેપ્ટર 2 મુવી નિહાળવા પોહોંચ્યાં હતા. દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ સિનેમા ગૃહને માથે લેતા સંચાલકોએ શો કેન્સલ કરવાની ફરજ પડી હતી.


KGF ચેપ્ટર 2 મુવી એક્શનથી ભરપૂર હોવાથી ગઈકાલે રાતનો શો હાઉસફુલ હતો. દરમિયાન ત્રણથી ચાર ઈસમો સિનેમા ગૃહમાં આવ્યા હતા. થોડી વારમાં ટીકીટ ચેકરે ટીકીટ ચેક કરી આ તમામને પોતાને નિયત કરેલી સીટ પર બેસવા જણાવ્યું હતું. દરમિયાન આ તોફાની તત્વો રોષે ભરાયા હતા અને સિનેમા ગૃહને માથે લઈ ટીકીટ ચેકરને ફટકાર્યો હતો.


સિનેમા ગૃહના મેનેજરે સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે આ તમામ લોકો દ્વારા સિનેમા ગૃહની સીટો તેમજ ઓપરેટર રૂમના દરવાજાની તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં વિફરેલા આ ટોળાએ સિનેમા ગૃહનો પડદો 18 ફુટ સુધી ફાડી નાખ્યો હતો. તોફાની ટોળાએ ધમાલ મચાવતા દર્શકોમાં નાસભાગ મચી હતી. સંચાલકોએ જેમતેમ મામલો થાળે પાડી શો કેન્સલ કરવો પડ્યો હતો અને તમામ દર્શકોને ટીકીટના પૈસા પરત કરી વાડી પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


તોફાની તત્વોએ સિનેમા ગૃહ માથે લઈ લાખોનું નુકસાન પોહચાડતા વાડી પોલીસે સંચાલકોની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે પોલીસે ચકાશેલા સીસીટીવી ફૂટેજમાં કેટલાક તોફાનીઓની કરતૂટ કેમેરામાં કેદ થઈ હતી અને તેઓ એ જે વાહનનો ઉપયોગ કર્યો હતો તેનો નંબર પણ પોલીસને મળી આવ્યો છે. ત્યારે વાડી પોલીસે અજાણ્યા તોફાની તત્વોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube