પોલીસની મંજૂરી વગર થર્ટી ફર્સ્ટની ઉજવણી કરનાર સામે થશે કાર્યવાહી, અમદાવાદમાં એકપણ કાર્યક્રમને નથી મળી મંજૂરી
એક તરફ રાજ્યના લોકો નવા વર્ષના વધામણા કરવા તૈયાર છે, તો બીજીતરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ પણ સજ્જ થઈ રહી છે. રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પોલીસની મંજૂરી હશે ત્યાં જ થઈ શકશે, મંજૂરી વગર કાર્યક્રમ યોજાશે તો પોલીસ કાર્યવાહી કરશે.
ગાંધીનગરઃ આજે 31મી ડિસેમ્બર છે એટલે કે રાજ્યભરમાં નવા વર્ષના વધામણા કરવા ઉજવણીઓ થશે. મહાનગરોમાં ઘણી જગ્યાએ પાર્ટીઓના આયોજન પણ થયા છે. લોકો વર્ષ 2024ને વિદાય આપવા અને નવા વર્ષ 2025ના વધામણા કરવા આતૂર છે. તેવામાં ગુજરાત પોલીસે સ્પષ્ટ સૂચના આપી છે કે મંજૂરી વગર 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે. એટલે કે જે જગ્યાએ પાર્ટીના આયોજન માટે પોલીસને મંજૂરી લીધી હશે ત્યાંજ ઉજવણી થઈ શકશે.
૩૧મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં પોતાના જિલ્લામાં જાહેર માર્ગો તેમજ એન્ટ્રી-એક્ઝીટ પોઇન્ટ પર બ્રીથ એનેલાઇઝર સાથે સઘન ચેકીંગ કરવા ઉપરાંત તમામ ડીજે નાઇટ ઇવેન્ટ સંચાલકો સાથે બેઠક યોજી જરૂરી તકેદારી રાખવા અંગે સમજ આપવા સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત પોલીસની પરવાનગી વિના થર્ટી ફર્સ્ટમાં ડી.જે નાઈટની ઉજવણી કરતા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા ઉપરાંત કોઈપણ પ્રકારની પ્રોહિબિશન કે નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવે તો કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વર્ષના છેલ્લા દિવસે પોલીસકર્મીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, 240 ASIની PSI તરીકે બઢતી
રાજ્યના પોલીસ વડાની સૂચના અનુસંધાને રાજ્યના તમામ શહેર/જિલ્લાઓમાં હોટેલ/ગેસ્ટ હાઉસ/ફાર્મ હાઉસ/પાર્ટી પ્લોટના માલિકો સાથે શહેર/જિલ્લાના પોલીસ અમલદારોએ બેઠક કરી છે. જેમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે કે, પોતાની ઇવેન્ટ પ્લેસ ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવશે કે ચેકીંગ દરમિયાન કોઈપણ પ્રકારની પ્રોહિબિશન તથા નાર્કોટીક્સ અંગેની ચીજવસ્તુ મળી આવશે તો સંચાલક સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પરવાનગી વિના કોઈ પણ સંચાલક ન્યુ યર અનુસંધાને મ્યુજીકલ નાઈટ અથવા ઈવેન્ટ/પરફોર્મન્સનું આયોજન કરી શકશે નહિ. સલામતીના કારણોસર સંચાલકો પાસેથી એ માહિતી પણ લેવામાં આવી છે કે, કાર્યક્રમમાં અંદાજીત કેટલા વ્યક્તિઓ એકત્ર થઇ શકે એમ છે.
તમામ પોલીસ કમિશનર તથા પોલીસ અધીક્ષકઓએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે પ્રોહીબીશન તથા નાર્કોટીક્સ અંગે કડક ચેકિંગ તથા ટ્રાફીકની વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે માટે એક્શન પ્લાન બનાવી દીધા છે.
અમદાવાદમાં એકપણ આયોજનને મંજૂરી નહીં
પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદ પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે હજુ એક પણ આયોજનને મંજૂરી આપી નથી. અમદાવાદમાં કુલ 16 જેટલા આયોજકોએ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંજૂરી માગી હતી, પરંતુ હજુ સુધી કોઈ મંજૂરી મળી નથી. પોલીસ વિભાગમાં તમામ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ મંજૂરી મળશે.