વડોદરા નજીક છે રીંછોનું સરનામું, રીંછોને ગામમાં આવી જતા રોકવા વનવિભાગે અપનાવી અનોખી ટ્રીક
વડોદરાએ દક્ષિણ અને પૂર્વ ના જંગલોનું પ્રવેશ દ્વાર છે અને આનંદની વાત છે કે આપણા બાળકોના પ્રિય એવા ૫૪ જેટલાં રીંછ મામા નજીકના છોટાઉદેપુર (કેવડી/ડોલરિયા) અને પાવીજેતપુર(કુંડળ)ના જંગલ વિસ્તારોમાં રહે છે. જ્યારે રતન મહાલ,દાહોદ(સાગટાળાં) અને જાંબુઘોડાના જંગલોમાં પણ રીંછનો વસવાટ છે.
વડોદરા: રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી...બાળ ગીતો અને જોડકણાંઓમાં રીંછ મામાને ખૂબ લાડ લડાવવામાં આવ્યાં છે.આ રીંછ મામા આમ તો ઊંડા જંગલમાં રહે એટલે કહેવું પડે કે મામા ( રીંછ)નું ઘર કેટલે..તો જવાબ મળે કે ઘોર જંગલમાં ગુફા દેખાય એટલું.
વડોદરા નજીક રીંછોનું સરનામું
વડોદરાએ દક્ષિણ અને પૂર્વ ના જંગલોનું પ્રવેશ દ્વાર છે અને આનંદની વાત છે કે આપણા બાળકોના પ્રિય એવા ૫૪ જેટલાં રીંછ મામા નજીકના છોટાઉદેપુર (કેવડી/ડોલરિયા) અને પાવીજેતપુર(કુંડળ)ના જંગલ વિસ્તારોમાં રહે છે. જ્યારે રતન મહાલ,દાહોદ(સાગટાળાં) અને જાંબુઘોડાના જંગલોમાં પણ રીંછનો વસવાટ છે.
આંબાખૂંટમાં રીંછના હુમલામાં એક ગામવાસી ગંભીર રીતે ઘવાયો
આ ઘટના અંગે સંવાદ કરતાં છોટાઉદેપુર વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો.ધવલ ગઢવીએ જણાવ્યું કે ઘર નજીક આવેલી બોરડી પાસે એ વ્યક્તિનો રીંછથી એકાએક સામનો થયો અને તેણે હુમલો કર્યો એવું અમારું અનુમાન છે કારણકે રીંછને ખટમીઠ્ઠા બોર ખૂબ ભાવે છે અને બોરડીઓ મોટેભાગે જંગલ વિસ્તારના ગામવાસીઓના ઘર આંગણે આવેલી હોવાથી શિયાળામાં બોરની લાલચે રીંછ માનવ વસ્તીવાળા વિસ્તારોમાં પ્રવેશે છે. ઘટના બની ત્યાં આવેલા ૫ થી ૬ ઘરો નજીક બોરના વૃક્ષો આવેલા છે અને હાલમાં ખૂબ બોર લાગ્યા છે.આ હુમલા પાછળ બોર ખાવાની લાલચ એક સંભવિત કારણ ગણાય.આ ગામની નજીકના જંગલોમાં ૫/૬ રીંછોનો વસવાટ હોવાનું અનુમાન છે.
જંગલમાં બોરના વાવેતર અને ઊછેરનું આયોજન
આંબાખૂંટની ઘટના કમનસીબ છે અને ઇજાગ્રસ્ત ને વન ખાતાના નિયમો પ્રમાણે વળતર આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવી જાણકારી આપતાં ડો.ધવલે જણાવ્યું કે શિયાળામાં રીંછ બોર થી આકર્ષાઈને ગામોમાં પ્રવેશે છે એવા પાક્કા અનુમાન અને નિરીક્ષણને આધારે છોટાઉદેપુર વન વિભાગ ઊંડા જંગલોમાં જ્યાં રીંછની ગુફાઓ(રહેઠાણ) આવેલી છે તેની આસપાસ અને અવર જવરના રસ્તાઓ પર અને પાણી પીવાની જગ્યાઓની આસપાસ બોરના તેમજ ફળાઉ વૃક્ષો વાવવા અને ઉછેરવાનું આયોજન કર્યું છે અને તેની સૂચના વન અધિકારીઓને આપી છે.જેના થી ભવિષ્યમાં માનવ - વન્ય પ્રાણી સંઘર્ષ ટાળી શકાશે એવી આશા છે.
રીંછનું ફળાહારનું મેનુ
આ પ્રાણી મુખ્યત્વે મિશ્ર આહારી છે. એટલે એને બોર ઉપરાંત મહુડાના ફૂલ, જાંબુ,કેવડી વિસ્તારમાં મળતાં ઉંબના ફળ, ગરમાળાની સિંગો,ગુલમહોર ના ફૂલ અને ટીમરવા નામે ઓળખાતા ટીમરૂ ના ફળ એની ભાવતી વાનગી છે. આ પૈકી બોરડી મોટેભાગે ગામોમાં જોવા મળે છે અને જંગલોમાં ભાગ્યેજ હોય છે.જ્યારે મહુડાના વૃક્ષો ગામોની સાથે આરક્ષિત જંગલવિસ્તારમાં મોટી સંખ્યામાં છે એટલે ઉનાળામાં ફૂલ ગરવાની મોસમમાં રીંછનું જોખમ ઓછું રહે છે.
રાજ્ય સરકારે વન્ય પ્રાણીઓના હુમલામાં અવસાન કે ઇજાના કિસ્સાઓમાં મળવાપાત્ર વળતરના દરો સુધાર્યા
રાજ્ય સરકારે તાજેતરમાં ખૂબ સંવેદનશીલતા દાખવીને વન્ય પ્રાણીઓના હુમલામાં મરણના કિસ્સામાં મૃતકના પરિવારને મળવાપાત્ર તથા ઇજાના કિસ્સામાં સંબંધિત વ્યક્તિને મળવાપાત્ર સહાયની રકમમાં સારો એવો વધારો કર્યો છે. તેની સાથે આવા હુમલાઓ થી પશુ મરણ અને ઇજાના કેસોમાં મળવાપાત્ર વળતર વધાર્યું છે. આ ઉપરાંત આ યોજના હેઠળ અત્યાર સુધી વાઘ,સિંહ,દીપડો,રીંછ અને મગર એ પાંચ વન્ય જીવો દ્વારા હુમલાના કેસો જ મરણ કે ઇજાની સહાયને પાત્ર હતા.હવે તેમાં વરુ,ઝરખ અને જંગલી ભૂંડના હુમલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રીંછના હુમલાથી કેવી રીતે બચી શકાય
- જે ગામોની આસપાસના જંગલોમાં રિંછો નો વસવાટ છે ત્યાંના લોકોએ ખાસ કરીને વહેલી સવારના ૫ થી ૭ વાગ્યાના આછા અજવાળામાં અને સાંજના ચાર વાગ્યા પછી ઉતરતા અંધારે અને રાત્રે જંગલોમાં જવાનું ટાળવું જોઈએ.
- જો અનિવાર્ય રીતે જવું પડે તો હાથમાં ટોર્ચ અને સ્વ બચાવ માટે લાકડી સાથે રાખવી અને એકલા જંગલમાં ન જતાં બે ત્રણ જણના ટોળામાં જવું અને સતત મોટા અવાજે વાત કરવી.શૌચ ક્રિયા માટે ઘણાને જંગલમાં જવાની આદત હોય છે.
- ઘર શૌચાલય બનાવી તેનો ઉપયોગ કરવો અને આ આદત છોડવી જરૂરી છે અને જવું જ પડે તો પૂરતું અજવાળું થાય પછી જ જવું.
જન જાગરણ સભાઓ
વન વિભાગ આ પ્રકારની તકેદારીઓ નું લોક શિક્ષણ આપવા એ વિસ્તારના ગામોમાં જન જાગરણ સભાઓ પણ યોજે છે. મધ્ય અને પૂર્વ મધ્ય ગુજરાતના જંગલોમાં વસ્તીવાળા ગામો આવેલા છે.એટલે માનવ - પ્રાણીનો સંઘર્ષ ટાળવો જરૂરી છે.વન વિભાગ પ્રાણીઓની પ્રકૃતિ સમજીને જંગલોમાં પાણીની વ્યવસ્થા,જંગલી ફળાઉ વૃક્ષો નો ઉછેર જેવા પગલાં લે છે.જો કે નિર્દોષ વન્ય જીવોને સરહદની સમજ હોતી નથી. માણસને વન્ય જીવોની ખાલ, નખ,દાંત જેવા અંગોની લાલચ હોય છે.જો કે આ જીવોને માણસની આંખો,હાથ પગ,હૃદય,કિડની કે ચામડું - ખાલ ની લાલચ નથી હોતી.હા, માણસનો અચાનક સામનો થઈ જાય તો એ પોતાનો જીવ બચાવવા હુમલો કરી બેસે છે.એટલે જરૂરી સાવચેતી રાખવાથી જંગલમાં સલામત રહી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube