સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો, શિક્ષક પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું કે....
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ધોરણ 12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. સાથી વિદ્યાર્થીની આત્મહત્યા બાદ આજે શાળાના 500 કરતા વધુ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન પહોંચી સૂત્રોચ્ચાર કર્યાં હતા અને તપાસની માંગ કરી હતી.
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં આવેલા મઉ ટાંડા ગામ રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતો દીપક વણઝારા નામના વિદ્યાર્થીએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત વિગત અનુસાર મઉ ટાંડા ગામમાં રહેતો દીપક શાળાએ ગયો હતો પરંતુ ત્યારબાદ ઘરે પહોંચ્યો નહીં. ઘરે ન પહોંચતા વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેવામાં હાથમતી ડેમ પાસેથી યુવકનું એક્ટિવા અને સ્કૂલબેગ મળી આવ્યું હતું.
આ ઘટનાની જાણ ભિલોડા પોલીસ અને મોડાસા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા આશરે 17 કલાક સુધી ડેમમાં ડૂબેલા વિદ્યાર્થીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે આ વિદ્યાર્થી મૃત હાલતમાં મળી રહ્યો હતો. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પરંતુ સ્કૂલના વિદ્યાર્થીના મોત બાદ શાળાના અન્ય વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે સ્કૂલના વિદ્યાર્થીઓ ભેગા થઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના એક શિક્ષક પર આરોપ લગાવતા કહ્યું કે શિક્ષક દ્વારા વારંવાર દીપકનું અપમાન કરવામાં આવતું હતું.
શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક દ્વારા દીપકને અપમાનિત કરતા તેણે આપઘાત કર્યો હોવાના આક્ષેપો કર્યાં હતા. સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દીપકને ન્યાય આપો અને શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવાના નારા પણ લગાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
પ્રાપ્ત વિગત અનુસાર મૃતક યુવકનું નામ દીપક વણઝારા હતું. તે ભિલોડા તાલુકાના મઉટાંડા ગામનો રહેવાસી છે. દીપક પ્રેરણા વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. બે દિવસ પહેલા તે શાળાએથી છૂટી ઘરે પહોંચ્યો નહીં. ત્યારબાદ તપાસ કરતા તેનું બેગ અને સ્કૂટર ડેમ પાસેથી મળી આવ્યા હતા. ત્યારબાદ ડેમમાં શોધખોળ કરતા દીપકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મૃતક દીપકને ન્યાય મળે તે માટે શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ ભિલોડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા.
મૃતક વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા કરી માંગ
પ્રેરણા હાઈસ્કૂલ ભિલોડામાં અભ્યાસ કરતા આશરે 500 કરતા વધુ વિદ્યાર્થીઓ આજે રેલી સ્વરૂપે ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવતા કહ્યું કે શાળાના શિક્ષક કેડી ભુધરાની હેરાનગતિને કારણે દીપકે આપઘાત કર્યો છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે દીપક જ્યારે ધોરણ 11માં અભ્યાસ કરતો હતો ત્યારથી તેને ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું. વિદ્યાર્થીઓએ યોગ્ય તપાસ કરી દીપકને ન્યાય અપાવવાની માંગ કરી હતી.