સુરતમાં કાપડ ઉદ્યોગ ખૂલ્યો તો ખરો, પણ કામ નથી, આમતેમ ભટકી રહ્યાં છે કારીગરો
- સુરતમાં કામકાજ શરૂ થયા છે એવું જાણીને મોટી સંખ્યામાં કારીગર વર્ગ વતનથી પરત થયો છે અને અત્યારે કામકાજ મેળવવા માટે ભટકી રહ્યો છે
- જો આ જ પરિસ્થિતિ રહેશે તો, બેકાર કારીગરો વતન ઉપડી જશે તેવી ભીતિ સેવાઇ રહી છે
ચેતન પટેલ/સુરત :કોરોના કાળને લઈને સૌથી વધુ માઠી અસર કાપડ ઉધોગ (textile industry) પર પડી છે. કોરોનાના કારણે મોટાભાગના કામદારો પોતાના વતન જતા રહ્યા હતા. જોકે હાલ કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થયો છે, ત્યારે કામદારો ફરીથી સુરત (Surat) તરફ આવી પહોંચ્યા છે. જોકે હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, કામદારોને વેપારીઓ નોકરી પર નથી રાખી રહ્યા. કારણ કે હાલ કોઈ પણ પ્રકારની ખરીદી માર્કેટમાં નથી. જેથી કામદારોને પગાર ચૂકવવા તથા અન્ય ખર્ચાઓ માટે વેપારીઓ પાસે પૈસા નથી. હાલ કેટલાક કારીગરો બેકાર બન્યા છે, તો કેટલાક લોકો અડધા પગારે નોકરી પર રહેવા મજબૂર બન્યા છે.
કાપડ ઉદ્યોગમાં કામ નથી મળતુ, કારીગરો કામ માટે આમતેમ ભટકે છે
કોરોના સંક્રમણની અસર ઘટ્યા પછી, કાપડ માર્કેટ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગ (textile industry)નો ધમધમાટ વધતાં વતનથી કારીગરોએ આવવાનું શરૂ કર્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં કારીગરો સુરત પરત ફર્યા છે. જોકે, વેપાર-ધંધામાં હજુ સુધારો ન હોવાને કારણે કારીગરોને રોજગારી મેળવવાનું અઘરું બન્યું છે. કાપડ બજાર સાથે સંકળાયેલા કારીગર મજૂર વર્ગની હાલત સૌથી વધુ ખરાબ છે. સુરતમાં કામકાજ શરૂ થયા છે એવું જાણીને મોટી સંખ્યામાં કારીગર વર્ગ વતનથી પરત થયો છે અને અત્યારે કામકાજ મેળવવા માટે ભટકી રહ્યો છે. વેપારીઓ તરફથી પાર્સલોનું ડિસ્પેચીગ ખૂબ જ ઓછું છે અને સ્વાભાવિક રીતે જ તેની અસર કટીંગ-ફોલ્ડીગ અને પાર્સલના પેકિંગ પર પડી છે.
કારીગરોને ઓછું વળતર ચૂકાવાય છે
જો સામાન્ય દિવસની વાત કરીએ તો કાપડ માર્કેટમાં કટીંગ પેકિંગના રુ. 400થી 500 ચૂકવવામાં આવતા હોય છે. અત્યારે કામકાજ ઓછાં હોવાને કારણે મજૂરોની સંખ્યા ઘટાડવાની સાથોસાથ વેતન રુ.300-350 ચૂકવવામાં આવે છે. વેપારીઓ પાસે ખૂબ જ કામ હોય અને ઓર્ડર પૂરા કરવાના હોય ત્યારે મજૂરોને 600થી 800 ચૂકવવામાં આવે છે. વતન ગયેલાં કારીગરો ખૂબ જ મોટી સંખ્યામાં પરત થયા છે અને અત્યારે કામકાજ માટે આમતેમ ભટકી રહ્યાં છે. કાપડ માર્કેટ ઉપરાંત એમ્બ્રોઇડરી એકમોમાં પણ કારીગરો પાસે કામ નથી. વતનથી આવેલા મોટાભાગના કારીગરોને હજુ સુધી નોકરી મળી નથી. ત્યારે બીજી તરફ કેટલાક કારીગરો એવા છે કે સુરત આવ્યા બાદ પોતાનો ખર્ચો કરવા માટે તેઓ અડધા પગારે પણ નોકરીએ લાગી ગયા છે.
આ સ્થિતિ રહેશે તો કારીગરો ફરી વતન જતા રહેશે
વિવિંગ એકમની જો વાત કરીએ તો, હાલની પરિસ્થિતિ તેમની પણ ખૂબ જ ખરાબ છે. પહેલા 35 જેટલા કામદારો એક જ યુનિટમાં કામ કરતા હતા. જો કે માર્કેટમાં ખરીદી ઓછી રહેતા હાલ માત્ર 15 જેટલા કારીગરો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત સપ્તાહમાં 2 દિવસ રજા પણ આપવામાં આવી રહી છે. કારીગરોની સંખ્યા વધી ગઈ છે અને તેની તેની સામે કામ મળતું નથી. જો આ જ પરિસ્થિતિ રહેશે તો, બેકાર કારીગરો વતન ઉપડી જશે તેવી ભીતિ સેવાઇ રહી છે.