અતુલ તિવારી/અમદાવાદ: મહેસાણા: અર્બુદા સેનાના સ્થાપક અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. દૂધસાગર ડેરીમાં બોગસ વ્યવહાર મામલે વિપુલ ચૌધરી સામે કાર્યવાહી થઈ છે. આ ધરપકડ બાદ હવે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ પત્રકાર પરીષદ કરીને સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસીબીના જોઇન્ટ ડાયરેક્ટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષની ધરપકડ કરવામાં આવી છે. વિપુલ ચૌધરીએ સમગ્ર ગેરરીતિ વર્ષ 2005 થી 2016 વચ્ચે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં થઈ હતી. બોગસ કંપનીઓ બનાવીને ગેરરીતિ આચરવામાં આવી હતી અને કેટલીક કંપનીઓમાં વિપુલ ચૌધરીનાં પત્ની અને પુત્ર પણ ડાયરેક્ટર તરીક છે. 


વિપુલ ચૌધરી પર સૌથી મોટો આરોપ લગાવતા ACB તરફથી કહેવાયું કે, મિલ્ક કુલરની ખરીદીમાં આ ગોટાળો કરવામાં આવ્યો છે અને મિલ્ક કુલરની ખરીદીના નિયમો નેવે મુકીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ સાથે 485 કરોડના બાંધકામના ટેન્ડરના નિયમો પણ તોડવામાં આવ્યા હતા. આ સાથે વિપુલ ચૌધરીએ પોતાના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ માટે રોકાયેલ વકીલનો ખર્ચ પણ દૂધ સાગર ડેરી પર નાંખ્યો હતો. વિપુલ ચૌધરીએ સાગર દાણના બારદાનની ખરીદીમાં 13 લાખની ગેરરીતિ કરી હોવાનો આરોપ પણ ACBએ મુક્યો છે.


વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન હતા એ સમયે અનેક ગેરરીતિઓ તેમના દ્વારા આચરવામાં આવી હતી. ACB તરફથી અંદાજે 800 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યાની ફરિયાદ દાખલ થઈ છે. વર્ષ 2005 થી 2016 સુધી વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે કાર્યરત હતા. વિપુલ ચૌધરીનાં કાર્યકાળ દરમિયાન મહેસાણા દૂધ ઉત્પાદન સંઘમાં આર્થિક ગેરરીતિઓ આચરી હતી. આર્થિક ગેરરીતિઓને સેટ કરવા મની લોન્ડ્રિંગ થઈ હતી. વિપુલ ચૌધરી, તેમની પત્ની ગીતાબેન અને પુત્ર પવન તેમજ વિપુલ ચૌધરીના સીએ શૈલેષ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગત મોડી સાંજે વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષનેની ધરપકડ કરાઈ છે.  


વિપુલ ચૌધરી દ્વારા 31 કંપનીઓ ખોલીને ગેરરીતિ આચરવામાં આવી, આ કંપનીમાં તેમના પુત્ર અને પત્ની ડાયરેક્ટર તરીકે રજિસ્ટર્ડ થયા છે. વિપુલ ચૌધરીને દૂધ સાગર ડેરીમાં તેમના કાર્યકાળમાં મિલ્ક કૂલરની ખરીદીમાં ગેરીરિત આચરી હતી. સરકાર દ્વારા ખરીદી માટે નિયત કરાયેલી પદ્ધતિનું ઉલ્લંઘન કરાયું હતું. વિપુલ ચૌધરી દ્વારા તેમના કાર્યકાળમાં ટેન્ડરિંગ કર્યા સિવાય રૂપિયા 485 કરોડનું બાંધકામ કરાયું હતું. તેમના કાર્યકાળ દરમિયાન દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે તેમને હટાવ્યા ત્યારે ડેપ્યુટી સેક્રેટરી, અપીલ સમક્ષ તેમણે રિવિઝન અરજી કરી હતી. અપીલ દરમિયાન વકીલનો ખર્ચ મહેસાણા દૂધ ઉત્પાદન સંઘના ચોપડે કર્યો હતો.


વિપુલ ચૌધરીને ઓછા ભાવે બારદાન આપતી એજન્સીના બદલે મોંઘી એજન્સી રાખી 13 લાખ રૂપિયાની ગેરરીતિ કરી હતી. હોર્ડીગ્સ માટે લોઅર રેટને બદલે અપર રેટની એજન્સીને કામ સોંપ્યું હતું. આ તમામ ગેરરીતિની રકમ સેટલ કરવા 31 કંપનીઓ વિપુલ ચૌધરીએ રજિસ્ટર્ડ કરાવી હતી. ખોટા દસ્તાવેજનાં સહારે કંપનીઓ રજિસ્ટર્ડ કરાવવામાં આવી હતી. આ કંપનીઓના નામે એકાઉન્ટ ખોલાવી નાણાં ટ્રાન્સફર કર્યા અને મની લોન્ડ્રીંગ વિપુલ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સાથે સંપર્કમાં છીએ અને તપાસ કરી રહ્યા છીએ. 


વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન હતા ત્યારે ડેરીના ઓડિટ માટે વિવાદ સર્જાયો હતો. જિલ્લા રજિસ્ટ્રાર તરફથી કરાતા ઓડિટ માટે હાઈકોર્ટે આદેશ આપતા ઓડિટ થયું હતું. સ્પેશિયલ ઓડિટ માટે બે ટીમની રચના થઈ હતી. ટીમ એ અને ટીમ બીને 14 - 14 એમ કુલ 28 ગેરરીતિઓ કરાઈ હોવાનો રિપોર્ટ રજૂ થયો હતો. એપ્રિલ 2022 માં સ્પેશિયલ ઓડિટનો રિપોર્ટ હોમ ડિપાર્ટમેન્ટમાં આપવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને રિપોર્ટ મળતા મની લોંડરિંગ થયાનું સામે આવ્યું હતું. ત્યારબાદ સહકાર વિભાગના અધિકારી દ્વારા ACB માં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે કાર્યવાહી શરૂ કરાઇ છે.


700 જેટલા મિલ્ક કૂલર ખરીદ્યાં હતાં
વિપુલ ચૌધરીના શાસનમાં વર્ષ 2008થી 2012 દરમિયાન વિવિધ સહકારી મંડળીઓ માટે 700થી વધુ મિલ્ક કૂલરની બલ્કમાં ખરીદી કરવામાં આવી હતી. આ મિલ્ક કૂલરની ખરીદીમાં રાજ્ય સરકાર 80 ટકા સબસિડી આપતી હતી. કૃષિ વિભાગ દ્વારા સમગ્ર યોજના બહાર પાડવામાં આવી હતી ત્યારે મિલ્ક કૂલરની જથ્થાબંધ ખરીદી દરમિયાન વિપુલ ચૌધરીએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે.


વિપુલ ચૌધરી પર શું છે આરોપ?


  • દૂધસાગર ડેરીના ચેરમેન સમયે કૌભાંડ કર્યાનો આરોપ

  • 500 કરોડથી વધુના કૌભાંડ કર્યાનો આરોપ

  • ટેન્ડર વગર જ કોન્ટ્રાક્ટ આપ્યાનો આક્ષેપ

  • પશુપાલકોના પૈસા 25 ખાનગી કંપનીને આપ્યાનો આરોપ

  • પશુપાલકોના પૈસા વિદેશ પણ મોકલ્યાનો આરોપ

  • અમેરીકાના ટેક્સાસમાં બંગલો ખરીદ્યો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube