જયેશ દોશી/નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરી માં કરવામાં આવી હતી. આ આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને આજે પણ દેશી દારૂનો નૈવેધ કરવાનો હતો. પૂજા દરમ્યાન એક લિલી બોટલમાં દેશી દારૂ હતો, જે પૂજા માટે મંત્રી સહિત મહાનુભાવોને આપવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોઈ ભૂલમાં આ દેશી દારૂનો પડીયો ચરણામૃત સમજી મોઢે માડી દીધો હતો અને વિમાસણમાં મુકાયા હતા. ત્યારબાદ બાજુમાં ઉભેલા વ્યક્તિએ મંત્રીને કહ્યું કે, આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે, ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાઇ અને સ્વીકાર કર્યો કે મારી ભૂલ થઈ હું અજાણ હતો. 



રાઘવજી પટેલે મીડિયા સમક્ષ આ અંગે કહ્યું હતું કે મને અહીંની પરંપરાઓ વિશે વધુ જ્ઞાન નથી. અહીની વિધિઓ અને રિવાજોથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃતને હાથમાં આપતા હોય છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ એ હકીકતમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું.


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે સરકારે મોટી પહેલ કરી છે, આજે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ છે.