બેખૌફ બન્યા ગુજરાતના ગુનેગારો, રિલિફ રોડ પર સામ-સામે ફિલ્મી સ્ટાઇલમાં ફાયરિંગ
અમદાવાદના રિલીફ રોડ પાસે આવેલી હનુમાન ગલી પાસે ફાયરિંગ ઘટના સામે આવી છે. આ ફાયરિંગ અંગત અદાવતમાં કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે
મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરમાં ક્રાઇમનો ગ્રાફ દિવસે ને દિવસે ઉંચો જતો જાય છે. હજુ 24 કલાક પહેલાં શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ફાયરિંગની ઘટનાની શાહી સુકાઇ નથી. ત્યાં તો અમદાવાદના ધમધમતા વિસ્તારમાં વધુ એક ફાયરિંગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદનાં રિલીફ રોડ પર સામસામે ફાયરિંગની ધટના બની છે. મહત્વનું છે કે મયુદ્દીન મેમણ નામનાં બિલ્ડર સાંજનાં સમયે હનુમાનગલી પાસે બેઠા હતા તે સમયે ઈલ્યાસ સૈયદ નામનો યુવક પોતાની સાથે અન્ય 3 યુવકનો લઈને અચાનક આવી પહોંચ્યો હતો. અને જોતજોતામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. સામે વેપારીએ પોતાની લાઈસન્સ વાળી રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતુ. ત્યારે હથિયાર સાથે આવેલા તમામ ઈસમો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.
આ ધટનાની જાણ થતા ડીસીપી સહિત કારંજ પોલીસને અને ક્રાઈમબ્રાંચનો કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મયુદ્દીન મેમણનો જુહાપુરામાં આવેલો ફ્લેટ ઈલ્યાસ સૈયદને બે મહિનાં માટે ભાડે આપ્યો હતો.તે ફ્લેટ ખાલી કરવા બાબતે મયુ મેમણ સાથે તકરાર થઈ હતી. જેથી ઈલ્યાસ સૈયદે વેપારીને ફોન પર ધમકી આપતા બે દિવસ પહેલા કાંરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ત્યારે આ બાબતની અદાવત રાખીને ફાયરિંગ કરાયું હોવાનું ખુલ્યું છે. ફાયરિંગની ધટના બનતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે પોલીસે આસપાસનાં સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube