અમદાવદ સિવિલમાં ત્રણ દિવસથી ચાલતી ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોની હડતાળ સમેટાઇ
અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ખાનગી એમ્બ્યુલન્સચાલકો દ્વારા કરવામાં આવેલી હડતાલનો ત્રીજા દિવસે સુખદ અંત આવ્યો છે.
અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ખાનગી એમ્બ્યુલન્સચાલકો દ્વારા કરવામાં આવેલી હડતાલનો ત્રીજા દિવસે સુખદ અંત આવ્યો છે. સિવિલ હોસ્પીટલમાં આવેલા પીએમરૂમની સામેના ભાગે ખાનગી એમ્બ્યુલન્સચાલકો દ્વારા વર્ષોથી તેમની એમ્બ્યુલન્સ પાર્ક કરાતી હોવાના મામલે સિવિલ તંત્ર અને ખાનગી એમ્બ્યુલન્સચાલકો વચ્ચે મતભેદ સર્જાયા હતા. જેના પરિણામે બે દિવસ અગાઉ 'નો પાર્કિંગ'માં પડી રહેલી ખાનગી એમ્બ્યુલન્સને પોલીસ દ્વારા લોક મારવામાં આવ્યા હતા.
ત્યારબાદથી જ ખાનગી એમ્બ્યુલન્સચાલકો હડતાલ પર ઉતરતા દર્દીઓ માટે મુશ્કેલી સર્જાઈ હતી. જેને લઈને આજે સિવિલ હોસ્પીટલના એડીશનલ સુપ્રીટેન્ડન્ટ અને ખાનગી એમ્બ્યુલન્સચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી જેનું સુખદ પરિણામ આવતા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોએ હડતાલ સમેટવાનો નિર્ણય કર્યો છે.
સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલી બેઠકમાં સિવિલ હોસ્પીટલના એડીશનલ સુપ્રીટેન્ડન્ટે પાર્કિંગના મામલે કડક વલણ અપનાવતા અગાઉની જેમ જ ખાનગી એમ્બ્યુલન્સચાલકોને 1200 બેડના પાર્કિંગની સિવિલ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા સ્થળે જ પાર્કિંગ ફરજીયાત કરવા જણાવ્યું હતું. તેમજ કેન્સર અને કિડની હોસ્પિટલની આસપાસ ખાનગી એમ્બ્યુલન્સને પ્રવેશ પણ નહીં આપવામાં આવે તેવું સ્પષ્ટ કર્યું હતું.
વધુ વાંચો...ટ્રાફિક પોલીસની ડ્રાઇવ: રોન્ગ સાઇડમાં વાહન ચલાવ્યું તો થઇ જશો જેલ ભેગા
ભવિષ્યમાં દર્દી પાસેથી ચાર્જ લેવો તેમજ અન્ય કોઈ મુશ્કેલી ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને ના થાય તે માટે એક ડેટાશીટ પણ તૈયાર કરવા આદેશ કરાયો જેમાં એમ્બ્યુલન્સના ચાર્જ સહીત ડ્રાઈવરની સંપૂર્ણ વિગત સામેલ રાખવા માટે કહેવામાં આવ્યું. ત્યારબાદ ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોએ એડીશનલ સુપ્રીટેન્ડન્ટની વાત માની લેતા સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.