સપના શર્મા/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં ગુરુવારે રાત્રે RTO સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક વૈભવી ઓડી કારની ટક્કરે 25 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. ત્યારે અમદાવાદમાં હિટ એન્ડ કેસ મામલે ખુલાસા થઈ રહ્યા છે. કારના માલિકે કહ્યું કે, આ કાર તેના ડ્રાઈવર નિજેશ પાસે હતી. મહત્વનું છે કે, ઓડી કાર ચાલકે RTO સર્કલ પાસે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં વિશાલા હોટલના કેશિયર અને ઝુંડાલમાં રહેતા યશ ગાયકવાડનું મોત નિપજ્યું છે. આ મામલે એલ ડિવિઝન પોલીસે અકસ્માત નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રાઈવરે ગાડી શ્વાનને અડી ગયાનું ખોટું કહ્યું 
ઝી 24 કલાક સમક્ષ કારના માલિકે ખુલાસો કર્યો હતો. કારના માલિક રોહિત કુમારે અકસ્માત વિશે જાણકારી ન હોવાનો દાવો કર્યો છે. કારના માલિકે જણાવ્યું કે, હું ગઈકાલે રાત્રે દિલ્હીથી ફ્લાઈટમાં અમદાવાદ આવ્યો છું. અમદાવાદ એરપોર્ટ ખાતે રાત્રે 11.25 વાગ્યે ડ્રાઈવર નિજેશને બોલાવ્યો હતો. મને લેવા માટે ડ્રાઈવર નિજેશ અમદાવાદ એરપોર્ટ પર સાડા 12 વાગ્યે પહોંચ્યો હતો. એરપોર્ટ ખાતે ગાડીમાં મને બરોબર લાગ્યુ ન હતું. ત્યારે ગાડી તેણે શ્વાનને અડી ગઈ હોવાનું તેવું મને જણાવ્યું હતું. જેથી અમે કાર એરપોર્ટ પર મૂકી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. 


ડ્રાઈવરે પુરાવા નાશ કરવા કાર ધોઈ
પોલીસ તપાસ કરતા વ્હાઇટ રંગની ઓડી કાર પાર્ક કરેલી હાલતમાં એરપોર્ટ સર્કલ નજીક મળી આવી હતી. આજ કારથી અકસ્માત કરી ડ્રાઇવર પોતાના માલિકને એરપોર્ટ લેવા પહોંચ્યો હતો. કાર માલિક રોહિત કુમારને કારમાં ભૂલ જણાતા ડ્રાઈવરે કૂતરા સાથે ટક્કર થઈ હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહિ, ડ્રાઈવરે મૃતકના શરીરની હાલત અને કારની હાલત જોતા અકસ્માત બાદ કારને ધોઈ પણ નાંખી હોય તેવી આશંકા છે. ડ્રાઈવરે પુરાવાનો નાશ કરવા કાર ધોઈ હોવાની શક્યતા છે. પોલીસ તપાસ કરતા કાર ઉપર આજે લોહીના એકપણ ડાઘ જોવા મળ્યા ન હતા. એટલુ જ નહિ, ડ્રાઈવર નજેશ હોટલ કમ્ફર્ટ ઇનમાં ભૂતકાળમાં નોકરી કરતો હતો. તેથી પોતાના જુના સંબંધોનો ઉપયોગ કરી હોટલ બહાર કાર પાર્ક કરી હતી. એટલુ જ નહિ, કારમાં પ્રોબ્લેમ થયો હોવાનું જણાવી કાર પાર્ક કરી હતી. 



(આ ઓડી કારથી અકસ્માત સર્જાયો)


ડ્રાઈવરે અકસ્માત સર્જીને જરા પણ માનવતા ન દાખવી
તો બીજી તરફ, ડ્રાઈવર નિજેશે અકસ્માત સર્જ્યા બાદ જરા પણ માનવતા દાખવી ન હતી. અકસ્માત થયા બાદ કારચાલકે ગાડી ઊભી રાખી નહોતી. 100 મીટર દૂર ગાડી ઊભી રાખી નાસી ગયો હતો. કાર નીચે ઘસડાયેલા યુવકના શરીરના ફુરચેફુરચા ઊડી ગયા હતા. યુવકને બ્રિજથી કલેક્ટર કચેરી સુધી ઘસડતાં તે મોતને ભેટ્યો હતો. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.



(ઓડી કારના માલિક રોહિત કુમાર)


અકસ્માત બાદથી નિજેશ ફરાર, ઘરે પણ તાળું 
તો બીજી તરફ, ઓડી કારના ડ્રાઈવર નિજેશ અકસ્માત બાદથી ફરાર છે. તેના ઘરે તાળું લગાવેલું મળ્યું. તો ડ્રાઈવર નિજેશના પત્ની અને સાળાનો સંપર્ક થયો. જેમણે ડ્રાઈવર નિજેશ ક્યાં છે તે ન જાણતા હોવાનું જણાવ્યું. અકસ્માત સર્જનાર ડ્રાઈવરના સાળા પ્રકાશ રાવતે જણાવ્યું કે, હાલ નિજેશ ક્યાં છે તેની અમને કોઈ જાણ નથી. અમને અકસ્માત વિશે પણ જાણ નથી. અમે નિજેશનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમને ખબર પડશે તો અમે નિજેશને હાજર કરીશું. 



(અકસ્માત સર્જીને ફરાર થનાર ડ્રાઈવર નિજેશની તસવીર)


ડ્રાઈવરના વતન વડનગરમાં પણ શોધખોળ શરૂ
ACP અશોક રાઠવાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન અમે મૃતકના પિતાની ફરિયાદ લીધી છે. તેમનો પુત્ર યશ વિશાલા હોટલમાં નોકરી કરે છે. તે નોકરી પરથી કામ પતાવીને ઘર તરફ ઝુંડાલ જઈ રહ્યો હતો. ચીમનભાઈ બ્રિજ તરફ તેની બાઈક અથડાયુ હતું. તેથી તે ફંગોળાઈને સામેની બાજુ પડ્યો હતો. તે દરમિયાન સામેથી આવતી ઓડી કારે અડફેટે લીધો હતો અને ધસડીને કલેક્ટર કચેરી સુધી લઈ ગયો હતો. ધસડવાનું અંતર 500 સુધીનું હતું. જેથી યુવકના શરીર પર ઈજા પહોંચી હતી અને તેનુ મોત નિપજ્યુ હતું. હાલ અમે ઓડીના ફરાર ડ્રાઈવરની તપાસ કરી રહ્યાં છે. તે તેના વતન વડનગરમાં હોઈ ત્યાં પણ તપાસ લંબાવી છે.