ઝી બ્યૂરો/અમદાવાદ: શહેરમાં સૌથી મોટી સમસ્યા હોય તો ટ્રાફિકની છે, જે ટ્રાફિક પોલીસ માટે પણ એક પડકારરૂપ બની રહી છે. અમદાવાદમાં પાર્કિંગની પણ મોટી સમસ્યા છે, જેનું કારણ ખુદ શહેરીજનો છે. અમુક લોકો ગમે ત્યાં વાહનો પાર્ક કરીને જતા રહે છે જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાય છે. પરંતુ હાલ આવા લોકો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આજથી એક અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે. પોલીસે હવે અમદાવાદમાં બિનવારસી વાહનો પડ્યા હશે તો તેને ઉપાડી લેવાની જાહેરાત કરી છે. તેની સાથે લોકોને અપીલ પણ કરી છે કે તેઓ આવા કોઈ વાહન દેખાય તો પોલીસને તાત્કાલિક જાણ કરે. આ અંગે ટ્રાફિક પોલીસે ટ્વીટ કરીને માહિતી આપી છે.



આજથી શરૂ થયેલી આ ટ્રાફિક ડ્રાઈવમાં સોશિયલ મીડિયા મારફતે મળેલી માહિતીને પણ મહત્ત્વ આપીને તેમાં કાર્યવાહી કરવાની તૈયારીઓ કરાઈ છે અને આગામી સમયમાં આખા શહેરમાં આ પ્રકારની ડ્રાઇવ યોજાશે. શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગને સમસ્યાને લઈને ખાસ વાહનો ડિટેઇન કરવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. પોલીસ હવે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે.


પોલીસે જનતાને ટ્વીટ કરીને અપીલ કરી છે કે, જો તમારા ઘરની આસપાસ કે અન્ય જગ્યાએ ઘણા દિવસોથી કોઈ અજાણ્યાં વાહનો પડ્યા હોય અથવા તો તમને કોઈ વાહન પર શંકા હોય તો તમે તાત્કાલિક તેનો ફોટો પાડીને અમદાવાદ ટ્રાફિક પોલીસ કે અમદાવાદ શહેર પોલીસને ટેગ કરીને લોકેશન મોકલી શકો છો. પોલીસ તાત્કાલિક આવીને આવાં વાહનો ડિટેઈન કરી લેશે. પોલીસે આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ કરી છે.