• અમદાવાદ અને ભાજપના વિકાસના પાયાના પથ્થર સુરેન્દ્ર કાકા રાજકીય નિવૃત્તિ તરફ 

  • ઔડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહને સહકોષાધ્યક્ષ બનાવાયા તે સાથે જ કાકાની નિવૃત્તિની અટકળોએ જોર પકડયું હતું


બ્રિજેશ દોશી/અમદાવાદ :અમદાવાદ મહાનગર પાલિકામાં જંગી બહુમતથી સત્તા મેળવનાર ભાજપના 'વહીવટ'ની જવાબદારી હવે પ્રદેશ સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહને સોંપવામાં આવી છે. ભાજપે અમદાવાદ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ બદલ્યા છે. અત્યારે સુધી આ જવાબદારી વરિષ્ઠ નેતા અને સુરેન્દ્રકાકાના હુલામણા નામથી ઓળખાતા સુરેન્દ્ર પટેલ પાસે હતી. ભાજપના દિગગજ નેતાઓમાંના એક સુરેન્દ્ર પટેલ હવે ઉંમરના કારણે રાજકીય નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1987થી મહત્વની જવાબદારી પર સુરેન્દ્રકાકા 
1987 માં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને પહેલીવાર સત્તા મળી ત્યારથી શરૂ કરીને 2021 માં જંગી બહુમતી મળ્યા સુધી ભાજપ માટે કોઈ એક વ્યક્તિ એમને એમ રહી હોય તો એ છે સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુરેન્દ્ર કાકા. અમદાવાદ શહેરના વિકાસ અને ભાજપના આર્થિક વિકાસ પાછળનો જાણીતો ચહેરો એટલે સુરેન્દ્ર કાકા. સંઘના વર્ષો જૂના કાર્યકર અને વ્યવસાયે એન્જિનિયર એવા સુરેન્દ્ર કાકાએ ભાજપને સધ્ધર કરવામાં પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષો સુધી પક્ષના કોષાધ્યક્ષ રહ્યા અને અત્યારે પણ એ જ જવાબદારી એમની પાસે છે. સુરેન્દ્ર કાકા કોઈપણ ચૂંટણી લડ્યા વગર સતત પક્ષના પાયાના કાર્યકર અને નેતા રહ્યા છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં રંગોથી હોળી રમવા પર મંજૂરી નહિ, માત્ર હોળી દહનને જ પરવાનગી 


સુરેન્દ્ર કાકાએ ભાજપને અમદાવાદમા નવી ઊંચાઈ આપી 
ભાજપના કોષાધ્યક્ષ પ્રહલાદ પટેલના નિધન બાદ અમદાવાદ મહાનગરપાલિકા અને ભાજપની આ મહત્વની જવાબદારી સુરેન્દ્ર કાકાને મળી હતી. એમ કહો કે તે અમદાવાદમાં ભાજપનો પાયાનો પત્થર સમાન છે. ત્યારથી અત્યાર સુધી કાકાનો દબદબો ભાજપ અને અમદાવાદ મહાનગરપાલિકા પર રહ્યો હતો. જો કે ક્યારેય તેમણે રાજકીય મહત્વકાંક્ષાઓ સાથે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત નહોતી કરી. પાટીદાર સમુદાયમાંથી આવતા હોવા છતાં કોઈપણ રાજકીય મહત્વકાંક્ષા વગર તેઓ પક્ષને આર્થિક રીતે મજબૂત કરતા રહ્યા. પક્ષનું પ્રદેશ કાર્યાલય કમલમ હોય કે ઔડાની રચના કે પછી અમદાવાદનો સરદાર પટેલ રિંગ રોડ કે 132 ફૂટ રિંગ રોડ હોય, આ તમામ સુરેન્દ્ર કાકાની દેણ છે. અમદાવાદ મહાનગરપાલિકાના શાસકોને હંમેશા માર્ગદર્શન આપીને શહેરના વિકાસને નવી ઊંચાઈએ સુરેન્દ્ર કાકાએ પહોંચાડી. 


મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે વિધાનસભાની કે પછી લોકસભાની, તમામ ચૂંટણીઓમાં ખર્ચ અને ભંડોળની જવાબદારી સુરેન્દ્ર કાકા પાસે રહી. આજે પણ ગુજરાત ભાજપની આર્થિક સધ્ધરતામાં પાયાની ભૂમિકામાં સુરેન્દ્ર કાકા રહ્યાં છે. 


આ પણ વાંચો : મહુડી મંદિર બંધ નથી, ખોટા સમાચાર વહેતા થયા હતા


રાજકીય નિવૃત્તિ તરફ સુરેન્દ્રકાકા 
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પ્રદેશની નવી ટીમમાં કાકાને કોષાધ્યક્ષ તરીકે યથાવત રાખ્યા, પણ સાથે જ ઔડાના પૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહને સહકોષાધ્યક્ષ બનાવાયા તેની સાથે જ કાકાની નિવૃત્તિની અટકળોએ જોર પકડયું હતું. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ અમદાવાદ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ તરીકે ધર્મેન્દ્ર શાહને જવાબદારી આપતા એ સ્પષ્ટ થઈ ગયું કે, હવે કાકા રાજકીય નિવૃત્તિ તરફ આગળવધી રહ્યા છે. જો સૂત્રોની વાત માનીએ તો, કાકાએ પોતે જ આ નામની ભલામણ કરી છે અને હવે તેઓ જ આ જવાબદારી સંભાળશે. કાકાની હયાતીમાં જ પક્ષના અને કોર્પોરેશનના સમગ્ર વહીવટથી ધર્મેન્દ્ર શાહ સારી રીતે જાણકારી મેળવીને આ જવાબદારી માટે તૈયાર થાય તે દિશામાં પક્ષ આગળ વધી રહ્યો છે. 


આ પણ વાંચો : રાત્રિ કરફ્યૂનો અમલ કરાવવા ગયેલી અમદાવાદ પોલીસની પાછળ દોડ્યું ટોળું, Video


સુરેન્દ્રકાકાની રાજકીય સફર 
સુરેન્દ્ર કાકાએ કુશભાઉ ઠાકરેથી લાલ કૃષ્ણ અડવાણીથી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુધીના નેતાઓ સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું છે અને ભાજપને આર્થિક મજબૂતી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમદાવાદ સત્તા વિકાસ મંડળના ચેરમેન તરીકે કામગીરી કર્યા બાદ 6 વર્ષ રાજ્યસભાના સાંસદ તરીકે પણ કાકાએ કામ કર્યું. રાજ્યસભાની ટર્મ પૂર્ણ થયા બાદ કાકા પક્ષના કોષાધ્યક્ષ અને અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપના સમગ્ર કામકાજને સંભાળી રહ્યા હતા. હવે સુરેન્દ્ર કાકા નવા સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહને આ જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર કરશે.